બ્યૂટી:ફેશિયલ કરાવ્યા પછી ત્વચા લાલ થઇ જાય છે...

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી પાંપણો અત્યંત પાતળી છે. એને ઘાટી અને સુંદર બનાવવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : આંખોની સુંદરતા વધારવામાં પાંપણોનો ખાસ રોલ હોય છે. પાંપણોને ઘાટી અને કાળી બનાવવા માટે કોપરેલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે સૌથી પહેલાં તમારી પાંપણોને સારી રીતે સાફ કરી લો. ત્યાર બાદ ઇયર બડને કોપરેલમાં પલાળીને પાંપણો પર લગાવી લો. તેને રાતભર તેમ જ રહેવા દો અને સવારે પાણીથી સાફ કરી લો. પાંપણોને ઘાટી અને સુંદર બનાવવા માટે વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છો. વિટામિન-ઇ કેપ્સ્યૂલની અંદર રહેલ જેલને આંગળી પર લગાવી પાંપણો પર લગાવો. તેને રાતભર રહેવા દો અને સવારે સાફ કરી લો. પાંપણોને સુંદર અને ઘાટી બનાવવા ગ્રીન ટીનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે એક ચમચી ગ્રીન ટી લઇને તેને અડધા કપ ગરમ પાણીમાં થોડી વાર ઉકાળો. ત્યાર બાદ આ પાણીને ઠંડું થવા દો. જ્યારે ઠંડું થઇ જાય તો રાત્રે સુતા પહેલા તેને કોટન બોલ વડે પાંપણો પર લગાવો અને આખી રાત રહેવા દો. પ્રશ્ન : શિયાળામાં મારી ત્વચા શુષ્ક થઇ જાય છે. મારી ત્વચા સ્વસ્થ રહે એ માટે મારે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : શિયાળામાં ઠંડા વાતાવરણની સીધી અસર ત્વચા પર પડતી હોય છે અને એ શુષ્ક બની જતી હોય છે. આ સંજોગોમાં જો થોડી કાળજી રાખવામાં આવે તો શિયાળામાં પણ ત્વચા સ્વસ્થ રહી શકે છે. ગ્રીન ટી અને એલોવેરા બંને ડ્રાય સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં ભરપૂર એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે અને આ એક બેસ્ટ ટોનરનું પણ કામ કરે છે. તેને બનાવવા 1 કપ પાણી ગરમ કરી તેમાં 2 ટી બેગ્સ નાખી દેવી અને પછી પાણીને ગાળીને તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને પછી ચહેરા પર લગાવો. જો તમારી સ્કિન વધુ સંવેદનશીલ હોય તો ત્વચાની તમામ સમસ્યામાં ગુલાબજળનો પ્રયોગ લાભદાયક છે. તેના માટે ચંદનના પાઉડરમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવી લો અને અઠવાડિયામાં આ પેસ્ટને બે વખત લગાવો. આનાથી ત્વચા સ્વસ્થ રહેશે.

પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું. મારી સમસ્યા એ છે કે હું જ્યારે ફેશિયલ કરાવું છું ત્યારે મારી ત્વચા લાલ થઇ જાય છે અને એના પર ફોલ્લીઓ થઇ જાય છે. આવું શું કામ થતું હશે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ઘણી યુવતીઓ ચહેરાનો નિખાર વધારવા માટે ફેશિયલનો સહારો લે છે. જોકે ફેશિયલ માત્ર ત્વચાને જ ફાયદો નથી કરતું. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો ફેશિયલની આડઅસર પણ થઇ શકે છે. ફેશિયલ દરમિયાન ત્વચા પર કેટલાક કેમિકલ લગાવવામાં આવે છે જેના કારણે ત્વચાની એલર્જીનો ખતરો રહે છે. આ સાથે ત્વચા પર ફોલ્લીઓ પણ દેખાવા લાગે છે. આના કારણે ત્વચાનો ગ્લો વધવાને બદલે ઘટે છે. વધુ પડતું ફેશિયલ કરાવવાથી તમારી ત્વચા પર બળતરા અને લાલાશ થઈ શકે છે. વારંવાર ફેશિયલ કરવાથી ચહેરાની ત્વચા ડ્રાય થઈ શકે છે. સંવેદનશીલ ત્વચામાં વારંવાર ફેશિયલ કરાવવાથી ત્વચાનો કુદરતી ભેજ ઓછો થવા લાગે છે.

અન્ય સમાચારો પણ છે...