પહેલું સુખ તે...:સવારના સમયમાં સ્વસ્થ દિનચર્યા અપનાવવાના અઢળક ફાયદા

12 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

સવારનો સમય ખાસ હોય છે અને એ આખા દિવસનો મૂડ સેટ કરે છે. સવારની સ્વસ્થ દિનચર્યા તમને તમારી જાતનું બેસ્ટ વર્ઝન જીવવામાં મદદ કરે છે. સ્વસ્થ માનસિકતા સાથે દિવસની શરૂઆત કરવાથી સ્ટ્રેસ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે જેના કારણે અનેક શારીરિક અને માનસિક ફાયદા થાય છે. સવારની સ્વસ્થ જીવનશૈલીથી હેલ્થને થતો ફાયદો નીચે પ્રમાણે છે. મૂડમાં સુધારો : સવારની દિનચર્યામાં એક્સરસાઇઝ, મેડિટેશન, હકારાત્મક અભિગમ અને સૂર્યપ્રકાશમાં થોડો સમય ગાળવાની પ્રવૃત્તિનો સમાવેશ કરવાથી મન સ્વસ્થ રહે છે અને મગજમાં ‘ફીલ-ગુડ’ હોર્મોન સીરોટોનિનનું પ્રમાણ વધે છે જેના કારણે મૂડ અને સ્લિપ પેટર્ન સુધરે છે, યાદશક્તિ વધે છે અને બીજી દેહધાર્મિક ક્રિયાઓ પણ વધારે સારી રીતે થાય છે. સંબંધોમાં સુધારો : જ્યારે આપણે માનસિક રીતે થાકેલા હોઇએ ત્યારે થોડોક સ્ટ્રેસ પણ શરીરમાં નકારાત્મક લાગણીઓનો પ્રવાહ વધારે છે જેના કારણે આપણે નજીકના લોકો ઉપર વધારે પડતો ગુસ્સો કરી બેસીએ છીએ. આપણે જે સ્ટ્રેસ અનુભવતા હોઇએ એની નકારાત્મક અસર પરિવાર અને મિત્રો સાથેના સંબંધ પર પડે છે. આ કારણે સ્ટ્રેસમાં થતો વધારો અંગત જીવન માટે નુકસાનકારક સાબિત થાય છે. જો દિવસની શરૂઆતમાં સકારાત્મક િદનચર્યા અપનાવામાં આવે તો એના કારણે અંગત સંબંધોમાં પણ સુધારો થાય છે. સોજામાં ઘટાડો : સવારની સ્વસ્થ દિનચર્યા સ્ટ્રેસ લેવલમાં ઘટાડો કરે છે જેના કારણે ક્રોનિક ઇન્ફ્લમેશન (સોજા)ની સમસ્યામાં પણ રાહત મળે છે. જ્યારે શરીર સતત સ્ટ્રેસ અનુભવતું હોય ત્યારે ક્રોનિક ઇન્ફ્લમેશનની સ્થિતિ સર્જાય છે. આના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ શરીરના સ્વસ્થ કોષ અને અંગો પર હુમલો કરી બેસે છે. આના કારણે હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ અને રુમેટોઇડ આર્થરાઇટિસ જેવા ક્રોનિક ડિસીઝ થ‌વાની શક્યતા વધી જાય છે. પ્રોડક્ટિવિટીમાં વધારો : સવારની દિનચર્યામાં સ્વસ્થ આદતોનો સમાવેશ કરવાથી થાક લાગવાથી સમસ્યાનો ક્રમશ: અંત આવે છે અને આના કારણે વ્યક્તિની પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે. સવારની દિનચર્યામાં સમાવેશ કરવા લાયક એક્ટિવિટી મેડિટેશન : મેડિટેશન કરવા માટે વહેલી સવારનો સમય સૌથી યોગ્ય સમય ગણાય છે કારણ કે આ સમયે વ્યક્તિ આખી રાતની નીંદર પછી ફ્રેશ હોય છે અને દુનિયા પણ શાંત હોય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ સહેલાઇથી ડીપ મેડિટેશન કરીને એનો ફાયદો મેળવી શકે છે. એક્સરસાઇઝ : એક્સરસાઇઝ કરવાથી ફાયદો થાય છે એ બધાને ખબર છે પણ શું તમને ખબર છે કે દિવસની શરૂઆતમાં એક્સરસાઇઝ કરવાથી વધારે એનર્જી મેળવી શકાય છે. દિવસની શરૂઆતમાં એક્સરસાઇઝ કરવાથી મેટાબોલિઝમ સુધરે છે, બ્લડ સુગર કંટ્રોલમાં આવે