તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાખ-અંગાર:અનન્યા, મારા બીજા દીકરાની વહુ બનશે!

કિન્નરી શ્રોફ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'ગયા વરસે તો આપણંુ ધાર્યું થયું નહીં, પણ તમે હા ભણો તો આ વરસનું મુરત મારે ચૂકવું નથી.' મોરબી પહોંચેલા રાજેશ્વરીદેવીએ સીધો જ પ્રસ્તાવ મૂક્યો...

એક વરસ! તારીખિયાંના ડટ્ટામાંથી ગઇકાલનું પાનું ફાડતાં રાજેશ્વરીદેવી સ્થિર થઇ ગયાં. આજે આનંદના ટ્રેન અકસ્માતને બરાબર વરસ થવાનું! ના, આનંદનો મૃત્યુયોગ તો પોતે જ લખ્યો હતો. એને બહુ ભાવતા કેસર પેંડામાં જીવલેણ ઝેર ભેળવી મારા પંડના દીકરાના સુખમાર્ગમાંથી એનો કાંટો કાઢવો હતો મારે.બેશક, આનંદનું મૃત્યુ ઝેરથી થયું હોવાનું ગુપ્ત રહેવાનું નહોતંુ, પણ એક તો મારા પર કોઇને વહેમ આવે નહીં, બીજું, સફરમાં કોની પાસે આનંદે શું ખાધું એ કઇ રીતે પુરવાર થવાનંુ! આર્મી ઓફિસરને મારવાની સાજીશનો તર્ક મૂકાય તો તપાસ ક્યાંય ફંટાય જવાની! આમ જુઓ તો પોતે બહુ સેફ બાજી રમ્યાં હતાં. જોકોે પછી મારો આત્મા પોકારી ઉઠયો. આનંદનો સંપર્ક સાધવા પોતે રઘવાયા બન્યાં, અનન્યાને ઉઠાડી અને છેવટે ખબર આવ્યા કે ટ્રેન પુલ પરથી નદીમાં ખાબકી! આનંદની લાશ ભલે ન મળી, એના મૃત્યુુમાં શક નહોતો. એની વિદાયનું દુખ રહેવાનંુ જ, પણ એમાં પોતે નિમિત્ત નથી બન્યા એટલી રાહત શ્વસવા જેવી લાગતી: 'મા, આનંદભાઇની ટ્રેન હોનારતમાં તારો હાથ તો નથીને?' સૂતક ઉતર્યા પછી કોલેજ જતા પહેલા સોહમે પૂછી લીધેલંુ. આનંદની આ રીતની વિદાયથી એ સ્તબ્ધ હતો, પણ એમાં ભાઇને ગુમાવવાનુ દર્દ હતંુ કે નહીં એ નહોતંુ પરખાયું. 'સોહમ? આ કેવળ એક અકસ્માત હતો...તું મારા માટે આવું ધારી પણ કેમ શકે!' 'કેમકે તેં જ કહેલંુ મા કે આનંદ હવે કદી પાછો નહીં ફરે...તેં કંઇ કર્યુ ન હોય તો તું આટલી ખાતરીથી કહી કેમ શકે, મા?' બીજા શબ્દોમાં સોહમ જાણવા માંગતો હતો કે હું અનન્યાને પામી શકંુ એ માટે માએ શું કર્યુ? મેં આનંદને ઝેર આપ્યું હતું એવું કહેવાની હવે જરુર નથી, સોહમ કદાચ માનશે પણ નહીં. એમ કંઇક તો ખુલાસો કરવો રહ્યો...'હું ગિરનારની તળેટીમાં રહેતા તાંત્રિક ગોરખનાથને મળી હતી, આનંદ-અનન્યાના સંબંધ વિચ્છેદ માટે એમણે આપેલું મંત્રેલું પાણી અહીંથી નીકળતી વેળા આનંદની બોટલમાં ભરી દીધું હતું અને એટલે મને ખાતરી હતી કે એ દિલ્હીથી પાછો નહી ફરે! જોકે આનંદના પ્રાણ જશે એવું મેં ધાર્યુ નહોતું' પત્યું! 