વિવાહપ્રસંગ માત્ર દુલ્હા અને દુલ્હન માટે જ નહીં પણ એમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને અનોખો અનુભવ કરાવતો પ્રસંગ સાબિત થાય છે. આ એક સુખદ અનુભવ કરાવતો પ્રસંગ છે. જે ઘરમાં લગ્ન ચાલી રહ્યા હોય ત્યાં પરિવારજનોની એકબીજા સાથે મુલાકાત થાય છે. આ પ્રસંગ પછી પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થવાની સુખદ ક્ષણ આવે છે. જે પરિવારજનો સાથે લાંબા સમયથી સંપર્ક ન થઇ શક્યો હોય તેમને રૂબરૂ મળવાની તક મળે છે. ભાઇ-બહેનો તેમજ તેમનાં બાળકોને મળવાની મળે છે અને આ બાળકો એકબીજા સાથે સમય પસાર કરે છે જેના કારણે તેમની વચ્ચે ખાસ બોન્ડ રચાઇ શકે છે. લગ્ન જેવા પ્રસંગમાં જ તમારા પરિવારજનોના અંગદ અને પ્રોફેશનલ જીવનમાં શું ચાલી રહ્યું છે એ જોવાની અને સમજવાની તક મળે છે. ઘરનાં બધાં બાળકોને એકસાથે મન ભરીને જોઇ લેવાની અને તેમનો સાથ માણવાની તક આવા પ્રસંગો જ આપે છે. આ પ્રસંગમાં કોઇ નિકટના સ્વજનને બીમારી સામે લડતાં જોઇને દિલ તૂટી જાય છે કારણકે ફોન પર ભાગ્યે જ કોઇ સાચું બોલતું હોય છે. બાળપણના પ્રસંગો યાદ કરતાં કરતાં અથવા તો કોઇના લગ્ન પ્રસંગમાં બનેલી કોઇ વિચિત્ર ઘટનાને યાદ કરીને હસતાંહસતાં ક્યારે લગ્નની લગ્નની વિધિ સંપન્ન થઇ જાય છે એ ખબર નથી પડતી. લગ્નનો પ્રસંગ પૂરો થઇ જાય એ પછી બધા એક જ વાત કરતા હોય છે, ‘નેકસ્ટ ટાઈમ લગ્નમાં આવજો ત્યારે પૂરતો સમય લઇને આવજો. આ વખતે તો વધારે વાત જ શક્ય નથી બની.’ હકીકત એ છે કે ગમે તેટલો સમય મળી જાય પણ એકબીજા સાથે ગાળેલો સમય ઓછો જ પડે છે. જ્યારે પરિવારના બધા સભ્યો એક જ છત નીચે ભેગા થાય છે ત્યારે પરિવારના વડીલોને એ જોઇને હૈયે ગજબની ટાઢકનો અહેસાસ થાય છે. આમ, બધાને જોડવાનું મહાકાર્ય કરતો લગ્નનો પ્રસંગ આમ તો પહેલી નજરે સાધારણ લાગે છે કે પણ હકીકતમાં ગજબનું અસાધારણ હોય છે. જે વ્યક્તિ લગ્નમાં હાજરી ન આપી શકી હોય તેને એ વાતનો અહેસાસ હોય જ છે કે તેણે પરિવારને મળવાની કેટલી મોટી તક ગુમાવી દીધી છે. એ વ્યક્તિ લગ્નમાં હાજરી આપી ન શકવાના હજાર બહાનાં ગણાવે પણ દિલની અંદર તો હાજર ન રહી શકવાનો ભારોભાર રંજ હોય છે. કોઇનું જેકેટ, કોઇની શાલ, કોઇનો દુપટ્ટો કે પછી કોઇની સાડીને માગીને કે પછી જિદ કરીને પહેરવાની જે મજા છે એ અત્યંત અનોખી મજા છે. ઘરમાં ચાલતાં-ચાલતાં પરિવારના કોઇ બાળકને જમાડી દેવું કે પછી બાળકોની ડિમાન્ડને પૂરી કરવા માટે પર્સ અને દિલ ખોલીને ખર્ચ કરવો કે પછી પરિવારને વહેલી સવારે એક છત નીચે આરામની નીંદ્રા માણતો જોવો... આ એવા અનુભવ છે જે આખું જીવન દિલમાં કંડારાયેલા રહે છે. લગ્નો ખરેખર મુબારક હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.