તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકબીજાને ગમતાં રહીએ:અરવિંદ જોષીઃ રંગભૂમિની આંખનો અફીણી

એક મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
 • કૉપી લિંક
 • અભિનેતા તરીકે એમનું અંતિમ નાટક હજી એક દાયકા પહેલાં ભજવાયું. એક નાનકડી મેડિકલ બેદરકારીને કારણે એમણે વ્હીલચેર પકડી લેવી પડી, પરંતુ નાટક માટેનો એમનો મોહ અને વળગણ છેક સુધી છૂટ્યાં નહોતાં...

‘બ‘હું પાંગળો છું પણ પામર નથી. જો ઈશ્વરે અન્યાય કર્યો હોય તો પણ એની સામે બંડ પોકારવું જોઈએ. જગતમાં અસંખ્ય માણસો ભૂખે મરતા હોય ત્યારે દુકાળ, અતિવૃષ્ટિ અને ધરતીકંપ ફેલાવનાર ઈશ્વર સામે બળવો કરીને માનવજાતે એને કેદ કરી દીધો પથ્થરમાં અને ફરતી ચણી દીધી છે પથ્થરની ચાર દીવાલો...મંદિરને નામે. તું ધારે તો બધું કરી શકે એમ છે, કારણ કે તું માણસ છે અને માત્ર માણસ ધારી શકે છે, વિચારી શકે છે.’ પથારીમાં સુતેલો એક અભિનેતા હલ્યા-ચલ્યા વગર સાત-આઠ મિનિટ સુધી એકોક્તિ બોલે, સ્ટેજ પર બીજું કશું જ ન બને, માત્ર સંવાદ સાંભળી શકાય અને છતાં ભરચક ઓડિયન્સ અધ્ધર શ્વાસે એમને બોલતા સાંભળી રહે એ ઘટના ‘બાણશૈયા’ નામના નાટકમાં દરેક શો વખતે બનતી. ‘ગુઝારિશ’ના ઘણા વર્ષો પહેલાં આ ચેતના અકબંધ રહે અને માણસનું શરીર કામ ન કરે એવા અગમ્ય રોગ વિશે સંશોધન કરીને પ્રવીણ સોલંકીએ લખેલા નાટકની આ એકોક્તિ આજે પણ એક અવિસ્મરણીય છે. પ્રેક્ષકગૃહમાં ગૂંજતો એ અવાજ આજે શાંત થઈ ગયો છે. પથારીમાં સૂતાં સૂતાં મા આદ્યશક્તિના ચહેરાનું વર્ણન કરતી એ એકોક્તિ પ્રેક્ષકની નજર સામે એક અદ્્ભૂત ચિત્ર ઊભું કરતી. જેમાં સંવાદનું મહત્ત્વ તો હતું જ, પરંતુ અભિનેતા દ્વારા એ સંવાદની અદાયગીએ, એની રજૂઆતે એ એકોક્તિને સજીવન કરી નાખી હતી. આ અભિનેતા એટલે અરવિંદ જોષી. પ્રવીણ જોષીના મોટાભાઈ, સરિતા જોષીના જેઠ, શર્મન જોષીના પિતા, માનસી જોષી રોયના પણ પિતા અને રોહિત રોયના સસરા...‘કુમારસંભવ’ નામના નાટકથી અભિનેતા તરીકે પાંચ દાયકા પહેલાં એમણે કારકિર્દીની શરૂઆત કરી. અભિનેતા તરીકે એમનું અંતિમ નાટક હજી એક દાયકા પહેલાં ભજવાયું. એક નાનકડી મેડિકલ બેદરકારીને કારણે એમણે વ્હીલચેર પકડી લેવી પડી, પરંતુ નાટક માટેનો એમનો મોહ અને વળગણ છેક સુધી છૂટ્યા નહોતા. તેઓ નાટ્યસ્પર્ધાઓના અભિનેતાઓને અંગત રીતે મળે. એમને એમની ખૂબીઓ અને ખામીઓ સમજાવે. નવાઈની વાત એ હતી કે, એ ક્યારેય પોતાના ‘અરવિંદ જોષી’ હોવાનું વજન સાથે લઈને ફરતા નહીં.