'કહેવંુ પડે, જબરી રમત રમી ગયા તમે.' ડોક્ટર ચૌધરીના શબ્દો પડઘાતા રાજેશ્વરીદેવી અત્યારે પણ સમસમી ગયાં. એક સાંજે પોતે મોરબીથી પરત થયાં ત્યારે મથુરાથી આવેલા મહેમાન ઘરે હાજર હતા. મેં માન્યું કે એમની પાસે આનંદના ખુશખબર હશે, પણ ચિરૂટ ફૂંકતા ખંધા આદમીએ ભળતુ જ કહ્યુ: હું જાણુ છુ કે તમે જાણો છો કે આનંદના ભાણામાં ઝેર હતંુ! સાંભળીને પોતે કેવા હેબતાઇ ગયા હતા! રાજેશ્વરીદેવી એ સાંભર્યુ: 'બેસો દેવી.' સોફા પર બેઠક લેતા ડોક્ટરે હળવેથી ઉમેર્યુ હતુ કે ' આપણી વાતો લાંબી ચાલશે.' રાજેશ્વરી જોકે ઉભા જ રહ્યાં. 'હું માંડીને કહું.' ડોક્ટરે ચિરૂટનો કશ લઇ નજર મેળવી, 'તમે જાણો છો કે આનંદની ટ્રેન અમદાવાદથી વાયા વડોદરા થઇ દિલ્હી પહોંચવાની હતી. વડોદરાથી હું ચડયો ત્યારે આનંદ અમારા કૂપેમાં એકલો હતો. એણે ભોજન લઇ લીધેલુ અને ઝેરની અસર વર્તાવા માંડેલી.' રાજેશ્વરીદેવીએ કંપન અનુભવ્યું. 'ટ્રેન ગુજરાતની હદ વટાવે ત્યાં સુધીમાં એને ગભરામણ થવા માંડી, પરસેવો ફૂટી નીકળ્યો, શરીર ઠંડુ પડવા લાગ્યંુ, હોઠ કાળા પડતા જોઇ હું ચોંક્યો: આણે તો ઝેર પીધું લાગે છે!' રાજેશ્વરીદેવી સમક્ષ ચિત્ર ઉપસતું ગયું: સડસડાટ દોડતી ટ્રેનનું કમ્પાર્ટમેન્ટ, રાતનો સમય, ઝેરને કારણે અમળાતો આનંદ, એને નિહાળતો આ આધેડ વયનો ડોક્ટર... 'હું ડોક્ટર ન હોત તો આનંદે કદાચ ટ્રેનમાં જ દમ તોડી દીધો હોત. મને મારી તપાસ પેટી સાથે રાખવાની ટેવ છે અને એ આવી કોઇક ઇમરજન્સીને ટેકલ કરવા જેટલી ઇક્વિપ્ડ પણ હોય છે. બસ, સમયસર મળેલી મેડિકલ હેલ્પનું પરિણામ એ આવ્યુ કે આનંદના માથેથી મૃત્યુુનો ખતરો ટળ્યો.' હા...શ! 'આનંદ દવાના ઘેનમાં હતો, અશક્ત હતો...છતાં અમારી વચ્ચે જે થોડી વાતચીત થઇ એમાં એણે એમ પણ કહ્યુ કે માએ આપેલ ટિફિન સિવાય મેં કંઇ ખાધુ નથી.' રાજેશ્વરીદેવીએ હોઠ કરડયો. 'ત્યારે મારાથી બોલાઇ ગયુ કે તો તો એ તમારા સગા મા નહીં હોય! સાંભળીને આનંદના નેત્રો પહોળા થયેલા: તમે કેમ જાણ્યુ? ત્યારે મારે કહેવુ પડ્યુ કે તમારા ખોરાકમાં ઝેર ભેળવવા જેવંુ કામ સાવકી મા જ કરે!' દુષ્ટ. તારે આવું કહેવાની જરુર શું હતી? રાજેશ્વરીદેવી ધૂંધવાતી નજરે ડોક્ટરને તાકી રહ્યા. 