રસથાળ:બોરિંગ સબ્જીને સ્વાદિષ્ટ સંગાથ આપતી પરોઠાંંની વેરાઈટી

24 દિવસ પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

પરિણીતી ચોપરાના ઓલ ટાઇમ ફેવરિટ લચ્છા પરોઠાંં

સુંદર બબલી અભિનેત્રી પરિણીતી ભારતીય ક્યુઝિન આરોગવાની બહુ શોખીન છે. ગરમાગરમ પરોઠાંં સાથે કોઈપણ સ્પાઈસી સબ્જી અને દાલ તેને ખૂબ પસંદ છે

સામગ્રી: ઘઉંનો લોટ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી, ઘી-1 ચમચો, ચોખાનો લોટ-2 ચમચી, તેલ-શેકવા માટે

રીત: લોટમાં મીઠું અને તેલ ઉમેરી પરોઠાંંનો લોટ બાંધો અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપો. એક મોટું પરોઠું વણી તેના ઉપર ઘી લગાવો. થોડો ચોખાનો લોટ ભભરાવો. એક કિનારી પકડી તેનો રોલ વાળી ફરી લૂઓ તૈયાર કરી અને ફરી તેનું પરોઠું વણી લો. ફરી એક વખત અગાઉ કર્યું તેમ ઘી અને ચોખાનો લોટ ભભરાવી ફરી તેનો રોલ વાળી લો. હવે પરોઠાંંને ઘી અથવા તો બટર લગાવી ધીમી આંચ પર બંને બાજુ ગુલાબી રંગના શેકી લો. એક એક પડ ખૂલે તેવા લચ્છા પરોઠાંં તૈયાર છે. મહેમાન આવવાના હોય ત્યારે અગાઉથી લચ્છા પરાઠાં તૈયાર કરીને રાખી શકાય.

કસૂરી મેથી પરોઠાંં

સામગ્રી: ઘઉંનો લોટ-2 કપ, મીઠું-સ્વાદ અનુસાર, તેલ-દોઢ ચમચી, પાણી-જરૂર મુજબ, કસૂરી મેથી-2 ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, ચોખાનો લોટ-2 ચમચી, ઘી-શેકવા માટે

રીત
સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને મોણ ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં સમારેલી કોથમીર, કસૂરી મેથી અને જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠાંંનો મુલાયમ લોટ બાંધી લેવો. તેલ વાળો હાથ કરી લીસો બનાવી ઢાંકીને સાઈડમાં રહેવા દો. ચોખાના લોટનું અટામણ લઈ મનપસંદ આકારના પરોઠાંં વણી ઘી વડે શેકી લો. આ પરોઠાંં કોઈપણ દાલ તડકા સાથે ખૂબ જ સરસ લાગે છે.

કોથમીર અજમા પરોઠાંં

સામગ્રી
ઘઉંનો લોટ-2 કપ, ઘી-2 ચમચી, કોથમીર-અડધો કપ, અજમો-અડધી ચમચી, મરી પાઉડર-અડધી ચમચી, અધકચરો જીરું પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, શેકવા માટે-ઘી અથવા તેલ

રીત
ઘઉંના લોટમાં કોથમીર, અજમો, મરી પાઉડર, જીરું પાઉડર, મોણ અને મીઠું ઉમેરી નરમ લોટ બાંધો. 10 મિનિટ માટે તેને રેસ્ટ આપો. હવે બાંધેલા લોટમાંથી પરોઠું વણી ઘી અથવા તો તેલ વડે શેકી લો. આ પરોઠાંંમાં ચીલી ફ્લેક્સ અને થોડું પનીર પણ ઉમેરી શકો છો. બાળકોને નાસ્તામાં પણ આ પરોઠાંં ખૂબ ભાવશે. કોઇ પણ બોરિંગ શાકનો પણ આ પરોઠું સ્વાદ વધારી દેશે.