લેખક, દિગ્દર્શક કે અભિનેતા તરીકે એમણે સતત રંગભૂમિ સાથે જોડાયેલા રહેવાનું પસંદ કર્યું. ગુજરાતી નાટક ‘બા રીટાયર થાય છે’નું રૂપાંતર કરવા માટે જ્યારે દિગ્દર્શક શફી ઈનામદાર એમને મળ્યા ત્યારે એમણે કહેલું, ‘આ નાટકનું દિગ્દર્શન હું કરવાનો છું, પણ તમારી ગુજરાતી ભાષા જેવી ભાષા મને ક્યાંય નહીં મળે. તમે રૂપાંતર કરી આપશો ?’ મૂળ મરાઠી, ‘આઈ રીટાયર હોતય’ ઉપરથી અરવિંદ જોષીએ કરેલા રૂપાંતરમાં એમણે સાચે જ સુંદર સંવાદો લખી આપ્યા. બા એની પુત્રવધૂને કહે છે, ‘આજથી આ દરવાજો અંદરથી કોના માટે ખોલવો અને બહારથી ક્યારે ખોલવો એ તારે જ નક્કી કરવાનું છે...’ ‘સળગ્યા સૂરજમુખી’ના એક સીનમાં સરિતાબહેન અને અરવિંદભાઈ અભિનય કરતા હતા. ઓડિયન્સમાંથી કોઈકે સીટી મારી. અરવિંદભાઈએ ભજવણી અટકાવી. નાટકના દિગ્દર્શક પ્રવીણ જોષી બહાર આવ્યા. એમણે ઓડિયન્સને વિનંતી કરી કે જેણે સીટી મારી હોય એને બહાર કાઢ્યા પછી જ નાટક આગળ ભજવાશે. રંગભૂમિને સન્માન આપતા પ્રેક્ષકો પણ આ વાત સાથે સહમત થયા અને સીટી મારનાર વ્યક્તિને બહાર કાઢવામાં આવી ત્યારે અરવિંદભાઈએ અભિનેતા તરીકે સ્ટેજ પરથી કહેલું, ‘હું જેની સાથે અભિનય કરી રહ્યો છું એ તમારે માટે હિરોઈન હશે, પણ સરિતા જોષી મારા ભાભી છે. પ્રવીણ જોષીની પત્ની છે. જો તમે સાચે જ નાટક જોવા આવ્યા હો તો તમારા વર્તનમાં પણ એ સન્માન દેખાવું જોઈએ.’ કૌસ્તુભ ત્રિવેદી નિર્મિત એક નાટક ‘હસતાં-રમતાં સાવ અચાનક’ના એક શોમાં એ ખૂબ બીમાર હતા. એમને સ્ટેજ ઉપર ઉલટી થઈ ગઈ. કૌસ્તુભભાઈએ શો બંધ કરવાની વિનંતી કરી, પરંતુ અરવિંદભાઈએ બેકસ્ટેજ જઈ સ્વસ્થ થઈને શો પૂરો કર્યો. રંગભૂમિ માટે એમનું સમર્પણ અનોખું હતું! ‘હતું’ એટલા માટે લખવું પડે, કારણ કે 29મી જાન્યુઆરીની સવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એમણે પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા. અરવિંદ જોષીને એમના અનેક નાટકો માટે યાદ કરવા પડે. ‘એની સુગંધનો દરિયો’, ‘બાણશૈયા’, ‘પુનર્મિલન’, ‘બે લાલના રાજા’, ‘ખેલંદો’, ‘સળગ્યા સુરજમુખી’, ‘વૈશાખી કોયલ’, ‘હસતાં-રમતાં સાવ અચાનક’, ‘અજબ-ગજબના માણસ’, ‘બંધ હોઠની વાત’, ‘ધુમ્મસ’... વગેરે યાદગાર છે.

એમના એક નાટક ‘ધુમ્મસ’માં એ એમના ભાભી સરિતા જોષી સાથે અભિનય કરતા હતા. નાટકના દિગ્દર્શક એમના નાના ભાઈ પ્રવીણ જોષી હતા. ઈન્ટરવલની પહેલાં અરવિંદ જોષી ચાર-પાંચ ફૂટ ઉપરથી સરિતાબહેન ઉપર સળગતી દીવાસળી ફેંકે એવો એક સીન ડિઝાઈન કરવામાં આવ્યો. પ્રવીણભાઈ પણ ધૂની દિગ્દર્શક. રંગભૂમિનો સવાલ આવે ત્યારે કોઈ સામે જુએ નહીં! અરવિંદભાઈએ થોડાક રિહર્સલમાં તો દીવાસળી ફેંકી, પછી એમણે પોતાના ભાઈને સમજાવ્યા, ‘આ બહુ રિસ્કી છે. હું મારી જ ભાભી પર દીવાસળી ફેંકું ને એને કંઈ થઈ જાય તો મારે માથે જીવનભર આ અપરાધની લાગણી રહી જાય, સમજે છે?’ પ્રવીણભાઈ પ્રમાણમાં વહેલા ચાલી ગયા. એમના નાટકોમાં અરવિંદભાઈએ ઘણા રિપ્લેસમેન્ટ કર્યા, જેમાં એમણે પ્રવીણભાઈનો રોલ નિભાવ્યો! અરવિંદભાઈના પત્ની ઉષાબહેન વર્ષો સુધી જાતે ટિકિટબારી ઉપર બેસે. નાટક જોવા આવેલા ખાસ પ્રેક્ષકોને સન્માન આપે, જાતે બહાર આવીને એમના હાથમાં કોમ્પ્લિમેન્ટરી સીટ આપે. નાટક પત્યા પછી અરવિંદભાઈને મળવાનો આગ્રહ કરે ને અરવિંદભાઈ પણ નાટક પૂરું થયા પછી એમનાં પ્રેક્ષકને મળવા માટે ખાસ સમય ફાળવે. નાટકો પછીનો સમય એટલે ગુજરાતી સિનેમાનો સુવર્ણકાળ. અરવિંદ જોષીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. ઉત્તમ નવલકથાઓ પરથી બનેલી ગુજરાતી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો. ‘શોલે’ અને રાજેશ ખન્ના અભિનીત (જૂની) ‘ઈત્તફાક’માં પણ અરવિંદ જોષીએ મહત્વનો રોલ કર્યો હતો. સિનેમા એમને બહુ રાસ ન આવી, કારણ કે માણસ મૂળ લાઈવ પરફોર્મન્સના હતા. એમને માટે રંગભૂમિથી ઉપર કે આગળ બીજું કશું જ નહોતું. એમના પુત્ર શર્મન જોષીએ કારકિર્દી તો રંગભૂમિથી શરૂ કરી, પરંતુ એ જ્યારે રંગભૂમિથી દૂર થવા લાગ્યા ત્યારે અરવિંદભાઈએ એકવાર અંગત રીતે અફસોસ વ્યક્ત કરેલો. વ્હીલચેરમાં બેઠા-બેઠા પણ એ અભિનય કરવા માગતા હતા.