'નહીં, નહીં, મારી મા આવું શું કામ કરે!' બબડતા આનંદ નિંદ્રાધીન થઇ ગયો. ખેર, મારે મથુરા ઉતરવાનું હતંુ, સ્ટેશન નજીક આવતા મેં એને ઉઠાડયો: મારી સાથે ઉતરી જા, યુ બેડલી નીડ ફર્ધર ટ્રીટમેન્ટ..પણ એ ન માન્યો: દિલ્હીમાં કર્નલ સર વ્યવસ્થા કરી આપશે. એના ફોનમાં સિગ્નલની સમસ્યા હતી. એણે મારા ફોન પરથી પણ તમને કે અનન્યાને ફોન ન કર્યો કે નાહક તેઓ ચિંતા કરશે!' આ માણસ સાચું જ બોલે છે. રાજેશ્વરીને એટલું તો પરખાયું. 'ખેર, મથુરા આવતા અમે છુટા પડયા અને થોડી જ વારમાં ટ્રેન અકસ્માતના ખબર મળ્યા. આનંદનું નામ લાપતાની યાદીમાં ભલે હતંુ, એના જીવતા હોવાની સંભાવના નહિવત્્ હતી. મને સમજાયું નહીં કે કુદરત જેને મારવા જ માંગતી હતી એને ઝેરથી બચાવ્યો શું કામ!' ડોક્ટરે ખભા ઉલાળ્યા, 'કુદરતના ખેલ કુદરત જાણે, રહી રહીને મને એટલુ સમજાયુ દેવી કે સાવકા દીકરાને ઝેર દેવાના તમારાં કાવતરાનો એકમાત્ર ગવાહ હું છું.' ડોક્ટરની કીકીમાં ખંધાઇ તરવરી. એનું ગામ ગજવણંુ ન કરવું હોય તો સાવકા દીકરાના નામે દાન ધરમ કરી દો. શું છે કે મારે પોતાનુ નર્સિંગહોમ ખોલવું છે. એના હપ્તા તમે જ આપો તો સારું.' સાફ બ્લેકમેલિંગ! રાજેશ્વરીદેવીએ ભીંસ અનુભવી. 'એમ ન માનતાકે આનંદ હયાત નથી એટલે મારી પાસે કોઇ પુરાવો નથી. શું છે કે અમારા કૂપેમાં ત્રીજું કોઇ ભલે ન આવ્યંુ હોય, અમારા કોચનો ટિકિટચેકર આનંદની નાદુરસ્ત તબિયત વિશે જાણતો હતો. આનંદના શરીરમાં ઝેર હોવાનું જાણી બે વાર મને હેલ્પ માટે પૂછી ગયેલો ટિકિટચેકર જોકે અકસ્માતમાંથી આબાદ ઉગરી ગયાની ખાતરી કરીને હું અહીં આવ્યો છું.' આ તો રાઝના રાઝદાર વધતા જ જાય છે! નિઃસ્વાર્થભાવે આનંદને ઉગારનારો હવે નિજસ્વાર્થે બ્લેકમેલર બની બેઠો છે અને કોઇપણ એંગલથી જુઓ તો એને ચૂપ રાખવામાં જ સમજદારી છે. 'મા, આ ડોક્ટર ચૌધરી કોણ છે?' હજુ ગયા મહિને અનન્યાએ સવાલ કર્યો હતો. આનંદના શોકસમાચારે પૂતળાં જેવી થયેલી અનન્યાને ઢંઢોળવા પોતે ત્યારે ઘણીવાર મોરબીનો આંટોફેરો કરી લેતા. મોટાભાગે સૂનમૂન રહેતી અનન્યા ક્યારેક પત્થર પીગળી જાય એવું રડતી. 'મને સમજાતું નથી મા, આનંદ ન હોય તો મારા શ્વાસોની ડોર કેમ તૂટતી નથી? મારા પ્રેમમાં એટલી કચાશ કેમ રહી?' પૂછી એ જ ડોક ધુણાવતી, 'એ બને નહીં મા, હું જીવંુ છંુ એનો મતલબ જ એ કે આનંદ પણ ક્યાંક શ્વસે છે!' એનું ઘેલાપણું જોઇ બી જવાય, પણ પોતે એને જ હથિયાર બનાવ્યું, 'તું ખરેખર આવું માનતી હોય અનન્યા, તો આ શોક શું કામ! આનંદ જીવે છે એની ખાતરી તને હોય તો તારે તો ખુશ, નોર્મલ રહેવાનું હોય. આનંદ ક્યારેક પાછો ફરે તો એને તારી આ દશા જોઇ કેવું લાગે?' બસ, આ તર્ક કામ કરી ગયો ને અનન્યા જાણે ફરીથી જીવંત થઇ. સ્કૂલ જોઇન કરીને વીકએન્ડમાં અહીં આવતી થઇ: આનંદને એવંુ ન લાગવું જોઇએ કે એમની ગેરહાજરીમા મેં તમારો ખ્યાલ ન રાખ્યો! અનન્યા કહેતી ને હળવો નિઃશ્વાસ રાજેશ્વરીદેવીનાં ગળે અટકી જતો. 'જે થયંુ, જે ન થયંુ, એ બધું ભૂલી જા. આગળ વધવાનું નામ જ જીવન.' અનન્યા મલકતીને લાગતંુ જાણે હવેલી ખુશીઓથી છલકાઇ ગઇ! હવે તો સોહમ પણ ડિગ્રી લઇ કાયમ માટે આવી ગયો છે, જાગીરના કામોમાં ઘડાતો પણ જાય છે. એની સાથે અનન્યા ક્યારેક હિસાબ જોવા બેસે એમાં જ એનાં ધ્યાનમાં આવ્યું હતું અને સવાલ કર્યો હતો કે મા, મથુરાના કોઇ ડોક્ટર ચૌધરીને ત્રણેક વાર ખાસ્સી મોટી રકમ ગઇ છે. મથુરાના ડોક્ટર સાથે આપણો શું સંબંધ!' અનન્યાની પૃચ્છામાં કેવળ અચરજ હતું. સોહમના ધ્યાનમાં ન આવ્યુ એ અનન્યાએ પકડી પાડ્યંુ! રાજેશ્વરીદેવીને આનંદ થયો. સહેજે થડકા વિના એમણે કહી દીધું કે ડોક્ટર ચૌધરી ત્યાં ચેરિટીના કામો કરે છે, હું ઘણી જગ્યાએ ઘણું બધંુ મોકલતી હોઉં છંુ, અનન્યા. એનો હિસાબ રાખવામાં માનતી નથી! સાંભળીને અનન્યા પ્રભાવિત થઇ હતી. 'મા, હવે તો કંઇ કર. અનન્યાના સહેવાસમાં મારી ધીરજ ખૂટતી જાય છે' સોહમે ગઇકાલે જ કહ્યું અને વાત તો સાચી. અનન્યાને ગમે કે ન ગમે, મારે એમનાં સંબંધની ધરી તો હવે બાંધી દેવી જોઇએ...રાજેશ્વરીદેવીએ ગાંઠ બાંધી. Â Â Â 'બે દિવસ પછી ચોવીસ જાન્યુઆરી છે. ગયા વરસે તો આપણંુ ધાર્યું થયું નહીં, પણ તમે હા ભણો તો આ વરસનું મુરત મારે ચૂકવું નથી.' બીજે દિવસે મોરબી પહોંચેલા રાજેશ્વરીદેવીએ સીધો જ પ્રસ્તાવ મૂક્યો કે અનન્યાને વહુ તરીકે પોંખવા હું અધીરી થઇ છું.' અનન્યાનાં મા-બાપ ગૂંચવાયાં: વેવાણ કહેવા શું માંગે છે?'એ જ કે આનંદ ભલે ન રહ્યો, મારો બીજો દીકરો સોહમ તો ખરોને. એના માટે અનન્યાનું કહેણ લઇને આવી છું' સાંભળતા જ રસોડામાંથી ચા લઇને આવતી અનન્યાના હાથમાંથી ટ્રે વચકી પડી અને કાચ તૂટવાના ખણણ અવાજે રાજેશ્વરીદેવી બોલી ઉઠ્યાં: લો, આ તો સારા શુકન થયા! (ક્રમશ:)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો