હળવાશ:‘અલા હેંડોને, આ વખતે રજાઓમાં ફરવા-બરવા જઈએ ક્યાંક...’

12 દિવસ પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

હિલામંડળમાં ઉત્સાહપૂર્વક એક વાર્તાલાપ શરૂ થયો...‘અલા હેંડોને આ વખતે રજાઓમાં ફરવા-બરવા જઈએ ક્યાંક...’ ‘બે-તૈણ દાડા જઈએ?’ ‘ના ના... ફ્રેસ થતાં અઠવાડિયુ તો થાય યાર...’ ‘હેંડો ત્યારે ઉપડીએ... આબુ જેવું કસેક જઈ આઇએ... જવા-આવવાના કલાકો તો ઓછા... સુ કહો છો... હું હાંજે જ કહું આમને, બુકિંગોમાં એસપર્ટ છે અમાર એ...’ ‘એ બધું તો ચપટીમાં થઈ જાય... આપડે મેઇન વાતોનું ડિસિજન લઈ લઈએ...’ ‘હું સુ કઉ છું... જઈને રાતે ખાવા તળેલી સેન્ડવીચ લઈ જઈએ... સુ કહો છો?’ ‘એના કરતાં ખાલી લીલી ચટણી લઈએ... બ્રેડ તો બધે મલે... એટલે ત્યાંથી ખાલી બ્રેડ લઈને ખાવાનું જ રહે.’ ‘બ્રેડ તો નડે અલા... એના કરતાં થેપલા, ખાખરા, ને હાંડવો લઈ લો હું તો કઉ છું... અને પેપર ડીસો ને ચમચી.’ ‘પણ આપડે છેક રાતે પોંચવાના... અમાર એમને તો ડિનરમાં તો કસુક હેવી જ જોઈએ... ખાખરા ના ચાલે યાર...’ ‘તો જોડે વઘારેલી ખીચડી લઈ લેજો. થેપલા ને ખિચડી ખાસે મારા ભઇ. આમ હેવી ને ઓમ અનહેવી.’ ‘જો કે હું તો એને એનો કોફી પીવાનો મગ, અને પાણી પીવાનો ગ્લાસ ય લેવાની છું... અમારા એમને એમના પ્રસ્નલી કપ કે ગ્લાસ વગર ફાવે જ નઇ.’ ‘અમાર તો એ બધ્ધું ચલાઈ લે બાપડા, એમને ખાલી ઓઢવાનું એમનું એક ફિક્સ છે વાદરી કલરનું, એ જ જોઈએ... એના વગર એમને ઊંઘવાનું સેટિંગ જ ના આવે.’ ‘એવી જ રીતે અમાર એક ફિક્સ ઓસીંગુ છ... એમને તો બસ, એ હોય, એટલે મસ્ત નિંદર આઇ જાય... ઓઢવાનું તો જે બી હોય, એ જ ચલાઇ લે.’ ‘અમાર તો એ બાબતમાં પરમ સાંતી... કોઈ જાતની વાઇડાઈ નઇ... એમને ઓઢવાનું ય જે હોય એ હાલે, ને ઓસીકામાં ય નખરાં નઇ બાપડાને... એમને બસ પાથરવાની ચાદર એમની જ જોઈએ... અમારે તો એ ધોવી બી હોય, તો દહાડે ધોઈ, ને રાતે એની એ લગાઈ જ દેવી પડે... નહિતર બચારાને ઉજાગરો જ થાય.’ ‘એ બધી બાબતમાં હું નસીબદાર... અમાર એ તો જરાય હાઢૂડા નઇ... એમને બસ જમવામાં કોઈ બી વસ્તુમાં રાઈ હોય, તો જ અઘરું... ગુજરાતમાં પ્રસંગ હોય, તો અમારે દાળ-સાકનું ટેન્સન હોય ડીસ લેતા પહેલા... બાકી ગુજરાત બહાર તો કોઈ બી ફંકસન હોય, કે ક્યાંય બી ફરવા જઈએ, મારે એમની આટલી અમથી ય ચિંતા નઇ.’ ‘મેં તો એવી ટેવો જ નઇ પાડી કે બહારગામ જાય તો હેરાન થાય... મેઇન ઇમ્પોટેડ વાત તો ખાવાની સ્મેલોની જ કહેવાય. સ્મેલો જ હઉથી નક્કામી... આ જો ને, અમાર એમને જીરાની સ્મેલથી સખ્ખત એલર્જી છે.’ ‘જો બેન, રાઈ-મેથી જીરું તો નીર્દોસ હોય. એમનામાં તો કોઈ જાતના સ્મેલ કે ટેસ્ટો ના હોય... એટલે મને તો ચિંતા ખાલી એમના ખાવાનામાં આવતી સ્મેલોની જ છે... અને એમાં બી મેઇન તો રોટલી ઉપર બહારનું ઘી. બાપડાને જરાય સેટ જ નઇ થતું... એને બહારના ઘી માંથી સ્મેલ જ આવે. અમાર એમનું નાક બહુ જ શ્ટ્રૉન્ગ.’ ‘ઘી-તેલમાં તો સ્મેલ હોય જ નઇ... સ્મેલ તો ખાલી ફળ-ફૂલમાં જ હોય...’ ‘હાચી વાત... અમાર એમને તો સ્મેલનું બહુ ઇમપોટેસ જ નઇ... આપડે પૂછીએ, કે સૂંઘ આઇ, ત્યારે તો એ ચારે બાજુ ડોકું ફેવરીને ઊંડા શ્વાસો લે... અને પછી ય જો સ્મેલ આવે, તો આપડા નસીબ.’ ‘અલા... સ્મેલ કંઇ ચારે બાજુ ના આવે... એ જ્યાંથી પેદા થઈ હોય, ત્યાંથી પવનની દિસામાં આગળ વધે... ટીવીમ એરોટાઈસો આવે છે, એ જોતાં નહી? સ્મેલ હંમેસા દરિયાના મોજાની જેમ લહેરાતી લહેરાતી બારીની બહાર જાય... એ મોજાઓના રૂટમાં જો આપડું નાક આવે, તો જ સ્મેલ આવે.’ ‘પણ મારુ તો એવું જ માનવું છે, કે કોઈ બી વસ્તુમાં સ્મેલ લાવવા એ લોકા એસેન્સ જ વાપરે... એટલે સ્મેલ વગરની વસ્તુ જ ખરા અર્થમાં પ્યોરીટી વારી કહેવાય.’ ‘હું તો એમ કહું, કે જો આટલી બધી તકલીફો પડવાની હોયને ફરવા જવામાં, તો આપડે માંડી જ વાળો. આટલા આટલામાં જઈ આઇસુ હોટલમાં જમ્બા.’ ‘એવું જ કરાય... એક તો પૈસા ય આલવાના, ને ચલાઈ એ લેવાનું...! જવા દો... ફરવા જવાનું આપડું કામ નઇ... વાર્તાલાપ નિરાશાજનક રીતે પૂરો ય થયો... પણ આ લોકો માનસિક રીતે ઘણું ફરી આવ્યા... ને ખાસ્સું હેરાન ય થયા બિચારા. અસે...

અન્ય સમાચારો પણ છે...