કવર સ્ટોરી:અફસોસ! હું ૪૦૧મી છું!

એષા દાદાવાળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેમની કિસ્મત સારી હશે એ બધાનો સમાવેશ ચારસોમાં થશે, હકીકત એ છે કે આ વર્ષે બાકીનાં બધા મારી જેમ ચારસો એકમાં થઇને ગરબા ગ્રાઉન્ડની બહાર ખુલ્લી હથેળીઓ પર તાળીની પ્રતીક્ષાઓ સાથે ઊભા હશે

અફસોસ..! હું ચારસો એકમી છું અને એટલે નવરાત્રિમાં ગરબા રમવા નહીં જઇ શકું. ગમે એટલા લોકો ભેગા થયા હોય તો પણ હું ચોટીલા પર જઇને માતાનાં દર્શન કરી શકું છું. આખેઆખો પાવાગઢ પણ ચડી શકું છું. અંબાજીનાં મંદિરની લાંબી લાઇનમાં પણ ઊભી રહી શકું છું. લગ્ન સમારંભોમાં ડિશ ઉંચકી શકું છું. પોલિટિકલ રેલીમાં જઇ શકું છું. હવા ખાવાનાં સ્થળો પર જઇને તાજીમાજી હવા ખાઇ શકું છું. ફિલ્મો જોવા જઇ શકું છું. ફ્લાઇટમાં હરી-ફરી શકું છું. ગણપતિ વિસર્જનની યાત્રામાં રસ્તા પર ગરબા પણ રમી શકું છું. પણ હું આ નવરાત્રિમાં ગરબા રમી શકું એમ નથી કારણ કે ગરબા રમવાની પરમિશન માત્ર ચારસો જણને જ મળી છે અને સત્તાવાર રીતે હું ચારસો એકમી છું. અફસોસ! આ મારી એકલીની નહીં, પણ ગરબા રમવા થનગનતી દરેક ગરવી ગુજરાતણોની વ્યથા છે. ગયા વર્ષે હું ગરબા નહોતી રમી શકી. કોઇ જ નહોતું રમી શક્યું. મને અફસોસ નવા નક્કોર ચણિયાચોળી કબાટમાં જ રહી ગયાનો હતો. પાર્ટી પ્લોટવાળાને એના ખાલી રહી ગયેલા પાર્ટી પ્લોટનો અફસોસ હતો. કલાકારોને એમનું ગળું સૂકાઇ રહ્યાનો અફસોસ હતો તો મંડપવાળાને બંધ થઇ ગયેલા ધંધાનો અફસોસ હતો. ફેશન ડિઝાઇનર્સને ટેબલનાં ખાનામાં પડી રહેલા આભલા પરથી ઓછા થઇ રહેલા ઝગમગાટનો અફસોસ હતો. દરેકનો અફસોસ જુદો હતો. આ બધા અફસોસો વચ્ચે માતાજીની ભક્તિ ન કરી શકાયાનો અફસોસ કોઇને નહોતો. આ વર્ષે ગરબા રમવાની પરમિશન મળી ત્યારે આ સૌનો આનંદ પણ જુદો છે પણ દિલ ખોલીને માતાજીની ભક્તિ થઇ શકશે એનો આનંદ કદાચ કોઇને નહીં. ગરબા ગ્રાઉન્ડ પર રમી રહેલા પેલા ચારસો જણ અત્યંત ખુશ હશે. એ લોકો થનગનાટને નિચોવી નાખશે. છોકરાઓ હૂંફાળું હસશે. છોકરીઓ ગુલાબી શરમાશે. મા પાવા તે ગઢથી નીચે ઉતરશે અને શ્યામ વિના એકલું-એકલું પણ લાગશે. સનેડાઓ ગૂંજશે અને ગજવામાં સ્મરણોનાં સનેપાતને મૂકતા જશે... પણ ગરબા ગ્રાઉન્ડની બહાર રહી ગયેલા મારા જેવા ચારસો એક, ચારસો બે, પાંચસો છ, આંઠસો ત્રણ, પંદર હજારને નવમો નંબર જીવ બાળશે. અફસોસ કરશે. ગરબા નહીં રમી શકાયાની વાતે પોતાની જાતને કોસશે. ગ્રાઉન્ડની બહાર રહી ગયેલા આ બધા નવરાત્રિ પહેલાં ઘરમાં જ બેઠા હતા એવું નથી. એ બધા બધે ફર્યા જ હતા. નવરાત્રિ પૂરી થશે પછી પણ બધે ફરશે જ, પણ નવરાત્રિ દરમિયાન એ લોકો ગ્રાઉન્ડ પર નહીં જઇ શકે કારણ કે એ બધા ચારસો પાંચમા, પાંચસો સાતમા કે આઠસો નેવંુમા છે. કારમી કિસ્મતે એમનો સમાવેશ પહેલાં ચારસોમાં થવા દીધો નથી. જો કે મારા મનમાં એક સવાલ છે. ગરબા ગ્રાઉન્ડ પરની વસ્તી ગણતરી થશે કેવી રીતે? ધારો કે ગ્રાઉન્ડ પર ચારસોને બદલે ચારસોને પિસ્તાળીસ જણા હશે તો? કયા પિસ્તાળીસ ગ્રાઉન્ડની બહાર નીકળશે? આમ જોવા જઇએ તો આપણાં સરકારી કારકૂનો ગણિતમાં બહુ કાચા છે. કોરોનાનાં સમય દરમિયાન આંકડાઓની ગણતરીમાં એમણે આખા ગુજરાતને ગોથે ચઢાવ્યું છે. કોરોનાનો