લસણિયા પરોઠાંં

સામગ્રી
ઘઉંનો લોટ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-1 ચમચી, પાણી-જરૂર મુજબ, લસણની ચટણી-2 ચમચી, તેલ-પરોઠાં શેકવા માટે

રીત
ઘઉંના લોટમાં મોણ અને મીઠું ઉમેરી લોટ બાંધી લો. દસ મિનિટ સુધી તેને ઢાંકીને સાઈડમાં રહેવા દો. હવે અટામણ લઇ મોટું પરોઠું વણો. તેની અંદર થોડું તેલ લગાવી અને લસણની ચટણી લગાવો. થોડી કોથમીર પણ ભભરાવો. પરોઠાંમાં વચ્ચેથી કાપ મૂકી ફરતો રોલ વાળી પાછું ગોયણું બનાવી લો.
હવે આ લૂઆને અટામણ લઇ ફરી વણી તવા પર બંને બાજુ તેલ મૂકી શેકી લો. સ્વાદિષ્ટ લસણિયા પરોઠાંંને મનપસંદ સબ્જી સાથે પીરસો.

ઓનિયન પરોઠાંં

સામગ્રી
ઘઉંનો લોટ-2 કપ, ડુંગળી-2 નંગ, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, અજમો-પા ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, કોથમીર-2 ચમચી, મીઠું-સ્વાદ અનુસાર

રીત:
સૌ પ્રથમ ઘઉંનો લોટ બે ચમચી મોણ અને નવશેકા પાણી વડે બાંધી લેવો. હવે એક બાઉલમાં લાંબી સમારેલી ડુંગળી લઇ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, જીરું પાઉડર, આમચૂર પાઉડર, અજમો, ઝીણી સમારેલી કોથમીર અને મીઠું ઉમેરી દરેક સામગ્રી બરાબર મિક્સ કરી લો. હવે બાંધેલા લોટમાંથી મોટું પરોઠું વણી લેવું. તેની અંદર ડુંગળીનું તૈયાર કરેલું સ્ટફિંગ થોડું પાથરો. સ્ટફિંગ બહુ વધુ પડતું લેવાનું નથી. પરોઠાંંને ફરી રોલ વાળી પેક કરી લો. હવે અટામણ લઈ હળવા હાથે આ પરોઠાંંને ફરી વણો. નોનસ્ટિક તવા પર ઘી અથવા તો બટર લગાવી તેને શેકી લો. તૈયાર છે ઓનિયન પરોઠાંં.

સત્તુ પરોઠાંં

સામગ્રી
ઘઉંનો લોટ-1 કપ, મીઠું-સ્વાદ અનુસાર, તેલ-મોણ માટે, સત્તુ-1 કપ, ડુંગળી-1 નંગ, સમારેલું લીલું મરચું-1 નંગ, લસણ-5થી 6 કળી, સમારેલી કોથમીર-2 ચમચી, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, કાળા તલ-1 ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી

રીત:

એક કાથરોટમાં સત્તુ પાઉડર, ઘઉંનો લોટ, સમારેલી ડુંગળી, લસણની પેસ્ટ, સમારેલું લીલું મરચું, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, તેલનું મોણ અને બધા મસાલા ઉમેરી હાથ વડે સરસ મિક્સ કરો. કાળા તલ પણ ઉમેરી લેવા. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધીને તૈયાર કરી લેવો. બાંધેલા લોટમાંથી ગરમાગરમ પરોઠાંં તૈયાર કરી લો. કોઈપણ સાદા શાકને પણ આ પરોઠાંં સાથે પીરસવાથી લિજ્જત આવી જશે. સવારે અથવા તો સાંજે ચા સાથે પણ નાસ્તામાં આ પરોઠાંં ખાવાની મજા આવી જશે.

પાલક પરોઠાંં

​​​​​​​સામગ્રી
ઘઉંનો લોટ-2 કપ, ઝીણી સમારેલી પાલક-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, શેકેલા જીરાનો પાઉડર-1 ચમચી, તેલ-મોણ માટે

રીત
સૌપ્રથમ લોટને ચાળી તેમાં મીઠું અને મોણ નાખી હાથ વડે સરસ હલાવો. ઝીણી સમારેલી પાલક અને જીરું પાઉડર ઉમેરી નવશેકા પાણી વડે નરમ લોટ બાંધી દો. બાંધેલા લોટમાંથી પરોઠાંં વણી ધીમા તાપે બંને બાજુ શેકી લો. સબ્જી કે દાળ સાથે ગરમાગરમ પાલક પરોઠાંં પીરસો.

અન્ય સમાચારો પણ છે...