છે અને યોગ્ય રીતે વેઇટ લોસ પણ થાય છે. જર્નાલિંગ : સવારમાં જર્નાલિંગ (કાગળ પર વિચાર ટપકાવવા)ની પ્રેક્ટિસ કરવાથી વિચારધારા સ્પષ્ટ બને છે, ઇમોશન્સ વધારે સારી રીતે વ્યક્ત કરી શકાય છે, લક્ષ્યાંક સ્પષ્ટ બને છે, આત્મવિશ્વાસ મજબૂત બને છે અને સર્જનાત્મક વિચારો આવે છે. સવારના સમયે કાગળ પર વિચારો લખવાથી વ્યક્તિ માનસિક રીતે મજબૂત બને છે અને દરેક દિવસની શરૂઆત હકારાત્મક વિચાર સાથે થાય છે. આના કારણે મૂડ સુધરે છે અને પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે. યોગ : નિયમિત યોગ કરવાથી ફિટનેસમાં વધારો થાય છે પણ સાથે સાથે મસલ્સની ફ્લેક્સિબિલિટી વધે છે અને બેલેન્સ ક્ષમતામાં વધારો થાય છે. સવારમાં નિયમિત રીતે યોગની પ્રેક્ટિસ કરવાથી સ્ટ્રેસ અને એંગ્ઝાયટીમાં ઘટાડો થાય છે, દુખાવો ઘટે છે, મેન્ટલ હેલ્થમાં સુધારો થાય છે તેમજ નીંદરની ગુણવત્તા સુધરે છે. રૂટિનમાં સ્વસ્થ આદતોનો સમાવેશ કરવાના રસ્તા લક્ષ્યને સમજો : તમે તમારા હેલ્ધી મોર્નિંગ રૂટિન પાસેથી શું ઇચ્છો છો એ સમજવાનો પ્રયાસ કરો. શું તમે વધારે પ્રોડક્ટિવ બનવા ઇચ્છો છો? વધારે એનર્જી ઇચ્છો છો? સ્ટ્રેસ ઘટાડવા ઇચ્છો છો? ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારવા માગો છો? આ સવાલોના જવાબના આધારે તમે સવારે કરવા માટે તમારા માટે સૌથી યોગ્ય એક્ટિવિટીની પસંદગી કરી શકો છો. અલગ અલગ પ્રયોગો : સવારના સમયે કઇ એક્ટિવિટી તમારા માટે યોગ્ય સાબિત થાય છે એ શોધવા માટે પહેલાં પ્રાયોગિક ધોરણે અલગ અલગ એક્ટિવિટી કરીને પછી એના પરિણામને આધારે અંતિમ એક્ટિવિટીની પસંદગી કરી શકાય. આ માટે તમે તમને સવારમાં કરવાની પસંદ પડે અને તમારી મેન્ટલ હેલ્થ મજબૂત બનાવે એવી પાંચથી દસ એક્ટિવિટીની યાદી બનાવો. આ પછી દરેક એક્ટિવિટીની થોડા સમય માટે પ્રેક્ટિસ કરો. જે એક્ટિવિટી કર્યા પછી તમને સારું લાગે એનો સમાવેશ સવારની દૈનિક દિનચર્યામાં કરી શકાય. આ સિવાય તમે એક દિવસ 20 મિનિટ મેડિટેશન તો પછી બીજા દિવસે બ્રિસ્ક વોકિંગ એવું કોમ્બિનેશન પણ અજમાવી શકો છો. આમ, તમે અલગ અલગ પ્રયોગો કરીને જ તમારી જાત માટેના યોગ્ય વિકલ્પની તમારી જરૂરિયાત પ્રમાણે પસંદગી કરી શકો છો. સતત પ્રયાસ : જીવનની બીજી દરેક બાબતની જેમ જ ફિટનેસ જાળવવામાં પણ સફળતા મળે એ માટે સાતત્યપૂર્ણ પ્રયાસ જરૂર છે. તમે એક દિવસ માટે કે પછી થોડા સમય માટે એક્ટિવિટી કરીને તરત પરિણામ મળે એવી અપેક્ષા ન રાખી શકો. મોર્નિંગ શેડ્યુલમાં ફિટનેસ એક્ટિવિટીનો સંપૂર્ણ અને લાંબા ગાળાનો લાભ મળી શકે એ માટે પ્રયાસોમાં સાતત્ય હોવું જરૂરી છે. આ સિવાય પણ એવા બીજા અનેક આઇડિયા હશે જે તમારી દિનચર્યાને અનુરૂપ હોય. તમે તમારા જીવન પ્રમાણે, તમારી અત્યારના સંજોગો પ્રમાણે અને તમારી જાતની જરૂરિયાત પ્રમાણે એની પસંદગી કરી શકો છો. આ વિકલ્પ પસંદ કરીને આવતીકાલથી એના પર અમલ કરવાનું શરૂ કરી દો. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...