મૃત્યુઆંક કે કોરોનાનાં દર્દીઓની સાચી સંખ્યા ગણતા એમને આવડી નથી. આ લોકો ગરબા ગ્રાઉન્ડ પરની સાચી સંખ્યા ગણી શકશે ખરા? મારે પૂછવું છે કે આ સરકાર મારી ગણતરી શેમાં કરશે? કેવી રીતે કરશે? મને ત્રણસો એકમી ઠરાવશે, ચારસો એકમી ઠરાવશે કે નવસો એકમી ઠરાવશે? ગ્રાઉન્ડ પર દાખલ થયેલા સૌને નંબરનાં સ્ટિકર લગાવાશે? એમનાં ચણિયાચોળી કે ધોતી-કુર્તા નંબરવાળા હશે? આમ તો નવરાત્રિમાં બીટ્સ ગણવાની હોય, પગનાં ઠુમકા કે કમરની લચક ગણવાની હોય, વધી ગયેલા ધબકારાને ગણવાનાં હોય! માણસોને ગણવામાં ને ગણવામાં ગરબાનાં બીટ્સ ચૂકાઇ જશે તો? આ બધું જ બરાબર, પણ અત્યારે તો હું ગરબા ગ્રાઉન્ડમાં દાખલ થઇ શકું એમ નથી કારણ કે હું ચારસોને એકમી છું. હું સજી-ધજીને ઘરેથી નીકળી ત્યારે મને ખબર નહોતી કે બીજા ચારસો જણ મારા કરતા આગળ અને વહેલાં નીકળી ગયા છે. આવતીકાલે પણ એ લોકો મારા કરતા વહેલા નીકળી જશે અને હું ચારસો એકમી રહી જઇશ ગરબા ગ્રાઉન્ડની બહાર જ! તમે એમ પણ કહેશો કે તો તમારે વહેલાં પહોંચી જવું જોઇએ પણ જો હું વહેલી પહોંચી જઇશ તો પણ બીજી કોઇ યુવતીનો નંબર તો ચારસો એકમો થવાનો જ ને! આપણાં દેશમાં મોટાપાયે વેક્સિનેશન થઇ ગયું છે ત્યારે રેલીઓની ભીડ, નાટકોની ભીડ, ફિલ્મોની ભીડ, ગરબાની ભીડ, મંદિરોની ભીડ, ગણેશ વિસર્જનની ભીડ, ગરબાની ભીડ...આ બધી જ ભીડ વચ્ચે મામકા: અને પાંડવા: જેવો ફર્ક કેમ કરવામાં આવે છે? ચારસો વ્યક્તિઓ જ ગ્રાઉન્ડ પર ગરબા રમી શકશે તો આ ચારસોની પસંદગી કરવાની કેવી રીતે? વહેલા તે પહેલાનાં ધોરણે એન્ટ્રી મળવાની હોય તો સવારથી ગરબા રમવા માટે લાઇનમાં ઊભા રહી જવાનું? અત્યારે હકીકત એટલી જ છે કે હું ગરબા ગ્રાઉન્ડ પર જઇ નહીં શકું કારણ કે હું ચારસો ને એકમી છું. મને ખબર છે, ઘણાં લોકો મને સલાહ આપશે. કહેશે કે ચિંતા નહીં કરવાની…નવરાત્રિ છે એટલે ગરબા તો રમવાનાં જ. કેટલાક ધરપત આપશે પાછલા બારણે ગ્રાઉન્ડમાં ઘૂસાડી દેવાની. કેટલાક આંખોનાં બેઉ ભવા ઉંચા કરી ધીમેથી લલકારશે આઇ જજે ગ્રાઉન્ડ પર...આપડું સેટિંગ છે! ધારો કે હું એવી રીતે ગેરકાયદે ગ્રાઉન્ડ પર ઘૂસી જઇશ તો માતા મારી સાથેનું સેટિંગ ખોરવી તો નહીં નાંખે ને? ચારસો એકમી મને ગ્રાઉન્ડ પર ગરબા રમતી જોઇને માતા એની આંખે પાટા બાંધી લેશે તો? ચારસો એકમી થઇને હું ગરબા રમીશ, ગરબા ગાઇશ, ગરબા ઝીલીશ, ગરબાનાં તાલે ઝૂમીશ તો માતાની નજરમાં ગુનેગાર થઇ જઇશ? જેમની કિસ્મત સારી હશે એ બધાનો સમાવેશ ચારસોમાં થશે, બાકીનાં બધા મારી જેમ ચારસો એકમાં થઇને ગરબા ગ્રાઉન્ડની બહાર ખુલ્લી હથેળીઓ પર તાળીની પ્રતીક્ષાઓ સાથે ઊભા હશે. બાકી, નવરાત્રિ એ શક્તિની આરાધના માટેનાં દિવસો છે અને શક્તિનો અર્થ મોડી રાત સુધી થાક્યા વિના ગરબા રમવું એવો નથી થતો. આ દિવસો મહિસાસુરની છાતી ચીરી શકાશે એવા વિશ્વાસને આત્મસાત કરવાનાં દિવસો છે. કાણા પાડેલી માટલીમાં મૂકેલા દીવાને વાવાઝોડાં વચ્ચે પ્રજ્જવલિત રાખવાનાં સંકલ્પના દિવસો છે! તમે ત્રણસોમાં હો, ચારસોમાં હો કે મારી જેમ ચારસો એકમાં...ગરબા રમો કે નહીં પણ નવરાત્રિનાં આ સંકલ્પને વધારે મજબૂત ચોક્કસ જ કરજો. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...