સંબંધનાં ફૂલ:સપનાંને સ્વીકારો...

એક મહિનો પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

'હું જે કરવા ઇચ્છું છું, એના માટે સમય નથી મળતો...’...જ્યારે લોકોને તેમના સપનાં વિશે સવાલ કરવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો આવો જવાબ આપે છે. આ લોકો પરિસ્થિતિની તરફેણમાં દલીલ કરતા કહે છે કે ‘જો હું મારા સપનાં પર ધ્યાન કેન્દ્રિત કરું છું તો બીજા મહત્ત્વના કામ નહીં કરી શકાય. આના કારણે તણાવભરી પરિસ્થિતિ સર્જાઇ જશે. આખરે આવું ન થાય એટલે મનની ઇચ્છા પૂરી કરવાના પ્રયાસો અટકાવી દેવા પડે છે.’ આખરે કેમ કોઇ પોતાના સપનાં માટે, ઇચ્છાઓ માટે સમય નથી કાઢી શકતું કારણ કે હકીકતમાં એ તેમનાં માટે એટલા મહત્ત્વનાં જ નથી હોતાં. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યક્તિ એટલી વ્યસ્ત રહે છે કે તેના પ્રાયોરિટી લિસ્ટમાં સપનાંને સ્થાન જ નથી હોતું. જે વ્યક્તિ પોતાના સપનાં સુધી પહોંચવા માટેનો રસ્તો તૈયાર કરવા માટે પણ તૈયાર ન હોય ત્યારે એના પર કઇ રીતે ચાલશે એ તો બહુ દૂરનો પ્રશ્ન છે. આ ચર્ચામાં મહત્ત્વનો મુદ્દો છે સપનાં વિશે વિચારવું, એને પ્રાયોરિટીમાં રાખવાં અને એને પૂરાં કરવા માટે પૂરતી મહેનત કરીને રસ્તો તૈયાર કરવો. આના માટે સમય જોઇએ અને યોગ્ય દિશામાં હકારાત્મક પ્રયાસો પણ. આ બંને કામ યોગ્ય રીતે કરવા માટેની પ્રેરણા મોબાઇલ કે કોમ્પ્યુટરનું મેસેજ બોક્સ આપી શકે છે. જેવી રીતે આપણે મોબાઇલ કે કોમ્પ્યુટરમાં મેસેજ જોઇને એને મહત્ત્વના આધારે વર્ગીકૃત કરીએ છીએ એવી જ રીતે જીવનના દરેક કામને મહત્ત્વના આધારે પ્રાયોરિટી આપવી જોઇએ. આપણે મેલબોક્સમાં મહત્ત્વના સંદેશનો પહેલાં જવાબ આપીએ છીએ એવી જ રીતે મહત્ત્વનાં કામને જીવનમાં અગ્રતાક્રમ આપવાનો જોઇએ. ક્યાં મેલને પહેલાં જવાબ આપવાનો અને ક્યાં મેલની અવગણના કરવી એ માટેનું પ્રાયોરિટી લિસ્ટ આપણે જ નક્કી કરીએ છીએ એવી જ રીતે ક્યું કામ પહેલાં કરવું અને ક્યાં કામમાં સમય બરબાદ ન કરવો એ આપણે જ નક્કી કરવાનું છે. આપણે તૈયાર કરેલા આ લિસ્ટ પર જ જીવનની સફળતા અને નિષ્ફળતાનો આધાર રહેલો છે. આ દૃષ્ટિકોણથી જોઇએ તો અહેસાસ થાય છે કે સપનાંને સમય ન આપવાની ભૂલ આપણી જ છે. સપનાંને મહત્ત્વ આપો અને નક્કી કરો કે રોજ એની દિશામાં ઓછામાં ઓછું એક ડગલું તો માંડવું જ છે. આવી જ રીતે તમે સપનાં સુધી પહોંચવાનો રસ્તો બનાવી શકશો અને આ માટેનો આત્મવિશ્વાસ પણ નિખરી ઉઠશે. જો પૂરતી તૈયારી કરીને કામ હાથ ધરવામાં આવે તો એ કામ પૂરું થવામાં બહુ વાર નથી લાગતી. મનને ખુશીનો અનુભવ કરાવે એ શિખર સુધી પહોંચવાનો ઉત્સાહ તો હોય છે પણ ત્યાં સુધી સુધી પહોંચવા મારે એ દિશામાં રોજ પ્રયાસ કરવો પડે છે. પ્રગતિ કેટલી આગળ વધી છે એ ચકાસવા માટે કેલેન્ડર કે પ્લાનરમાં કરેલું નિશાન પણ કરી શકે છે. દરેક વખતે સફળતા મેળવ્યા પછી એક અનોખી પ્રસન્નતાનો અહેસાસ થાય છે. જેમ જેમ લક્ષ્ય નજીક આવે છે તેમ તેમ ઉત્સાહમાં પણ વધારો થતો જાય છે. મનમાં રહેલા ઉત્સાહની અસર જીવનના દરેક હિસ્સા પર પડે છે અને બીજા કામ પર પણ સકારાત્મક અસર થાય છે કે તમને તમારું સપનું સૂરજની જેમ ચમકતું દેખાય છે. આમ, સપનાંને સ્વીકારીને એ દિશામાં આગળ વધવામાં જ સાર્થકતા છે.

અન્ય સમાચારો પણ છે...