આત્મનિર્ભરતા:વધારાની આવક મેળવવાના સરળ ઉપાય

અંબિકા પાંડે5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ત્રીની આત્મનિર્ભરતાનું સૌથી મોટું કારણ છે એની આવક. જો આવક ઓછી હોય તો તમારી પાસે સાવ કંઇ ન હોય એના કરતાં તો તે વધારે સારો વિકલ્પ છે જ. એકવાર શરૂઆત કર્યા પછી આવક વધારવાના રસ્તા તો મળી જ આવે છે. તમે વર્કિંગ મહિલા હો કે પછી ગૃહિણી...આવક મેળવવાના કે વધારવાના એવા વિકલ્પ શોધી શકો છો જે સહેલા હોય અને રસપ્રદ પણ હોય. ઘરમાં રહીને કમાણી ફ્રીલાન્સિંગ જોબ આવકનો એક સારો વિકલ્પ છે. મહિલાઓ ઘરે રહીને પોતાની સુવિધા પ્રમાણે અનેક પ્રકારનાં કામ કરી શકેક છે. કોઇ વેબસાઇટ માટે બ્લોગ કે રેસિપી લખી શકે છે અથવા તો પ્રકાશન માટે એડિટિંગ અને પ્રૂફરીડિંગ કરી શકે છે. આ સિવાય કળા કે પછી ક્રાફ્ટનું કૌશલ્ય આવડતું હોય તો પણ અનેક વિકલ્પ મળે છે. એજ્યુકેશનલ વેબસાઇટ્સ દ્વારા ઓનલાઇન પણ ભણાવી શકે છે. આ સિવાય પણ બીજા અનેક ફ્રીલાન્સિંગ કામ છે જેની પસંદગી રસ અને રુચિ પ્રમાણે કરી શકાય છે. હાથબનાવટની વસ્તુ ઇ-કોમર્સની મદદથી તમે જાતે બનાવેલી વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો તમે અથાણું બનાવો છો અને એને વેચવા ઇચ્છો છો તો એના માટે દુકાન ખોલવાની જરૂર નથી. આ માટે માત્ર ઇન્ટરનેટ કનેક્શન અને પેમેન્ટ મર્ચન્ટની જ જરૂર છે. એવી અનેક ઇ-કોમર્સ વેબસાઇટ છે જેની મદદથી તમે તમારો સામાન વેચી શકો છો. આ એપ કે વેબસાઇટ પર લોગ ઇન કરીને સામાનની જાણકારી અને તસવીર અપલોડ કરી શકો છો. આ સામાન ગ્રાહક સુધી પહોંચાડવાની જવાબદારી કંપનીની રહેશે. તેનાં વેચાણ પછી કંપની નિયમ પ્રમાણે કમિશનનો હિસ્સો કાપીને બાકીની રકમ તમારા એકાઉન્ટમાં મોકલી દેશે. ડે-કેર સેન્ટર તમે એક નાનકડા રૂમ કે ઘરમાં ડે-કેર સેન્ટરની શરૂઆત કરી શકો છો. વ્યસ્ત માતા-પિતા પોતાનાં બાળકોને દિવસમાં થોડા કલાકો માટે ડે-કેર સેન્ટરમાં રાખતા હોય છે અને તમારે આ બાળકોની સંભાળ રાખવાની હોય છે. તમે બાળકોને રસ પડે એ માટે કેટલીક રમતોનું આયોજન પણ કરી શકો છો. આ સિવાય પાળતું પ્રાણીઓ માટે ‘પેટ સીટિંગ સર્વિસ’ શરૂ કરી શકો છો. આ સર્વિસમાં તમે દેખભાળ અથવા તેમને રાખવા જેવી સુવિધા આપી શકો છે અને કલાક પ્રમાણે ફી નક્કી કરી શકો છો. આ કમાણી કરવાનો સારો વિકલ્પ છે. ઓનલાઇન ગાઇડ તમે તમારી રૂચિ પ્રમાણે ઓનલાઇન ગાઇડ બની શકો છો. જો તમે ખાવાનાં શોખીન હો તો તમે તમારા બ્લોગમાં આસપાસની રેસ્ટોરાં વિશે માહિતી આપી શકો છો. ટ્રાવેલ ગાઇડ બનીને પર્યટન સ્થળો વિશે જણાવી શકો છો અને વિડીયો દ્વારા ગાઇડ પણ કરી શકો છો. આ વિડીયોને રીડર ક્લિક કરે ત્યારે અથવા તો વિડીયોને વ્યૂ અને લાઇક મળે ત્યારે પણ કમાણી થાય છે. એફિલિએટ માર્કેટિંગ આમાં તમારી વેબસાઇટ કે બ્લોગ દ્વારા કોઈ બીજી ઇ-કોમર્સ વેબસાઇટના ઉત્પાદનની લિંકને રિફર કરવાની હોય છે. આ લિંકથી કમિશન મળે છે. તમારે જે ઇ-કોમર્સ વેબસાઇટના ઉત્પાદનને એફિલિએટ કરવું હોય એના પર સાઇન-અપ કરો. તમારું નામ, ઇમેલ આઇ-ડી અને બેંક ખાતા સાથે જોડાયેલી વિગતો નાખો. આ પછી ડેશબોર્ડ ખૂલશે, જેમાં અનેક ઉત્પાદન જોવા મળશે. આમાંથી તમારે કોઇ એક ઉત્પાદનની પસંદગી કરવાની છે. સામાનની પસંદગી કર્યા પછી એની લિંક કોપી કરીને તમારાં બ્લોગ કે વેબસાઇટ પર શેર કરવાની છે. તમે આને સોશિયલ મીડિયા સાથે પણ જોડી શકો છો. આ રીતે તમે થોડી સક્રિયતા દાખવીને તમારા ફાજલ સમયમાં કમાણી કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...