એમણે છેલ્લે મળ્યા ત્યારે કહેલું, ‘મારે કોઈ એવું નાટક લખવું છે, જેમાં હું અભિનય કરી શકું. કોઈ એવા પાત્રની શોધમાં છું, જે વ્હીલચેરમાં બેસી રહેતું હોય!’ અરવિંદભાઈની આ લાગણી તો પૂરી ન થઈ શકી, પરંતુ એથી મોટા અફસોસની વાત એ છે કે ગુજરાતી રંગભૂમિના આ સુપરસ્ટાર આજે આથમ્યા છે ત્યારે ઓનલાઇન એમના વિશે જૂજ વિગતો ઉપલબ્ધ છે. આપણે ગુજરાતીઓ ડોક્યુમેન્ટેશન કરવામાં (દસ્તાવેજ એકત્રિત કરવામાં), આત્મકથા લખવામાં કે મેમોએર સંપાદિત કરવામાં બહુ કંજૂસ છીએ. છેલ્લા પાંચ વર્ષથી મેં અરવિંદ જોષીની આત્મકથા અથવા મેમોએર લખાય એવા પૂરા અને પ્રામાણિક પ્રયાસો કર્યા, પરંતુ કોઈક કારણસર અરવિંદ જોષી જેવા રંગભૂમિ, ગુજરાતી સિનેમા અને હિન્દી સિનેમા સાથે પાંચ દાયકા સુધી જોડાયેલા રહ્યા હોય એવા અભિનેતા, લેખક, દિગ્દર્શક અને રૂપાંતરકાર વિશે આપણે કોઈ જ માહિતી સાચવી શક્યા નથી. આકાશવાણી પરથી ‘બાણશૈયા’ નાટક પ્રસારિત થયું ત્યારે જેણે આ નાટકનું રેકોર્ડિંગ કર્યું હોય એવા કેટલાક લોકો હજુએ આપણી વચ્ચે છે. અફસોસની વાત એ છે કે આપણે કોઈ અને ક્યાંય આપણા રંગભૂમિના વારસાને કે અભિનેતાઓના વારસાને આપણે જાળવીને આપણા પછીની પેઢીને આપવાનો કોઈ પ્રયાસ કરી રહ્યા નથી. પ્રવીણ સોલંકી લિખિત, અરવિંદ જોષી અભિનીત એક અન્ય નાટક ‘ભીતર સાત સમંદર’માં અરવિંદભાઈને પ્રેક્ષકો આ સંવાદ પર તાળીઓથી વધાવી લેતા! ‘માણસની તાકાત એ છે કે જડ પથ્થરમાંથી પણ ભગવાન બનાવી શકે છે, જ્યારે તારી નબળાઈ એ છે કે તું માણસ જેવા માણસને પણ માણસ બનાવી નથી શકતો, એ તો અમારે જાતે જ બનવું પડે છે અને એ જ તારો પરાજય છે. એટલે જ હવે એક માણસ બીજા માણસને મળે છે ત્યારે નથી પૂછતો કે તમે ભગવાનમાં માનો છો? પણ હવેથી, એક ઈશ્વર બીજા ઈશ્વરને મળે ત્યારે પૂછશે, તમે માણસમાં માનો છો?’ kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો