તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:છ મહિના વાપરેલો ટુવાલ બીજા છ મહિના ‘પોતાં’ તરીકે જીવે...

જિગીષા ત્રિવેદી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘પોતું અને મહોતું...આ બે તો મારે ઘેર કોઈ દિવસે ખૂટે જ નંઇ. અમુક વસ્તુ તો જગતમાં એવી છે ને કે ખરીદવાની જ ના હોય. ’

"શું હટાણું કરી આઇવા?’ સવિતાકાકીએ રેખાબહેનને હાથમાં થેલી સાથે જોઈને ટહુકો કર્યો. ‘હેં?’ ‘સોપિંગે જઈ આયા? એમ પૂછું છું.’ સવિતાકાકીએ સ્પષ્ટતા કરી.. ‘હા...આ જુઓને વાઈપ્સ લઈ આઇ પ્લેટફોર્મ સાફ કરવા...ને બે તૈણ પોતાં. રસોડામાં હાથ લૂછવાના નેપ્કિન પતી ગયા’તા, તે એ ય લેતી આઈ બે-ચાર.’ રેખાબહેને થોડા અભિમાન સાથે કહ્યું કે ત્યાં તો સવિતાકાકી લગભગ તૂટી જ પડ્યાં, ‘અરે રે...તમારો તો સ્ત્રી તરીકેનો જનમ જ નકામો ગયો. કંઇ સરમ-બરમ જેવું છે કે નઇ અલા તમને? તમે હાવ આવું કરસો એવી આસા નો’તી હોં!’ ‘મને તો લાગે છે, આમણે બુદ્ધિનાં નામનું નાહી જ નાખ્યંુ’લા...!’ કલાકાકીએ ય સહકાર આપતાં આગળ ચલાવ્યું,‘વાઈપર-બાઈપર તે કંઇ લવાતા હસે યાર! જૂના ફાટેલાં મોજાંથી પંખા પ્લેટફોર્મ સાફ કરવાનું થઇ જાય!’ ‘અને એક બાબતમાં તો તમે હદ જ કરી નાખી. કંઇ નઇ, કંઇ નઇ ને પોતું ખરીદીને લાયાં? પોતું?’ સવિતાકાકીએ ઝાટકી નાખ્યાં રેખાબહેનને. ‘તે પણ જૂના ટુવાલો નથી? કે પછી એનું અથાણું નાખો છો?’ ‘તે નંઇ જ હોય ને! તેમાં જ તો આ દા’ડો જોવાનો આયો!’ હંસામાસી ય જોડાયાં. ‘તમને ખબર છે કે છ મહિના વાપરેલો ટુવાલ બીજા છ મહિના ‘પોતાં’ તરીકે જીવે.’ સવિતાકાકી લાંબા હાથ કરીકરીને મંડી પડ્યાં, ‘અરે, એના તો વળી બે ભાગ થાય. એટલે એમ ગણો ને કે બીજું આખું વરસ નીકળી જાય અને ત્યાં હુંધીમાં તો બીજા બે ટુવાલ પોતું થવાં તત્પર બેઠા હોય. ઘરમાં બે-તૈણ જણ તો હોય જ એટલે બે-તૈણ વરસે તો તમે ‘પોતાં’ને પહેરામણીમાં આપી હકો એટલો સ્ટોક થઇ જાય!’ ‘હેં?’ મારાથી અજાણપણે જ પ્રતિભાવ અપાઈ ગયો એટલે ત્રાંસી આંખે મને જોઈને કહે, ‘એકજેટ હું બોલું એ જ નંઇ હમજવાનું. એની પાછળનો ભાવ હમજવાનો. તાર કોમર્સ હતું ને તો લે... તારી ભાસામાં હમજાઉં તને, હું એમ કહું છું કે ‘ફીફો પદ્ધતિ’એ (ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ) ‘પોતાં’નો બિઝનેસ ચાલુ કરી હકો એટલો સ્ટોક થઇ જાય.’ ‘પોતું અને મહોતું...આ બે તો મારે ઘેર કોઈ દિવસે ખૂટે જ નંઇ. અમુક વસ્તુ તો જગતમાં એવી છે ને કે ખરીદવાની જ ના હોય. એમનેમ ઘેર જ આપોઆપ બની જાય.’ હંસામાસીએ ય ગૌરવ સાથે કહ્યું. ‘સાચી વાત છે. જો, આપડી જોડે કોટન હાડલો હોય તો એનાં નઇ નઇ તો ય પાંચ મહોતાં તો થાય થાય ને થાય જ... એમાંથી એક વાસણ લૂછવાનું કપડું બનાવવાનું, એક રસોડાનું કપડું, એક ઝાપટિયું ને બાકીનાં બે જ્યારે ગેસ્ટો આવે ત્યારે દૂધપાક ને કઢીનાં તપેલાં ઊંચકવા કામ લાગે. હવે તમે વિચારો જરા કે આપડે તો આવી કેટલીય હાડીયું ને ઢગલાબંધ ટુવાલ હોય અને એનો જો સદુપયોગ કરીએ તો લગન પ્રસંગે પોતાં-મહોતાંનો કોન્ટ્રાક્ટ લઇને ઢગલો કમાણી કરી હકીએ!’ ‘આ કુર્તીઓ ને જ્વેલરીઓના બિઝનેસમાં પડાય જ નઇ. એમાં તો બધા એક બે વાર ખરીદે. બીજું કો’ક આનો જ બિજનેસ કરતું હોય તે એની જોડેથી પણ લે પણ જ્યારે આવો અનોખો બિજનેસ તો મારા જેવા કોક બુદ્ધિશાળી લોકો જ કરતા હોય એટલે ધંધો ધમધોકાર ચાલે. વળી, આ તો એક-બે પ્રસંગમાં જ કામ લાગે, પછી તો એનાં લીરેલીરાં ઊડી ગયા હોય એટલે વળી પાછા નવા જ પોતાં મહોતાં જોઈએ...હમજ્યાં! ખાલી આપડે કેટરિંગવાળા જોડે કોન્ટ્રાક્ટ કરી લેવાનો. ઘેર બેઠા વગર ઇન્વેસ્ટમેન્ટથી ફુલ કમાણી થાય તમારે...’ પછી રેખાબહેનને ઉદ્દેશીને શિખામણ આપી, ‘જો રેખાબહેન, હવે આવું બુદ્ધિ વગરનું કામ ન કરતા અને જો કોઈ કરતું હોય તો એને રોકજો અને એની પાસે આપડા બિઝનેસમાં પાર્ટનરશિપની પ્રપોઝલ મૂકજો. હવે તો ધંધો ચાલુ કર્યા ભેગો એકસપાન્ડ કરવો છે. અરે, શહેરની વચ્ચોવચ આપડી દુકાન ‘સવિતાબહેન પોતાં મહોતાવાળા’ હશે. મારાં પોતાંં મહોતાંનું મસ્ત પેકિંગ કરીને ફોરેન એક્સપોર્ટ ના કરું ને, તો મારું નામ સવિતા નઇ!’ ભવિષ્યમાં આમની પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આઇ. પી. ઓ. બહાર પડે તો નવાઈ નહી હોં! આ ચર્ચાનો તો અંત આવે એમ નહોતો એટલે હું તો ચૂપચાપ ઘરે આવવા માટે નીકળી ગઇ.

અન્ય સમાચારો પણ છે...