મીઠી મૂંઝવણ:પતિનાં આકસ્મિક અવસાન પછી એકલતા સાલે છે...!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 29 વર્ષનો આઇટી પ્રોફેશનલ છું. મને મારી જ ઓફિસમાં કામ કરતી એક 26 વર્ષની યુવતી સાથે પ્રેમ હતો. અમે લગ્ન પણ કરવાના હતા, પણ અચાનક જ એક દિવસ તેણે મારી સાથે પ્રેમમાં હોવાનો ઇન્કાર કર્યો હતો અને મારી સાથેના બધા સંબંધો કાપી નાખ્યા હતા. કોમન ફ્રેન્ડ પાસેથી જાણવા મળ્યું છે કે તેના માટે અમેરિકાના યુવાન તરફથી માગું આવ્યું હોવાથી તેણે મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. હવે મારે શું કરવું? એક યુવક (સુરત) ઉત્તર : તમે સૌથી પહેલાં તો પરિસ્થિતિમાં દુ:ખી થવાના બદલે મક્કમતાથી એનો સ્વીકારો કરો. તમારી પ્રેમિકાના આ નિર્ણય પાછળ ઘણા કારણો કામ કરી શકે છે. પરિવાર તરફથી દબાણ, અમેરિકામાં રહેવાનો મોહ, શ્રીમંતાઇ અથવા તો પરિવારમાં વાત કરવાથી લાગતા ડર જેવા કારણોથી તેણે આ નિર્ણય લીધો હોઇ શકે છે. તેના આ નિર્ણય પાછળ ગમે તે કારણ હોય પણ હકીકત તો એ છે કે તેણે કપરી પરિસ્થિતિમાં તમારો સાથે આપવાને બદલે પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું વધારે યોગ્ય સમજ્યું છે. જો લગ્ન પછી પણ તેનું વલણ આવું જ હોત તો? હવે તમે આ છોકરીને ભૂલીને જીવનમાં આગળ વધો એ જ વધારે યોગ્ય છે. જીવનમાં આનાથી પણ વધુ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી વાસ્તવિકતાનો સ્વીકાર કરી તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે. જે થાય છે તે સારા માટે જ થાય છે અને ભવિષ્યમાં તમને આના કરતા વધુ સારી જીવનસાથી મળશે એવો હકારાત્મક અભિગમ અપનાવી ભૂતકાળ ભૂલી જાવ અને તેના પ્રત્યે કોઈ દ્વેષભાવ રાખો નહીં. જે સમસ્યાનો ઉકેલ તમારી પાસે ન હોય એને સમયના આધારે છોડી દેવામાં જ સમજદારી છે. પ્રશ્ન : હું 24 વર્ષનો યુવાન છું અને હાલમાં જ મારી કરિયરની શરૂઆત થઇ છે. મારા પરિવારમાં હવે મારા લગ્નની ચર્ચા શરૂ થઇ ગઇ છે. મારી સમસ્યા એ છે કે મને કુંવારી યુવતીઓ કરતા મારી આસપાસની પરિણીત મહિલાઓ સાથે ઘનિષ્ટ સંબંધો કેળવવામાં વધારે રસ પડે છે. શું મને કોઇ માનસિક સમસ્યા હશે? એક યુવક (જામનગર) ઉત્તર : તમારે ગભરાવાની કોઇ જરૂર નથી. ઘણા યુવાનો સાથે આવું બનતું હોય છે. જ્યાં સુધી તમને વાસ્તવિકતાનો અહેસાસ છે ત્યાં સુધી કોઇ મોટી સમસ્યા નથી, પણ તમારી આ લાગણી એકતરફી પ્રેમમાં બદલાઇ ન જાય એ વાતની ખાસ કાળજી રાખજો નહીંતર આખો મામલો ગુંચવાઇ જશે. હાલમાં થયેલા એક સંશોધનમાં પુરવાર થયું છે કે યુવકોને કુંવારી છોકરીઓ કરતા પરિણીત મહિલાઓમાં યુવકોને વધુ રસ હોય છે. લગ્ન કરેલી સ્ત્રીઓ વધારે આત્મવિશ્વાસ ધરાવે છે જેના કારણે છોકરાઓે તેમની તરફ આકર્ષિત થાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તમે તમારા મનને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો અને જ્યાં સુધી આ લાગણીમાંથી બહાર ન આવી જાઓ ત્યાં સુધી લગ્ન કરવાની ઉતાવળ ન કરશો. પ્રશ્ન : મારી દીકરી એનાથી મોટી વયના એક પુરુષને પ્રેમ કરે છે. એ પરિણીત છે. એટલું જ નહીં, એને સંતાનમાં એક દીકરી પણ છે. મારી દીકરી એની સાથે સંબંધ તોડવાની ના કહે છે. આ સ્થિતિમાં એ પુરુષ એને અપનાવશે નહીં અને આવા સંબંધનો કોઇ અર્થ નથી. એને ઘણું સમજાવી છતાં એ સમજતી નથી. અમારે શું કરવું? એક મહિલા (સુરેન્દ્રનગર) ઉત્તર : તમારી દીકરી એનાથી મોટી વયના પરિણીત અને એક પુત્રીના પિતા એવા પુરુષને પ્રેમ કરે છે. એની સાથે સંબંધ તોડવાની પણ ના કહે છે, તો એ અંગે તમારે જ કડક રીતે પગલાં લેવા રહ્યાં. તમે એને સમજાવો કે એ પુરુષ એને અપનાવી શકશે નહીં અને તમે જે જાણો છો કે આ સંબંધનો કોઇ અર્થ નથી તે પણ સમજાવો. જો તમે એને વાસ્તવિકતાનો યોગ્ય રીતે ખ્યાલ આવે અને પોતાની જિંદગીનું હિત શેમાં રહેલું છે તે ખ્યાલ આવે તેમ શાંતિથી સમજાવશો તો ચોક્કસ એ તમારી વાત પર વિચાર કરશે. એની સાથે તમે ઉગ્રતાથી કે ગુસ્સે થઇને વાત કરશો તો એ આ સંબંધ પ્રત્યે વધારે આકર્ષાતી જશે અને તમારાથી દૂર થતી જશે. એને શાંતિથી તમારી વાત સમજાવો. પ્રશ્ન : મારો દીકરો દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. એના અભ્યાસમાં જાતીય પ્રજનનને લગતા કેટલાક ચેપ્ટર્સ પણ આવે છે. ઘણી વાર તે, આ અંગેના પ્રશ્નો મને પૂછે છે. મને એના પ્રશ્નોના જવાબ આપવામાં એક માતા તરીકે મૂંઝવણ અનુભવાય છે. આ અંગે મારે શું કરવું જોઈએ? એક મહિલા (રાજકોટ) ઉત્તર : આમાં શરમ-સંકોચ રાખવાની કે મૂંઝવણ અનુભવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારો દીકરાને તમે જ મોટો કર્યો છે. તે આ અંગે તમને પૂછે તે સ્વાભાવિક છે અને આમાં કશું ખોટું પણ નથી. છતાં એક માતા તરીકે જો તમને અગવડભર્યું લાગતું હોય કે સંકોચ અનુભવતાં હો, તો તમારા પતિને આ વાત જણાવી દીકરાને એ અંગે માર્ગદર્શન આપવાનું કહી શકો છો.

પ્રશ્ન : મારી વય 40 વર્ષની છે. હું એક કોર્પોરેટ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરું છું. મારા પતિનાં અવસાનને માત્ર છ મહિના વીત્યા છે. મને સાથ માણવાની ઇચ્છા વારંવાર થાય છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારી સમસ્યા યોગ્ય છે. આવી ઇચ્છા જાગે તે સ્વાભાવિક પણ છે. તમે આ અંગે તમારાં માતા-પિતાને વાત કરી, તમારા માટે કોઈ યોગ્ય પાત્ર શોધવાનું સૂચવી શકો છો. પતિના અવસાન બાદ પુન:જીવન શરૂ કરવામાં કંઈ જ ખોટું નથી. કેટલીક વાર માત્ર સાથ માણવાની ઇચ્છા સંતોષવા માટે જ નહીં, પણ યોગ્ય સાથીદારની હૂંફ અને સાથ પણ જરૂરી હોય છે. વળી, તમે કોર્પોરેટ કલ્ચરમાં છો, એવામાં આજકાલ નોર્મલ થઇ ગયેલા સ્ટ્રેસ, ડિપ્રેશનના માહોલમાં એક સારો સાથીદાર હોવો પણ મહત્ત્વપૂર્ણ છે. તમારે માત્ર જીવનને એક નવી નજરથી જોવાની જરૂર છે.