તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:એર ઇન્ડિયાની પાઇલટને મળ્યો યુ. એન. પ્રોજેક્ટમાં દમદાર હોદ્દો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોયાએ બહુ નાની વયે પાઇલટ બનવાનો નિર્ધાર કરી લીધો હતો અને આ ઇચ્છા પૂરી કરવામાં માતા-પિતાએ પૂરતો ટેકો આપ્યો છે

એર ઇન્ડિયાની પાઇલટ કેપ્ટન જોયા અગ્રવાલની સંયુક્ત રાષ્ટ્રના જનરેશન ઈક્વલિટી પ્રોજેક્ટમાં મહિલા પ્રવક્તાના પદ પર પસંદગી કરવામાં આવી છે. જોયાની ક્ષમતાનું આકલન કરી તેને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ પસંદગી પછી જોયાએ પોતાની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું છે કે તે ભારે સન્માનની લાગણી અનુભવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના જનરેશન ઈક્વલિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલા પ્રવક્તા બનવા અંગે એર ઈન્ડિયાના પાઇલટ કેપ્ટન જોયા અગ્રવાલે જણાવ્યું કે, ‘હું ખૂબ જ વિનમ્રતા સાથે આ કહેવા માંગુ છું કે, મને સંયુક્ત રાષ્ટ્ર મહિલા જેવા મંચ પર પોતાના દેશ અને એર ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સમગ્ર વિશ્વમાં પોતાના દેશનું માન વધારવા માટે મને ખૂબ સન્માનની લાગણી અનુભવાઈ રહી છે.’ કેપ્ટન જોયા અગ્રવાલે જણાવ્યું કે, ‘મેં ત્યારે સપનાં જોવાનું ચાલું કર્યું હતું જ્યારે હું આઠ વર્ષની હતી. હું સિતારાઓને અડવા માંગતી હતી. હું દરેક છોકરી અને મહિલાને કહેવા ઈચ્છું છું કે, પોતાની આજુબાજુના માહોલની પરવા કર્યા વગર સપનાં જોવાનું ચાલુ રાખો. મહેરબાની કરીને સપના જોવો અને તેને પૂરા કરવા માટે તમારી બધી જ મહેનત સમર્પિત કરી દો. હાર ન માનશો.’ કોણ છે જોયા અગ્રવાલ? જોયા અગ્રવાલ એક પાઇલટ છે અને અનેક મહત્ત્વપૂર્ણ ફ્લાઇટ્સની કમાન સંભાળી ચૂક્યાં છે. તેઓ એક સીનિયર પાઇલટ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી ચૂક્યાં છે અને તેમની પાસે પાઇલટ તરીકે 10 વર્ષ કરતા વધારે અનુભવ છે. જોયા તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તેણે બહુ નાની વયે પાઇલટ બનવાનો નિર્ધાર કરી લીધો હતો અને આ ઇચ્છા પૂરી કરવામાં માતા-પિતાએ પૂરતો ટેકો આપ્યો છે. કેપ્ટન જોયા આજે એર ઇન્ડિયાની કમાન્ડર છે. સંઘર્ષ પછી સફળતા સફળ પાઇલટ બનવા પાછળના પોતાના સંઘર્ષ વિશે જણાવતા જોયા કહે છે કે ‘90ના દાયકામાં એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારની દીકરી તરીકે મર્યાદિત વિકલ્પોને કારણે એક મર્યાદાની બહાર સપનાં જોવાની આઝાદી નહોતી. આ સંજોગમાં મેં આઠ વર્ષની વયે પાઇલટ બનવાનો નિર્ણય લીધો હતો. હું નવરાશના સમયમાં અગાશીમાં જતી અને આકાશમાં ઉડતા એરોપ્લેનને જોઇને મારો નિર્ધાર વધારેને વધારે મકક્મ બનાવતી. 10 ધોરણ પછી મેં જ્યારે પાઇલટ બનવાનો મારો નિર્ધાર માતા-પિતાને જણાવ્યો તો મારાં માતા રોવા લાગ્યાં કારણ કે તેઓ ઇચ્છતા હતા કે મારા લગ્ન એક સારા પરિવારમાં થઇ જાય. મારા પિતાને મારી વાત સાંભળીને ખર્ચની ચિંતા સતાવવા લાગી હતી. જોકે મને તેમણે સંપૂર્ણ સહયોગ આપ્યો.’ આકરી મહેનત પોતાનું સપનું પુરું કરવા માટે જોયાએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિજ્ઞાનપ્રવાહમાં લીધું અને સારા માર્ક મેળવ્યા. આ પછી તેણે સ્નાતક કક્ષાએ ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને સાથે સાથે એવિએશન કોર્સ પણ કર્યો. આ એવિએશન કોર્સ કરવા માટે તેણે પોતાની વર્ષોની બચત વાપરી નાખી હતી. આ સમય દરમિયાન જોયા રોજ સવારે કોલેજ જતી અને સાંજે એવિએશન કોર્સ આટોપીને રાત્રે 10 વાગ્યે ઘરે પહોંચતી અને પછી મોડી રાત સુધી અભ્યાસ કરતી. જોયાને આખરે આકરી મહેનતનું ફળ મળ્યું. બે વર્ષ સુધી રાહ જોયા પછી જોયાને એર ઇન્ડિયામાં પાઇલટ તરીકે કામ કરવાની તક મળી અને આખરે 2004માં તેણે દુબઇની ફ્લાઇટને ટેક ઓફ કરીને જે કરિયરની શરૂઆત કરી હતી તે આજે પણ ઉંચી ઉડાન ભરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...