વુમનોલોજી:સ્ત્રીના કેશ સત્તા, સ્વતંત્રતા કે સ્વચ્છંદતાના પ્રતીક

2 મહિનો પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

ઇરાનમાં ઘણા વખતથી અલગ અલગ વિદ્રોહ ચાલી રહ્યા છે. એમાં સ્ત્રીઓ દ્વારા વાળ વિદ્રોહ ચાલે છે. લાંબા અને ઘટાદાર વાળ સ્ત્રી માટે સુંદરતા અને સંપૂર્ણતાનું પ્રતીક ગણવામાં આવતા હતા. વાળ માત્ર સુંદરતા કે સ્ટાઇલ માટે નહીં, પરંતુ સામાજિક અને માનસિક ઓળખ માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. યસ, એક સ્ત્રી જયારે એના દાયરામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે વાળ કપાવે અથવા બાંધેલા વાળ છોડી દે એવું કોઈ સમીકરણ આમ જાણીતા નથી. વાળ માત્ર સ્ત્રી-પુરુષને બાહ્ય દેખાવથી અલગ પાડે છે એવું નથી, સ્ત્રીની ખુદની માનસિક સ્થિતિ અને ઓળખ ને નક્કર આકાર આપે છે. લાંબા વાળ શોભા માટે તો ખરા જ પરંતુ સ્ત્રીની તંદુરસ્તી અને આર્થિક સધ્ધરતાના પણ પ્રતીક ગણાતા હતા. વીસમી સદી સુધી જે સ્ત્રીના લાંબા વાળ હોય તેને પ્રમાણમાં આર્થિક સધ્ધર પણ ગણવામાં આવતી કારણકે જટિલ હેર સ્ટાઈલ અને વાળની માવજત માટે મૂડી અને મદદગાર બંનેની જરૂર પડતી. 1915માં પ્રખ્યાત બોલરૂમ ડાન્સર અને અભિનેત્રી ઈરીન કેસલને વાળ કપાવવાનું થયું. માથાને ઢાંકીને રાખતી ઈરીને શરમ છોડીને ટૂંકા વાળ સાથે બહાર જવાનું નક્કી કર્યું અને એક ઐતિહાસિક ‘કેસલ બોબ’ હેર સ્ટાઇલનો જન્મ થયો. બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકામાં સ્ત્રીઓ માટે વાળની સરળતા થઇ ગઈ. રેડ ક્રોસ અને રમત-ગમત ક્ષેત્રે કાર્યરત સ્ત્રીઓએ ટૂંકા અને છુટ્ટા વાળને અપનાવી લીધી. આ તરફ ભારત જેવા દેશમાં રૂઢિચુસ્ત સમાજે સ્ત્રીના વાળને આમન્યા, લજ્જા અને પાપ જેવા અર્થો સાથે જોડ્યા. આજે પણ ભારતના ઘણાં સમુદાયમાં સ્ત્રીના વાળમાં કાતર મારવી પાપ ગણાય છે અને સ્ત્રીને વૈધવ્ય આવે ત્યારે પણ તેના વાળ કાઢી નાખવાનો રિવાજ હતો. સમયાંતરે સ્ત્રી અને વાળ સાથે ધર્મ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તબીબી જ્ઞાન અને ફેશન ઇન્ડસ્ટ્રી જોડાયા. છુટા વાળ સ્વતંત્રતા અને સ્વચ્છંતાના સંકેત બન્યા. હિન્દી સિનેમાની સીધી ગૃહિણી પણ જયારે કંઇક વિરોધ કરે ત્યારે વાળ છોડી નાખતી હોય અથવા કપાવી નાખતી હોય તેવા દ્રશ્યો કોમન હતા. સ્ત્રીના અલગ અલગ સ્વરૂપને અભિવ્યક્ત કરતા કેશના ચાર મુખ્ય ગુણધર્મો જોઈએ. 1) સ્ત્રીત્વ : સમગ્ર વિશ્વનો ઇતિહાસ કહે છે કે, વાળ સ્ત્રીત્વની નિશાની ગણાય છે. 1940ની ફ્રાન્સની લડાઈમાં કેદી બનેલી સ્ત્રીઓના વાળ સજા તરીકે કઢાવી નાખેલા. સદીઓથી અમુક સમાજમાં વાળ સૌભાગ્યની નિશાની મનાય છે આથી વૈધવ્યની સાથે જ સૌથી પહેલા ફરજિયાતપણે વાળ કઢાવી નખાય છે. 2)ઓળખ : સ્ત્રીના વાળ કેવા છે એના પરથી પણ તેની ઓળખ નક્કી થાય છે. એનું એક અસ્વીકૃત પરિણામ એ પણ છે કે કોઈ કારણસર રોગના કારણે જે સ્ત્રીઓ વાળ ગુમાવી દે છે એનો સ્વીકાર સમાજ માટે પડકારજનક બને છે. 3) મુક્તિનો અહેસાસ : વાળ અને તેની વિવિધ સ્ટાઈલ મુક્તિના સંકેત પણ દર્શાવે છે. 1950માં ચીનના મહિલા સૈનિક અને સમાજવાદી જૂથે ટૂંકા બોબ કટ વાળ પર પસંદગી ઉતારી ત્યારથી એ સાદી હેર સ્ટાઈલ ‘લિબરેશન હેર-ડૂ’તરીકે જાણીતી થઇ. આનાથી લાંબા વાળની માવજતની જફામાંથી મુક્તિ અપાવતા ટૂંકા અને છુટ્ટા વાળ જાણે સ્ત્રી પર આવતી તમામ પાબંદીઓમાંથી મુક્તિ અપાવતા હોય એવી એક માનસિકતાની શરૂ થઇ. meghana joshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...