તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુનવલ:આનંદના કમોતમાં પણ ફાયદો થયો!

કિન્નરી શ્રોફ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રકરણ -5 નન્યાનું ભીતર ધમધમે છે. ફોન કરનારી બાઇ મા માટે કેવુ બોલી ગઇ! મા તો અમને જુદા કરવાની સાજીશ ન જ કરે પણ મા વિશે મારી કાનભંભેરણી કરી કોઇ અમારા-મા વચ્ચે ચોક્ક્સ અંતરાય ઉભો કરવા માંગે છે! અનન્યા ટટ્ટાર થઇ. યસ, નનામા કોલરનો આ જ આશય હોય...સંસારમાં આવા વિઘ્નસંતોષીઓ ઓછા નથી! પણ હું એને ફાવવા નહીં દઉં. મારે આ વિશે આનંદને કહેવું જ જોઇએ. અનન્યાએ ફોન જોડ્યો, પણ સંપર્ક થયો નહીં. આનંદ પણ ટ્રાય કરતા હશે, પણ કનેક્ટિવિટીના ઇશ્યૂઝ ટ્રાવેલિંગમાં રહેવાના જ! રાતના સાડા અગિયારે હવે આ બાબતનો મેસેજ નથી કરતી, સવારે વાત! Â Â Â ‘મા, મા... મારો શ્વાસ રુંધાય છે!’ ડૂબતો માણસ છેલ્લા હવાતિયા મારે એવો તરફડાટ આનંદના સ્વરમાં છે, ‘આ તમે શું કર્યુ મા? મેં તમને હંમેશા માનંુ સન્માન આપ્યું ને તમે વેરી થઇ મને ઝે...ર આપ્યંુ? હું મરી રહ્યો છું મા.’ આનંદના છેલ્લા ચિત્કારે રાજેશ્વરીદેવીની આંખો આંચકાભેર ખુલી ગઇ: સપનું! છાતીની હાંફ જરા ઓછી થઇ, કપાળે બાઝેલ પ્રસ્વેદ લૂછતા નજર દિવાલે લટકતી ઘડિયાળ પર ગઇ: રાતના ચાર! રાજેશ્વરીદેવીને શ્રમ વર્તાયો: ઝેરની અસર અત્યારે જ પરાકાષ્ઠાએ હોવાની! આનંદને મારા કાવત્રાનો અણસાર આવી ગયો હશે? તો જ મારા નામનો નિસાસો નાખ્યોને! અરેરે. ‘હવે શાનો વસવસો કરે છે!’ ઓ મા. રાજેશ્વરીદેવી ભડકી ગયાં: પોતાનાં તદ્દન પડખે પતિદેવ બેઠા હતા! એમની આંખોમાં આંસુ? સાથે આનંદની જન્મદાત્રી પણ છે! હંમેશા મારા પરત્વે વત્સલ રહેનારી એ નારીની આંખોમાં આજે કેમ અંગાર દહેકી રહ્યો છે? ‘મને તો તારા પર ગર્વ હતો, રાજેશ્વરી...’ સુવર્ણા કહેતા સંભળાયાં, ‘મારા દીકરાના ઉછેરમાં તારી સાવધાની છૂપી નહોતી મારાથી. આજે એ અભિમાન ઉતરડાઇ ગયુ. અરે, મારો આનંદ તો રામ જેવો, તેં માગ્યું હોત તો રાજીખુશીથી પોતાનો શ્વાસ શું, અનન્યા પણ તને દઇ દેત પણ તું કૌશલ્યા તો ન્હોતી જ, તને તો કૈકયી બનતાં પણ ન આવડ્યું! તું શું માને છે, મારા દીકરાને મારીને તું તારા દીકરાને સુખી કરી શકીશ? મારી કકળતી આંતરડીનો શ્રાપ છે.’ ‘નહીં!’ રાજેશ્વરી કાને હાથ દઇ આંખો બંધ કરી ચીખી ઉઠયા. ખળભળી ઉઠેલા સૂનકારમાં ફરી નીરવતા છવાઇ, હળવેથી બીતાંબીતાં એમણે આંખ ખોલી. પણ આ શું! રૂમમાં કોઇ નથી. જાગીરદારજી અને સુવર્ણા સામી ફ્રેમમાં પહેલાંની જેમ જ મલકી રહ્યા છે. શ્વાસ હેઠે બેઠો, પણ મન માન્યું નહીં. જાગીરદારજી અને સુવર્ણાનું સપનામાં આવવું ભલે મારી ભ્રમણા હતી, પણ એમનો જીવ મેં દુભવ્યો એ તો હકીકતને! મેં આ શું કર્યુ? આનંદ-સોહમને મેં એક આંખે જોયા હતા, પછી કેમ પારકા-પોતાનાનો ભેદ કરી બેઠી? મારું જ બંધારણ હલકું, પછી મારા દૂધે ઉછરેલા સોહમને શું દોષ દેવો! મા કોઇનું ખૂન કરે છે, દીકરો ભાભી પર નજર બગાડે છે... ક્યાં છે આમાં નિતિ, સંસ્કાર,ધર્મ, ન્યાય? એમણે અરીસામાં નજર ફેંકી: તું તો આવી નહોતી, રાજેશ્વરી, પછી આ શું કર્યુ તેં? મરવાની ધમકી આપતા દીકરાને સમજાવાને બદલે તેં તારાં મૂલ્યો ગિરવે મૂક્યાં? માતૃત્વમાં તો હિમાલયનું ઉત્થાન હોય, રાજેશ્વરી. મા થઇ તું કેમ પતનની ખીણમાં ખાબકી? એટલંુ ય ન સમજી કે આનંદ વિના અનન્યા જીવતી લાશ જેવી થઇ જશે. સંસારનુ કોઇ સુખ એને સુખી નહી કરી શકે, પછી એવી અનન્યામાં કદાચ સોહમને જ રસ નહીં રહે! હવે બોલ, આનંદને હટાવી તું શું પામવાની? જવાબમાં પ્રતિબિંબના હોઠ વંકાયા: પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક બધી નિર્બળ મનની ક્લ્પના છે, દીકરાને સુખ દેવા તેં કોઇનો જીવ લીધો એ તો માતૃત્વની મહાનતા કહેવાય. ‘બસ!’ આસપાસ જોઇ રાજેશ્વરીદેવીએ બાજુમાં પડેલ જગ અરીસા પર ફેંક્યો, કાચ તૂટ્યો, પ્રતિબિંબ ચૂરચૂર થઇ ગયંુ: બહુ ભરમાવી તેં મને, પણ હવે નહીં! સાડીના છેડાથી મોં લૂછી એમણે ફોન લીધો, આનંદનો નંબર જોડ્યો: એને કહી દઉં કે પેંડા ખાધા હોય તો તાત્કાલિક નજીકની રેલ્વે હોસ્પિટલમાં એડમિટ થઇ જા! પણ આ શું? એનો નંબર કેમ નથી લાગતો? હવે? Â Â Â ફોનની રિંગે અનન્યાને ઝબકાવી: માનો ફોન, આટલી રાતે! ‘અનન્યા, આનંદનો ફોન નથી લાગતો. તું કોઇપણ રીતે એનો સંપર્ક સાધ, મને એની સાથે વાત કરાવ!’ ‘હા,મા, પણ એકદમ શું થયું? તમારી તબિયત તો બરાબર છે ને?’ ‘મારી તબિયતને કંઇ થયું નથી, અનન્યા. જોખમ આનંદ પર છે.’ રાજેશ્વરી અકળાયાં, ‘પૂછ્પૂછ કરવાને બદલે તું મારો કોન્ટેક્ટ કરાવને મારી બાઇ!’ આનંદ પર જોખમ. માનો ધ્રાસ્કો. અનન્યાની ઉંઘ ઉડી ગઇ. Â Â Â કલાક સુધી અનન્યા મથતી રહી, પણ નાકામ રહી. ‘મા, થોડીવારમાં ટ્રેન મથુરા પહોંચશે, ત્યાંના સ્ટેશને એનાઉન્સમેન્ટ કરાવી દઉં?’ અનન્યાએ નંબર ખોળી ટ્રાય કરી પણ ત્યાં કોઇ ફોન ઉંચકે તો ને! ‘રે રામ. આ બધો મારો જ વાંક છે અનન્યા! રામ કરે આનંદ ઠીકઠાક હોય!’ પણ કશું ઠીકઠાક ન્હોતું. ‘મા, હવે તો ટ્રેનનું લાઇવ સ્ટેટસ પણ અપડેટ નથી થતંુ.’ અનન્યાની ધીરજ પણ જવાબ દેવા લાગી, મન અજાણ્યા ભયથી ફફડતંુ હતું. અને એક ક્ષણે બ્રેકિંગ ન્યુઝ ઝબક્યા: ‘અમદાવાદથી દિલ્હી જતી રાજધાની ટ્રેનનો ગમખ્વાર અકસ્માત! મથુરાથી નીકળેલી ટ્રેન પાટા પરથી ખરી પડી નદીમાં ખાબકી!’ Â Â Â અરેરાટીભર્યા સમાચારને આજે તો મહિનો થઇ ગયો છે. નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેને પડતુ મૂકતા ક્રુ સહિત બારસો જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હોવાનો હેવાલ છે, જેમાંના કેટલાકની તો લાશ પણ નથી મળી! ‘ઉપરવાસમાંથી છોડાયેલ પાણીની આવકને કારણે યમુના બે કાંઠે વહેતી હતી. એમાં એસી કોચના બંધ ડબ્બા અને પુલ પરથી ખાબકવાના કારણે ઇજાની સંભાવના હોય એટલે ડબ્બામાંથી નીકળી શકનારા પૂરજોશ વહેતી યમુનામાં કેટલંુ તરી શકવાના! એટલે જેમની લાશ નથી મળી એમના જીવિત હોવાની સંભાવના શૂન્યવત છે!’ એક્સપર્ટસ ખાત્રીપૂર્વક કહે છે, પણ જેના સ્વજન લાપતા બન્યા હોય એમના જીવ કેમ માને? જેમકે અનન્યા! ટ્રેન અકસ્માતના ખબરે બેહોશ બની ગયેલી અનન્યાએ ભાનમાં આવતા જ અકસ્માત સ્થળે જવાની જીદ પકડેલી. એની હાલત બહુ ખરાબ થઇ ગઇ હતી અને એની હાલત રાજેશ્વરીદેવીથી જોવાઇ નહોતી. ‘હું તને લઇ જઇશ...’ રાજેશ્વરીદેવીએ એને છાતીસરસી ચાંપતાં કહેલંુ. ‘મા!’ અનન્યા રડી પડેલી, ‘તમારી આશંકા સાચી પડી! દીકરા પરના જોખમનો અંદાજો તમને પહેલા આવ્યો!’ જવાબમાં રાજેશ્વરીદેવી શું બોલે! પોતે આનંદને ઝેર દઇ ખોટંુ કર્યાનાં ગમમાં વલોવાઇ રહ્યા હતા, પણ કુદરત પણ એનો જ યોગ ઘડી બેઠી હતી એ માલૂમ હોત તો? આનંદ જીવંત હોય એવી જ પ્રાર્થના હું કરીશ, પણ એવું ન હોય તો એની વિદાયમાં પોતે નિમિત્ત બન્યાનો વલોપાત હવે ચોક્ક્સ નહી જાગે. અંતરેથી બોજ ઉતર્યો એમ આનંદની ભાળ માટે રઘવાયા પણ બન્યાં. સોહમ પણ અણધાર્યા વળાંકે સ્તબ્ધ હતો, એને લઇ પહેલા મોરબી પહોંચ્યા: વેવાઇ, લગ્નનો પ્રસંગ હમણા માંડવાળ રાખીએ, પહેલા અનન્યાને સંભાળીએ. અને મથુરા જઇ ત્યાંથી નાકામ પાછા ફરવા સુધી રાજેશ્વરીદેવી ચટ્ટાનની જેમ અનન્યાના પડખે રહ્યાં. ‘મા, મારા આનંદ પાછા આવશેને!’ અનન્યા ઘેલી બની જતી, ‘એ કહીને ગયા હતા હું જલ્દી આવીશ! આનંદ પોતાનુ પ્રોમિસ નહીં તોડેને,મા?’ એની હાલતે શ્વેતાબહેન રડી પડતાં. રાજેશ્વરીદેવી કમકમી જતાં: ટ્રેનને અકસ્માત ન નડ્યો હોત તો અનન્યાની આ દશા મારા પાપે હોત! અરેરે. બાકી આનંદની લાશ ભલે નથી મળી, પણ એથી એના મૃત હોવામાં અનન્યા સિવાય કોઇને શક નથી. અરે, દિલ્હીથી આવી ચડેલા કર્નલ સાહેબે પોતાની વગ વાપરી તપાસ કરાવી છતાં પરિણામ શૂન્ય! એમણે પણ કહી દીધુ કે અમે અમારા હોનહાર ઓફિસરને ગુમાવી બેઠા. બસ એક આ અનન્યાનું હૈયું નથી માનતું... હૈયંુ તો એમનું પણ કકળતંુ. આનંદને હું ક્યારેય છાતીસરસો ચાંપી ન શકી. એની લાશ પણ મળી હોત તો એને વળગી હૈયાફાટ રડી લીધું હોત! કદાચ અમારા સંબંધમાં ઉષ્માનું પૂરેપૂરું ઉઘડવંુ લખાયું જ નહીં હોય! અનન્યાની લાગણીને ધ્યાનમાં રાખી આનંદના ક્રિયાપાણી તો ન કર્યા, પણ સોળ દિવસે સૂતક ઉતર્યાનું માની રોજિંદી ઘટમાળમાં પરોવાનંુ હોય એમ સોહમને કોલેજ રવાના કર્યો, પછી તો ઉલટું ઘર ખાવા ધાતુ. આનંદ અહીં પ્રમાણમાં ઓછું રહ્યો તો પણ એના ગમમાં દીવાલો રડતી લાગતી, અરે, નોકરવર્ગ પણ ચૂપચાપ ડૂસકાં ભરતો. દૂર રહીને પણ આનંદે એમને કેવા પોતાના બનાવીને રાખ્યા હશે એ હવે સમજાય છે! આવા માહોલથી દૂર રહેવા પણ મોરબીનો આંટોફેરો કરી લેતાં, જીવનમાં આગળ વધવા જાતને પણ સમજાવતાં. આ સનાતન સત્ય અનન્યાને પણ સમજાશે. સમય દરેક ઘા રુઝવી દેશે. અત્યારે, મોરબીથી પરત થતા રાજેશ્વરીદેવી આશા પંપાળે છે: આનંદના અકાળ અવસાનનું દુખ તો જીવનભર રહેવાનંુ, પણ એને ભીતર ધરબી આગળ તો વધવું રહ્યંુ! અનન્યાને પણ આ વહેલું મોડું સમજાવાનંુ, બસ, ત્યારે મારો સોહમ વરમાળા લઇ ઉભો હોય તો અનન્યાને વહુ તરીકે આવકારતા વાર નહી લાગે! આનંદના કમોતમાં પણ ફાયદો છે. Â Â Â ‘બા, આપને કોઇ મળવા આવ્યુ છે.’ મોરબીથી પરત થયેલા રાજેશ્વરીદેવી હજુ તો પોર્ચમાં ઉતરે છે કે દાસીએ અદબભેર ખબર આપ્યા, ‘કોઇ ડોક્ટર ચૌધરી છે. મથુરાથી આવ્યા છે.’ ડોક્ટર... મથુરા... રાજેશ્વરી દોડી ગયા, ‘ડોક્ટર, તમે મારા આનંદના જ ખબર લાવ્યા છોને! ક્યાં છે એ?’ એમના સાદે આનંદની છબી તરફ મોં કરી ઉભેલો આધેડ વયનો પુરુષ ઉલ્ટો ફર્યો. ચિરુટનો ધુમાડો ફેંકી ખંધુ મલક્યો, ‘આનંદ જાગીરદારના સાવકી માતાને મારા પ્રણામ!’ પછી આજુબાજુનુ એકાંત ચકાસી થોડા નજીક જઇ હળવેથી ઉમેર્યુ, ‘મારી આગળ દીકરાના ખુશખબર જાણવાના અંચળાની જરુર નથી. હું જાણું છું કે તમે જાણો છો કે આનંદના ખોરાકમાં ઝેર ભેળવેલું હતું!’ રાજેશ્વરીદેવીએ ધક્કો અનુભવ્યો. (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો