પેરેન્ટિંગ:તમે હેલિકોપ્ટર પેરેન્ટ તો નથી ને?

એક મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

દરેક માતા-પિતા પોતાના બાળકનો સારામાં સારો ઉછેર કરવા ઇચ્છતા હોય છે. જોકે દરેક પેરન્ટ્સની વિચારસરણી અલગ અલગ હોય છે અને આના કારણે તેમનો પેરેન્ટિંગ પ્રત્યેનો અભિગમ પણ અલગ અલગ હોય છે. હકીકતમાં ગમે તે સંજોગોમાં બાળકોના વિકાસ માટે યોગ્ય પેરેન્ટિંગ જરૂરી છે. કેટલાક માતા-પિતા બાળક પર એટલું બધું ધ્યાન આપે છે કે બાળકને એવી લાગણી થાય છે કે તેના પેરેન્ટ્સ હેલિકોપ્ટરની જેમ તેની દરેક પ્રવૃત્તિ પર મંડરાયા કરે છે. આ પ્રકારના પેરેન્ટિંગને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહેવામાં આવે છે. બાળકના અનુભવો અને મુશ્કેલીઓ પ્રત્યે અત્યંત અથવા કહો કે વધારે પડતા સજાગ રહેતાં મા-બાપ માટે ‘હેલિકોપ્ટર પેરન્ટ’ શબ્દ વાપરવામાં આવે છે. આવા મા-બાપ બાળકને ગમે કે ન ગમે, એના માટે જરૂરી હોય કે ન હોય-સતત હેલિકોપ્ટરની માફક માથે જ ભમતાં હોય. આવા ઓવર-પેરન્ટિંગ કિસ્સામાં પરણવા જેવા દીકરા-દીકરીનેય માબાપ આંગળીથી છુટ્ટા નથી મૂકતા. ક્યારેક ક્યારેક તો સંતાન ગ્રેજ્યુએટ થઇ જાય તો હેલિકોપ્ટર પેરન્ટ નોકરીનાં સ્થળેય પહોંચી જાય અને કામના પ્રકાર, કલાક અને પગાર વિશે પણ બાળક વતી ચર્ચા કરવા લાગે છે. ફોન છે મોટું જવાબદાર કારણહેલિકોપ્ટર પેરન્ટિંગના વધતા જતા કિસ્સા માટે મોબાઇલ ફોન પણ જવાબદાર છે. મોબાઇલ ફોનને કારણે દૂષણ વકર્યું છે. બાળક ગમે તેટલું મોટું થાય પણ મોબાઇલ ફોન દ્વારા મા-બાપ સાથે સતત જોડાયેલું રહે. હેલિકોપ્ટર પેરન્ટ મોબાઇલના માધ્યમથી બાળક તેમનાથી દૂર હોય તો પણ એની દરેક ક્ષણ પર નજર રાખતા થઇ જાય છે. જોકે હેલિકોપ્ટર પેરેન્ટિંગના અતિરેકમાં બાળક પોતાની જાતે નિર્ણય લેવાની શક્તિ ગુમાવી બેસે, પ્રતિકારની આવડત જ ન હોય અને મોટા થાય ત્યારે આત્મબળથી પગભર થવાનું કામ અઘરું થઇ જાય. આવા બાળકોને પછી રસ્તો ક્રોસ કરવો હોય તો ય તકલીફ પડે.બાળક પર નકારાત્મક અસરહેલિકોપ્ટર પેરેન્ટિંગ એટલું ભયંકર હોય છે કે તેના કારણે બાળકો કોઈપણ નિર્ણય જાતે લઈ શકતા નથી. બાળકો એકલા રહી શકતા નથી ઉપરાંત તેઓ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ પણ પારખી શકતા નથી. કારણ કે માતા પિતા બાળકને લેવાના દરેક નિર્ણય પણ જાતે જ લઈ લે છે. બાળકોની જવાબદારી લેતાં માતા પિતા તેમની દરેક વાતમાં હસ્તક્ષેપ કરવા લાગે છે. આ પ્રકારની સંભાળથી બાળકના જીવન પર ખરાબ પ્રભાવ પડે છે. આવા ઉછેરથી બાળકોના વ્યક્તિત્વ વિકાસ પર અસર પડે છે કારણ કે તેમનો સ્વભાવ વધતી ઉંમર સાથે બદલાય છે પરંતુ માતા પિતાનો બદલતો નથી તેથી બાળકો માનસિક રીતે નબળાં રહી જાય છે. આ સંજોગોમાં માતા પિતા જ્યારે કોઈને કોઈ રીતે બાળકોની સાથે જ રહેવા ઈચ્છે અને તેવા જ પ્રયત્ન કરે ત્યારે બાળકો ખોટું બોલવા લાગે છે. જો માતા-પિતાએ બાળકને આત્મવિશ્વાસથી સભર બનાવવું હોય તો ‘હેલિકોપ્ટર પેરન્ટિંગ’થી બચવું જોઇએ.

‘હેલિકોપ્ટર પેરેન્ટિંગ’ પર બનેલી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’નું એક દૃશ્ય

અન્ય સમાચારો પણ છે...