રસથાળ:ઉત્તરાયણનો અનોખો ફૂડ ફેસ્ટિવલ

24 દિવસ પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

ઉત્તરાયણ એટલે મિત્રો અને પરિવારજનો સાથે મળીને ઉજવવાનો તહેવાર. આ દિવસે સ્વાદિષ્ટ વાનગીઓની લહેજત માણવા મળે તો ઉત્સવનો આનંદ બમણો થઇ જાય.

બદામ ક્રેનબેરી ચિક્કી
સામગ્રી : બદામના ટુકડા-1 કપ, ડ્રાય ક્રેનબેરીના ટુકડા-અડધો કપ, ખાંડ-1 કપ
રીત : બદામ અને ક્રેનબેરીના ટુકડા તૈયાર રાખો. જ્યાં ચિક્કી પાથરવાની છે તે જગ્યાને ચોખ્ખી કરી ઘી લગાવી તૈયાર રાખો. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં ખાંડને ધીમી આંચ પર સતત હલાવતા રહો અને ઓગાળો. ખાંડ ઓગળીને બદામી રંગની થવા લાગે એટલે બદામ અને ક્રેનબેરીના ટુકડા ઉમેરી ભેળવી લો. તરત જ મિશ્રણને ઘી લગાવેલી જગ્યા પર ઠાલવીને ઘી લગાવેલા વેલણની મદદથી વણી લો. તરત કાપા કરી અને ઠંડી થવા દો. ઠંડી થઈ જાય એટલે ટુકડા કરી લો. હવાચુસ્ત ડબ્બામાં ભરો અને મન થાય ત્યારે સ્વાદ માણો.

ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો
સામગ્રી : ચણાની દાળ-1 કપ, તુવેરની દાળ-1 કપ, ઘઉંના ફાડા-1 કપ, મગની દાળ-1 કપ, ચોખ2 કપ, લીલાં વટાણા-અડધો કપ, લીલી તુવેરના દાણા-1 કપ, અડદની દાળ- 1કપ, સમારેલી કોથમીર-પા કપ, ઘી અથવા તેલ-4 ચમચી, તજ-1 ટૂકડો, લવિંગ-2 નંગ, તમાલપત્ર-1 નંગ, કાજુ-બદામ ટૂકડા-4 ચમચી, સીંગદાણા-20થી 25 દાણા, મરી પાઉડર-પા ચમચી, લીલાં મરચાની પેસ્ટ-1 ચમચી, આદું પેસ્ટ-પા ચમચી, જાયફળ પાઉડર-પા ચમચી, ઈલાયચી પાઉડર-પા ચમચી, વરિયાળી-પા ચમચી, કાશ્મીરી લાલ મરચું-2 ચમચી

ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ અડધો પોણો કલાક ગરમ પાણીમાં પલાળી રાખવી. મગની દાળ અને ચોખા પણ પલાળી રાખો. બધી દાળ મિક્સ કરી બાફી લેવી. ઘઉંના ફાડા પણ બાફી લેવા. લીલા વટાણા અને તુવેરને પણ કૂકરમાં એક સીટી વગાડી બાફી લો. સીંગદાણાને શેકીને ફોતરા કાઢી લો. હવે એક કડાઈમાં ઘી કે તેલ લઈ વઘારની બધી સામગ્રી મૂકો. પાંચ મિનિટ જેવું શેકાવા દો. તેમાં કાશ્મીરી લાલ મરચું અને બાફેલી સામગ્રી ઉમેરો. આદુ-મરચાની પેસ્ટ, જાયફળ પાઉડર, ઈલાયચી પાઉડર, વરિયાળી અને સીંગદાણા ઉમેરી દો. બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરી રેડો અને દસ બાર મિનિટ ખદખદવા દો. લચકા પડતો ખીચડો સમારેલી કોથમીર ભભરાવીને પાપડ સાથે સર્વ કરો.

ઊંધિયું
સામગ્રી : મૂઠિયાં બનાવવા માટે: ઝીણી સમારેલી મેથી-1 કપ, ચણાનો લોટ-પોણો કપ, ઘઉંનો કરકરો લોટ-પા કપ, આદુ- મરચાની પેસ્ટ-2 ચમચી, હિંગ-પા ચમચી, ખાંડ-1 ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, હળદર-પા ચમચી, પાણી-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે
ઊંધિયા માટે શાક અને અન્ય સામગ્રી:
બટાકા-3 નંગ, રીંગણ-2 નંગ, શક્કરિયા-2 નંગ, રતાળુ-નાનો ટૂકડો, ફ્લાવર-1 કપ, કાચા કેળા-1 નંગ, મિક્સ પાપડી-1 કપ, લીલી તુવેરના દાણા-અડધો કપ, લીલા વટાણા-અડધો કપ, ઝીણું સમારેલું લીલું લસણ-પા કપ, સમારેલા લીલાં મરચા-2 નંગ, સમારેલી કોથમીર-પા કપ, ટામેટા-2 નંગ, તેલ-4 ચમચા, અજમો-પા ચમચી, હિંગ-પા ચમચી, તજ-નાનો ટૂકડો, લવિંગ-4થી 5, સૂકાં લાલ મરચાં-2 નંગ, તમાલપત્ર-2 પત્તા, મોટા એલચા-2 નંગ, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-3 ચમચી, ખાંડ-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી-જરૂર મુજબ

રીત : ઊંધિયું બનાવવા માટે સૌ પ્રથમ મેથી ધોઈ નિતારી ઝીણી સમારી લેવી. કોથમીર તથા લીલું લસણ પણ સમારી લેવું. ઊંધિયાંના દરેક શાકને અલગ અલગ સમારી ધોઈ તૈયાર કરી લો. હવે મૂઠિયાં બનાવવા માટે એક વાસણમાં મેથી, કોથમીર, આદુ-મરચાની પેસ્ટ, ખાંડ, હિંગ, અજમો, બેકિંગ સોડા, હળદર, લીંબુનો રસ, તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હાથ વડે મિક્સ કરી લો. હવે તેમાં ચણાનો લોટ, ઘઉંનો કરકરો લોટ ચાળીને મિક્સ કરો અને થોડો થોડો પાણીનો છંટકાવ કરતા જાઓ અને મૂઠિયાં બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા મૂઠિયાં મધ્યમ તાપે તળી લો. હવે બટેકા, શક્કરિયા, રતાળુ અને ફલાવરને તળી લેવા. મિક્સ દાણાને કૂકરમાં બે સિટી વગાડી બાફી લો. એક મોટી કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે ખડા મસાલા વઘારમાં મૂકો. ત્યારબાદ આદુ-મરચાની પેસ્ટ, સમારેલા રીંગણ, પાપડી અને ટામેટા ઉમેરી સાંતળો. સ્વાદ મુજબ મીઠું, હળદળ, લાલ મરચું અને ગરમ મસાલો એડ કરો. થોડું તેલ છૂટું પડે એટલે તળેલા શાક, બાફેલા દાણા અને કાચા કેળાના ટૂકડા મિક્સ કરો. જરૂર મુજબ પાણી રેડી ઢાંકીને દસ મિનિટ ચડવા દો. બધું શાક સરસ ચડી જાય એટલે તળેલાં મૂઠિયાં મિક્સ કરી ગેસ બંધ કરી દો. સમારેલી કોથમીર અને લીલું લસણ ભભરાવી ગરમાગરમ ઊંધિયાની મજા માણો.

પાન રબડી વિથ જલેબી
રબડી માટે: દૂધ-1 લિટર, ગુલકંદ-2 ચમચી, ખાંડ-4 ચમચી, મિલ્ક પાઉડર-2 ચમચી,ડ્રાયફ્રૂટ પાઉડર-2 ચમચી, નાગરવેલનાં પાન-5 નંગ, કાજૂ,પિસ્તા, બદામની કતરણ-4 ચમચી
જલેબી માટે: મેંદો-1 કપ, ઈનો-1 ચમચી, ઘી-1 ચમચી, પાણી-જરુર મુજબ, ચાસણી માટે: ખાંડ-1 કપ, પાણી-પોણો કપ, કેસર-8થી 10 તાંતણા

​​​​​​​રીત : સૌ પ્રથમ ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ પર એક તારની ચાસણી કરો. તેમાં કેસરના તાંતણા મિક્સ કરી દો. હવે એક બાઉલમાં જલેબી બનાવવાની સામગ્રી લો. થોડું થોડું પાણી રેડતા જાઓ અને મીડીયમ થીક બેટર તૈયાર કરો. ઘી ગરમ થાય એટલે જલેબી પાડી દો. તૈયાર થયેલ જલેબીને ચાસણીમાં થોડીવાર ડૂબાડી રાખો. ત્યારબાદ જલેબીને ચાસણીમાંથી બહાર કાઢી સાઈડ પાર રાખી દો. હવે રબડી બનાવવા માટે દૂધ ગરમ કરો. દૂધનો એક ઊભરો આવે એટલે ફ્લેમ સ્લો કરી તેની ઉપર વળતી મલાઈને સાઈડમાં ભેગી કરતા જાઓ. દૂધ એક લિટરમાંથી અડધો લિટર થાય એટલે ખાંડ અને ગુલકંદ મિક્સ કરો. બે ચમચી દૂધમાં ઓગાળેલો મિલ્ક પાઉડર અને ડ્રાયફ્રૂટ પાઉડર મિક્સ કરો. નાગરવેલનાં પાનની પેસ્ટ બનાવી તેને તરત જ એડ કરો. દસ મિનિટ ધીમા ગેસ પર થવા દો. પાન રબડીને ડ્રાયફ્રૂટ કતરણથી સજાવી સાઈડમાં જલેબી સાથે સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...