પેરેન્ટિંગ:મહિલાની સફળતા અને સમજદાર પુરુષનો સાથ

16 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

આજે ઇન્ટરનેશનલ વુમન ડે છે. આ દિવસ તમામ મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. જેવી રીતે કહેવામાં આવે છે કે ‘પુરુષની સફળતા પાછળ કોઇ સ્ત્રીનો હાથ હોય છે’ એવી જ રીતે કહી શકાય છે કે હાલના સમાનતાના સમયગાળામાં જો કોઇ મહિલા સારી એવી સફળતા મેળવે તો એની પાછળ ચોક્કસપણે સમજદાર પુરુષનો સાથ હોય છે. અત્યારે નવા ડિજિટલયુગમાં કોઈપણ મહિલાને આગળ વધવું હોય તો તેના આત્મવિશ્વાસને વધારે તેવા પુરુષનો સાથ હોવો અત્યંત જરૂરી છે. હવે તો એક સફળ મહિલા પાછળ પુરુષનો હાથ હોય છે એવું કહેવું પણ કંઈ ખોટું નથી. અત્યારે દરેકે ક્ષેત્રે મહિલાઓ પોતાની આગવી છાપ છોડી રહી છે, પરંતુ આ મુશ્કેલ સફરમાં મહિલાઓને પુરુષો એટલે કે પિતા, ભાઈ, મિત્ર અથવા પતિનો સાથ પણ મળી રહે છે અને તે મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. સમજદાર પતિની ભૂમિકા કોઇ મહિલા જ્યારે લગ્ન કરે છે ત્યારે તેની પર કરિયરની અને ઘરની બેવડી જવાબદારી આવી પડે છે. આ સંજોગોમાં જો તેને પતિનો પૂરતો સાથ અને પ્રોત્સાહન મળે તો તે બંને મોરચે ઝ‌ળહળતું પ્રદર્શન કરે છે. આ વાતનો પુરાવો છે ટેક્નોલોજિસ્ટ અને લેખિકા સુધા મૂર્તિ. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ફિલ્ડમાં અગ્રગણ્ય ગણાતી કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ‘મારી કરિયરમાં મારા પતિનો ફાળો બહુ મોટો છે. તેમણે મને જીવનમાં દરેક પગલે પૂરતો સપોર્ટ અને ટેકો આપ્યો જેના કારણે હું મારી પર્સનલ અને પ્રોફેશનલ જવાબદારીઓ સારી રીતે પાર પાડી શકી. એક તબક્કો એવો હતો કે હું સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળી જતી અને રાત્રે દસ વાગ્યે ઘરે આવતી હતી. આ સંજોગોમાં તેમણે ક્યારેય ફરિયાદનો એક શબ્દ નથી કહ્યો. તેમણે આ તબક્કા દરમિયાન પોતાનાથી બનતી શક્ય મદદ કરીને મને ઘર અને કામ વચ્ચેનું સંતુલન જાળવવામાં મદદ કરી. આમ, હું તો સ્પષ્ટપણે માનું છું કે એક સફળ મહિલાની પાછળ એક સમજદાર પુરુષ હોય છે.’ પુરુષોનો બદલાતો અભિગમ આજનો પુરુષ ધીમે ધીમે રૂઢિવાદી માનસિકતામાંથી બહાર આવી રહ્યો છે. પુરુષ પતિ હોય, ભાઇ હોય, પતિ હોય કે પછી પ્રેમી હોય... પણ તે હવે મહિલાઓના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરે છે. સમાજ ધીરે ધીરે બદલાઇ રહ્યો છે ત્યારે હવે જ્યારે મહિલા પ્રગતિ સાધી રહી છે ત્યારે ઘરમાં પણ તેની પ્રગતિની ઉજવણી કરીને પ્રોત્સાહન આપવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓને સાથ મળી રહ્યો છે એ ઘરમાં મહિલાઓ સતત પ્રગતિના શિખરો સર કરી રહી છે. વિકાસની તરફ પ્રગતિ એક તબક્કો એવો હતો કે પરિવારની મહિલા કમાણી કરવા માટે બહાર જાય તો એનાથી પુરુષનો અહમ ઘવાતો હતો. એ એટલો રૂઢિવાદી હતો કે ગમે તેટલી મુસીબત આવી જાય તો પણ તે બહેન, દીકરી કે પત્નીની કમાણીને હાથ નહોતો લગાવતો. હવે આજનો પુુરુષ મહિલાને આર્થિક સ્વતંત્રતા આપતો અને એને સ્વીકારતો થયો છે. આના કારણે મહિલામાં જે આત્મવિશ્વાસ આવે છે એ વ્યક્તિત્વ ઘડતરમાં બહુ મોટી મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...