વુમન ઈન ન્યૂઝ:અનુરાધા રોય : 2022નો સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવનાર પ્રખર પ્રતિભાશાળી લેખિકા

એક મહિનો પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

હાલમાં સાહિત્ય અકાદમી એવોર્ડ્સ 2022ની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે લેખિકા અનુરાધા રોયની 2018માં પબ્લિશ થયેલી નવલકથા ‘ઓલ ધ લાઇવ્સ વી નેવર લિવ્ડ’ને અંગ્રેજી ભાષા માટેનો સાહિત્ય અકાદમી અવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ 1 જાન્યુઆરી, 2016થી 31 ડિસેમ્બર, 2020ના સમયગાળા દરમિયાન પબ્લિશ થયેલા સર્જનો માટે એનાયત કરવામાં આવ્યો હતો.
અનુરાધા રોય ભારતીય નવલકથાકાર, જર્નાલિસ્ટ અને એડિટર છે. તેમણે અત્યાર સુધી પાંચ નવલકથાઓ લખી છે જેમાં એન એટલાસ ઓફ ઇમ્પોસિબલ લોન્જિંગ (2008), ધ ફોલ્ડેડ અર્થ (2011), સ્લિપિંગ ઓન જ્યુપિટર (2015), ઓલ ધ લાઇવ્સ વી નેવલ લિવ્ડ (2018) અને ધ અર્થસ્પિનર (2021)નો સમાવેશ થાય છે.
‘ઓલ ધ લાઇવ્સ વી નેવર લિવ્ડ’એ અનુરાધા રોયની ચોથી નવલકથા છે અને સાહિત્ય અકાદમી અવોર્ડ પહેલાં આ નોવેલ ‘તાતા બુક ઓફ ધ યર એવોર્ડ ફોર ફિક્શન 2018’ જીતી ચૂકી છે. આ નવલકથા ‘વોલ્ટર સ્કોટ પ્રાઇઝ ફોર હિસ્ટોરિકલ ફિક્શન 2018’ માટે અને ‘ઇન્ટરનેશનલ ડબ્લિન લિટરરી એવોર્ડ 2020’ માટે પણ શોર્ટલિસ્ટ થઇ હતી.
અનોખું બાળપણ
અનુરાધા રોય પોતાના પબ્લિશર પતિ રુુકુન અડવાણી સાથે હાલમાં રાનીખેતમાં રહે છે પણ એનું બાળપણ અલગ અલગ જગ્યાએ પસાર થયું છે. અનુરાધાના પિતા જિયોલોજિસ્ટ હોવાના કારણે તેઓ અલગ અલગ જગ્યાએ કેમ્પસાઇટમાં રહેતા હતા અને આ કારણે અનુરાધાને પણ આ જીવન જીવવાની તક મળી છે. પોતાના બાળપણ વિશે અનુરાધાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ‘મારા બાળપણના પહેલા ત્રણ વર્ષો બહુ મજાના પસાર થયા છે.
મારો પરિવાર સિક્કિમ, ઓરિસ્સા, બિહાર અને ભરપૂર કુદરતી વાતાવરણ ધરાવતા રાજ્યોમાં રહેતો હતો અને આ કારણે મને પણ આ શહેરોમાં રહેવાની તક મળી છે. હું અને મારો ભાઇ નિયમિત રીતે ક્લાઇમ્બિંગ માટે જતા હતા. એ સમયે ત્યાં જે વાતાવરણ રહેતું એ વાતાવરણ મારા મનમાં જડાઇ ગયું હતું. આ કારણે આજે પણ હું જ્યારે વાર્તાઓ લખું છું ત્યારે એના બેકગ્રાઉન્ડમાં મારું બાળપણ જે વિસ્તારમાં પસાર થયું છે એ વિસ્તારનું વાતાવરણ જ રહે છે.’
નાની વયથી લેખનમાં રસ
અનુરાધાની વય લગભગ 55 વર્ષની છે અને તેઓ છેલ્લા 40 વર્ષથી લેખન સાથે સંકળાયેલા છે. લેખન સાથેના પોતાના સંબંધની વાત કરતા અનુરાધા કહે છે કે, ‘હું જ્યારથી શબ્દોને ઓળખતા શીખી ત્યારથી મને લખવામાં રસ રહ્યો છે. હું જ્યારે 14 વર્ષની થઇ ત્યારે સૌથી પહેલીવાર મારું લેખન પબ્લિશ થયું હતું. એ સમયે મને અનહદ આનંદ થયો હતો. મેં જ્યારે પહેલી નોવેલ લખી ત્યારે કોઇ મોટું આયોજન નહોતું કર્યું. એક વિચારોનું તોફાન આવ્યું અને એમાંથી હું જ્યારે પસાર થઇને પાર ઉતરી ત્યારે મારી પહેલી નવલકથા લખાઇ ગઇ હતી. મને તો એવું લાગે છે કે હું નવલકથા નથી લખતી પણ અલગ અલગ પાત્રો મારા મગજમાં આવીને બેસી જાય છે અને મારી પાસે નવલકથા લખાવે છે.’

અન્ય સમાચારો પણ છે...