સંબંધનાં ફૂલ:એક નાનકડો અહેસાસ...

રચના સમંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

એ દિવસે ઘણાં કામ હતાં. ક્યું કામ કેવી રીતે અને ક્યારે થશે એનો કોઇ તાળો નહોતો મળી રહ્યો. તમારા ભાગનું કામ તો તમે કરી શકો છો પણ બીજાના ભાગનું કામ તો તેણે જ કરવું પડશે. તહેવારનો સમયગાળો હતો અને એરપોર્ટ પર પોતાનો સામાન ખેંચીને લઇ જતી વખતે વ્યક્તિત્વ જાણે યંત્ર બની ગયું હોય એવો અહેસાસ થઇ રહ્યો હતો. આ સમયે એક ખાસ સુગંધે વ્યક્તિત્વને જાણે ઘેરી લીધું અને એના કારણે યંત્રમાં જીવ આવી ગયો એમ લાગ્યું. કોફીની સુવાસે મનને તાજગીથી ભરી લીધું. કેટલો સમય છે અને કેટલો સમય નથી એનો હિસાબ પડતો મૂકીને પહેલાં એક કપ કોફી પી લીધી. કોફીના એક ઘૂંટે જ અહેસાસ કરાવી દીધો કે બધી દોડાદોડી વચ્ચે જાતની શોધ કરવી પણ જરૂરી છે. જાત સાથે ગાળેલી થોડી ક્ષણો માનસિક શાંતની સાથે સાથે ગૂગલની ભૂતપૂર્વ કરિયર ડેવલપમેન્ટ મેનેજર જીન બ્લેકના અનુભવો અને સલાહને જાણ્યા પછી આ ઘટના વધારે સારી રીતે સમજમાં આવી ગઇ. જીનનું કહેવું છે કે જીવનની દોડાદોડી અને વ્યસ્તતા ક્યારેય ઓછી નથી થવાની તો પછી એનાથી ગભરાઇને શું કામ અકળાઇ જવું? હેતુ તો એ જ છે ને કે આપણે ખુશીપૂર્વક રોજબરોજના કામ આટોપી શકીએ. આવું કરી શકાય એ માટે શું કરવાનું છે...માત્ર વધારે કામને લીધે અનુભવાતો થાક કે કન્ફ્યુઝન દૂર કરીને મનનું સંતુલન જ સાધવાનું છે. આ વાતને સારી રીતે સમજવાની જરૂર છે કારણ કે આ રીતે જ તમે જીવનપથી સમસ્યાઓ દૂર કરીને નાના-નાના સુખને શોધી શકશો. આ સમગ્ર વાતને સુક્ષ્મ રીતે સમજીએ તો તમને તમારા અસ્તિત્વ પર માનની લાગણીનો અહેસાસ થશે. જ્યારે જીવનમાં આગળ વધવું હોય તો પરિસ્થિતિ, વિચારો અથવા તો કામનું દબાણ રસ્તા પર અવરોધ ઉભો કરે છે ત્યારે જાતને સમજવાનો પ્રયાસ કે પછી નાનકડું સ્મિત ભારે રાહતનો અહેસાસ કરાવે છે. આ રાહત માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે એ માટે બહુ જરૂરી છે. આ પરિવર્તન માટે બીજા કોઇની રાહ શું કામ જોવાની? થાક આપણો, સમસ્યા આપણી તો પણ ઉકેલ પણ આપણે જ શોધવાનો છે. તમારે તમારી જાતને થોડી ક્ષણો માટે રાહત આપવી હોય એ કઇ રીતે આપી શકાય એ તમને જ વધારે ખબર હોય છે. બીજું કોઇ મદદ કરે એ કરતા તમે જ વધારે મદદ કરી શકો છો અને એ અત્યંત જરૂરી પણ છે. આપણે જ આપણી ખુશી ગોતી લઇએ, એને સ્મિત કરીને આવકારીએ અને પછી ચાલી નીકળીએ જીવનના રોજિંદા પથ પર...

અન્ય સમાચારો પણ છે...