તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:ભારતીય મૂળનાં વનિતા ગુપ્તાએ અમેરિકામાં મેળવી અનોખી સિદ્ધિ

મીતા શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલા અમેરિકાની સંસદે અસોસિએટ એટર્ની જનરલના પદ માટે ભારતીય મૂળની અમેરિકી વનિતા ગુપ્તાનાં નામની પુષ્ટિ કરી છે. વનિતા હવે એવા પહેલા વ્યક્તિ બન્યા છે જે અમેરિકાનાં ન્યાય મંત્રાલયમાં ત્રીજા સૌથી મોટા પદે વિરાજમાન થયા છે. વનિતા ગુપ્તા એવા પહેલા નાગરિક અધિકાર વકીલ પણ છે, જે ન્યાય મંત્રાલયના ટોચનાં ત્રણ પદોમાંથી એક પર સેવા આપશે. અમેરિકન સેનેટમાં ગુપ્તાના વનિતાના પક્ષમાં 51 મત પડ્યા, જ્યારે 49 સંસદસભ્યોએ તેમની સામે મતદાન કર્યું હતું. વનિતાની પસંદગી પછી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે ‘અસોસિએટ એટર્ની જનરલ તરીકે સેવા આપવા માટે પહેલી અશ્વેત મહિલાના રૂપે ઇતિહાસ રચવા માટે વનિતા ગુપ્તાને અભિનંદન.’ Â ભારતીય મૂળ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભારતીય ઇમિગ્રન્ટ દંપતિ રાજીવ એલ. ગુપ્તા અને કમલાદેવીના પરિવારમાં 15 નવેમ્બર, 1974ના દિવસે વનિતાનો જન્મ થયો હતો. તેમણે યેલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી છે. આ પછી તેમણે 2001માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીની ‘સ્કૂલ ઓફ લો’માંથી પણ ડિગ્રી મેળવી છે. તેમણે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની લીગલ એઇડ સોસાયટીના ડિરેક્ટર ચિન્હ ક્યૂ. લી સાથે લગ્ન કર્યા છે અને આ દંપતિને બે સંતાનો છે. તેમનું અંગત જીવન કોઇ પ્રકારના વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે. Â ઝળહળતી કરિયર 2001માં ન્યૂ યોર્ક યુનિવર્સટીની ‘સ્કૂલ ઓફ લો’માંથી ડિગ્રી મેળવ્યા બાદ વનિતાએ પોતાની લીગલ કરિયરની શરૂઆત NAACPના લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ વિભાગથી કરી હતી. અહીં તેમને ટેક્સાસના એક ડ્રગ કેસથી દેશવ્યાપી પ્રસિદ્ધિ મળી હતી. હકીકતમાં 2003માં ટેક્સાસના ટ્યુલિયા ખાતે 35 જેટલી વ્યક્તિઓની ગેરકાયદેસર રીતે ડ્રગને સંબંધિત પ્રવૃત્તિઓ કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ ‘બ્લેક’ હતી. વનિતાએ સાબિત કરી દીધું હતું કે આ તમામ આરોપીઓ નિર્દોષ હતા અને તેમને નાર્કોટિક્સ એજન્ટ ટોમ કોલમેન દ્વારા ફસાવવામાં આવ્યા હતા. વનિતાનાં ધારદાર ઇન્વેસ્ટિગેશનના કારણે ટેક્સાસના ગવર્નરને આ આરોપીનો નિર્દોષ છોડવાની ફરજ પડી હતી. આ કેસને કારણે વનિતા ગુપ્તાનું નામ અમેરિકાની કાયદા આલમમાં જાણીતું બન્યું હતું. થોડા સમય પછી વિનિતાએ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU)ના સ્ટાફ એટર્ની તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીં તેઓ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, વકીલો, સ્ટેક હોલ્ડર્સ અને અધિકારીઓ વચ્ચે કડીરૂપ બનીને અમેરિકાના ન્યાયતંત્રને વધારે મજબૂત અને અસરકારક રીતે કામ કરવામા મદદ કરતાં હતાં. વનિતાએ પછી ACLUનાં સેન્ટર ઓફ જસ્ટિસના ડેપ્યુટી લીગલ ડિરેક્ટર અને ડિરેક્ટર તરીકે પણ જવાબદારી સંભાળી છે. Â મોભાદાર સ્થાન 2014માં તત્કાલીન પ્રેસિડન્ટ બરાક ઓબામા દ્વારા વનિતાની પસંદગી એક્ટિંગ અસિસ્ટન્ટ એટર્ની જનરલ તરીકે કરવામાં આવી હતી. તેમને અમેરિકન ન્યાયતંત્રના સિવિલ રાઇટ્સ ડિવિઝનના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ઓબામા એડિમિનિસ્ટ્રેશનમાં કામ કરતી વખતે વનિતાએ હ્યુમન ટ્રાફિકિંગ અને હેઇટ ક્રાઇમનાં ક્ષેત્રમાં તેમજ LGBTQIના અધિકારો મામલે નોંધપાત્ર કામ કર્યું છે. અત્યાર સુધી તેઓ અમેરિકાની સૌથી જૂની વ્યવસ્થા ‘ધ લિડરશીપ કોન્ફરન્સ ઓફ સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સ’ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નોંધપાત્ર જવાબદારી નિભાવી રહ્યાં હતાં અને હવે અસોસિએટ એટર્ની જનરલ તરીકે કામ કરવા સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...