મૂડ એન્ડ માઇન્ડ:મનનો ભાર હળવો કરવાની રીત

ડો. સ્પંદન ઠાકર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૈત્રી અને વિહાર છેલ્લાં ચાર ‌‌વર્ષથી રિલેશનશિપમાં હતાં. એક નાની વાત પર બંને વચ્ચે ઝઘડો થઇ ગયો. બોલાચાલી ખેંચાઇને બ્રેકઅપ સુધી પહોંચી ગઇ. મૈત્રી ઉપર એની ઊંડી અસર પડી. આખો દિવસ વિચાર્યા કરે. માથું દુખવા લાગે. વિહારની નેગેટિવ વાતો યાદ કરીને એને ફોન કરવાનો પણ મૂડ ન આવે. સમાધાન થાય તેવી કોઇ શક્યતા દેખાય નહીં. મનમાં ગુસ્સો પણ હતો અને દુ:ખ પણ. વિચારવાયુનાં આ બંધનમાંથી મુક્ત થવા માટે મૈત્રીએ સાઇક્યિાટ્રિસ્ટ પાસે જવાનું નક્કી કર્યું. મૈત્રીનો પ્રશ્ન કોઇ ડિસઓર્ડર ન હતો પરંતુ એક સોશિયલ પ્રોબ્લેમ વધુ લાગી રહ્યો હતો. તેના માટે કાઉન્સેલિંગ થેરપી જ પૂરતી હતી. મૈત્રી એકલી જ આવી હતી; તેને જે વ્યક્તિ માટે પ્રોબ્લેમ હતો તેની ગેરહાજરીમાં મૈત્રીને સમજાવવાનું કામ વધુ કપરું હતું. આ માટેની સાઇકો થેરપીને નેરેટિવ સાઇકો થેરપી કહેવાય છે. તેમાં વ્યક્તિ દ્વારા વારંવાર આ ઘટનાને સ્ટોરી તરીકે કહેવડાવાય છે. જેટલી વધુ વિગત સાથે વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે એટલું વધારે તેનું વેન્ટિલેશન થાય છે. આ દરમિયાન ધીરે ધીરે તેને ક્લુ મ‌ળતા જાય જેનાથી વાતનું નિરાકરણ આવી શકે.

નેરેટિવ સાઇકો થેરપીમાં સાઇક્યિાટ્રિસ્ટ નોન-બ્લેમિંગ અને રિસ્પેક્ટ બંને વ્યૂઝનો ઉપયોગ કરે છે. જેથી ક્લાયન્ટ પોતે ડિપ્રેશનમાંથી બહાર આવી શકે. મૈત્રી વાતચીત દરમિયાન ઘણી રિલેક્સ થતી ગઇ. તેને સમજાતું ગયું કે વિહારની બે-ત્રણ બાબતો સિવાય બીજી ઘણીબધી બાબતો સારી જ હતી. તેમની વચ્ચેનાં ચાર વર્ષના સંબંધમાં માણવા જેવી અસંખ્ય યાદો હતી. આટલું વિચાર્યાં પછી મૈત્રીને સમજાયું કે તેમની વચ્ચે જે ઝઘડો થયો તે ખૂબ નાનો હતો. તેને આ સમસ્યાનો ઉપાય પણ સ્પષ્ટપણે દેખાવા લાગ્યો કે પોતાના ઇગોને બાજુમાં રાખીને તેણે વિહારને એક કોલ તો કરી લેવો જોઇએ. વિહાર બોયફ્રેન્ડ બન્યો તે પહેલાં તેનો બેસ્ટ ફ્રેન્ડ પણ હતો.

મૈત્રીનાં મનમાં ઉદ્દભવેલો આ વિચાર નિર્ણાયક બનવામાં બે અઠવાડિયાં જેટલો સમય લાગી ગયો. આ દરમિયાન તેને આવશ્યક સંખ્યામાં કાઉન્સેલિંગ સેશન આપવામાં આ‌વ્યાં. આખરે મૈત્રીએ પોતાના ઇગોને દફનાવી દઇને એક દિવસ વિહારને કોલ કરી દીધો. સામે છેડેથી પણ ખૂબ હકારાત્મક રિસ્પોન્સ મળ્યો. એવું લાગતું હતું કે જાણે વિહાર પણ મૈત્રીના ફોનકોલની પ્રતીક્ષા કરી રહ્યો હતો. નેરેટિવ સાઇકો થેરપી દરમિયાન મૈત્રીએ જે વર્ણન કર્યું એમાં ઘણીબધી બાબતો એવી હતી જે એને સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ માટે મદદ કરી ગઇ. મૂડમંત્ર: પોતાના મનની વાત બીજાની સાથે શેર કરવાથી મન તો હળવું થાય જ છે પણ સાથે સાથે વાતની જટિલતા ઘણી સરળતામાં ફેરવાઇ જાય છે. -drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...