ધુળેટી એટલે ધમાલમસ્તી કરવા માટે યુવાનોનોે પ્રિય તહેવાર. ઘણી વખત ઉત્સાહના અતિરેકમાં તેમના સ્માર્ટફોન તેમજ સ્માર્ટવોચ જેવી કિંમતી એક્સેસરીમાં પાણી અને રંગ જતા રહે છે અને એના કારણે એ બગડી જાય છે. આવું ન થાય એ માટે કેટલીક ખાસ એક્સેસરીનો ઉપયોગ કરીને એને સલામત રાખી શકાય છે. આ એક્સેસરી નીચે પ્રમાણે છે. વોટરપ્રૂફ પાઉચ : ધુળેટી રમતી વખતે સ્માર્ટફોન અને સ્માર્ટવોચ જેવી મહત્ત્વની વસ્તુઓને બચાવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો વોટરપ્રૂફ પાઉચનો ઉપયોગ કરવાનો છે. આના ઉપયોગથી એને પાણીથી બચાવી શકાય છે. આ પ્રકારના વોટરપ્રૂફ પાઉચ ખાસ મોંઘા નથી હોતા અને એને સરળતાથી ઓનલાઇન સ્ટોરમાંથી અથવા તો લોકલ મોબાઇલ સ્ટોરમાંથી ખરીદી શકાય છે. સ્ક્રીન પ્રોેટેક્ટર અને કેમેરા લેન્સ પ્રોટેક્ટર : માર્કેટમાં ખાસ પ્રકારના સ્ક્રીન પ્રોટેક્ટર અને લેન્સ પ્રોટેક્ટર મળે છે. ફોન પર એને લગાવી દેવાથી ફોનની સ્ક્રીનને અને એના કેમેરા લેન્સને પાણી અને રંગથી બચાવી શકાય છે. માર્કેટમાં અલગ અલગ રેન્જના સ્ક્રીન પ્રોટેક્ટર અને લેન્સ પ્રોટેક્ટર મળે છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. ડસ્ટ પ્લગ : સ્માર્ટફોનના ખુલ્લા પોર્ટને કવર કરવા માટે ડસ્ટ પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે. આના કારણે પાણીને રોકવામાં ખાસ મદદ નથી મળતી પણ જો ડસ્ટ પ્લગ લગાવીને વોટરપ્રૂફ પાઉચમાં રાખવામાં આવે તો સ્માર્ટફોનને ડબલ પ્રોટેક્શન મળે છે અને એની સારી રીતે સાચવણ શક્ય બને છે. વોટરપ્રૂફ રિસ્ટ બેન્ડનો ઉપયોગ : હાલમાં ઘણી સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ IP68 રેટેડ હોય છે અને એના કારણે તે વોટરપ્રૂફ હોય છે પણ આમ છતાં ધૂળેટી રમતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. હાલમાં માર્કેટમાં અનેક સાઇઝના અને રંગના વોટરપ્રૂફ રિસ્ટ બેન્ટ ઉપલબ્ધ હોય છે. સ્માર્ટવોચની આસપાસ આ વોટરપ્રૂફ રિસ્ટ બેન્ડ પહેરી લેવાથી એ જાડું સુરક્ષાકવચ આપે છે અને એને સહેલાઇથી પાણીથી બચાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.