મીઠી મૂંઝવણ:સેક્સલેસ મેરેજને કારણે હતાશા અનુભવાય છે...!

એક મહિનો પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 35 વર્ષની મહિલા છું. મારા લગ્નને 10 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. મારા લગ્નજીવનના પહેલાં આઠ વર્ષ બહુ જ સરસ ગયા છે પણ છેલ્લા બે વર્ષથી એમાં સમસ્યા સર્જાઇ છે. મારા કરતાં મારા પતિ પાંચ વર્ષ મોટા છે અને તેમનો જાતીય જીવનમાંથી ક્રમશ રસ ઓછો થઇ રહ્યો છે. મારા પતિ તેમનાં કામમાં બહુ વ્યસ્ત રહેતા હોવાના કારણે હું છેલ્લાં છ મહિનાથી સેક્સલેસ મેરેજનો સામનો કરી રહી છું. આના કારણે મને બહુ હતાશા અનુભવાય છે. મારે શું કરવું જોઇએ?
એક મહિલા (અમદાવાદ)
ઉત્તર :
જો તમે સેક્સલેસ મેરેજમાં છો તો તમને નોર્મલ સેક્સ લાઈફ માટે વધારે મહેનત કરવી પડશે. સેક્સલેસ મેરેજના ત્રણ મુખ્ય કારણ માને છે, જેમાંથી સૌથી મુખ્ય કારણ છે સમયનો અભાવ, મોટાભાગે વર્કિંગ કપલ પાસે સમય જ નથી હતો જેના કારણે તેઓ પોતાની સેક્સ લાઈફને એન્જોય નથી કરી શકતા. તેઓ પોતાની કરિયરમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમના જીવનમાંથી સેક્સ ગાયબ થવા લાગે છે અને આગળ જતા આ સ્થિતિ મેડિકલ કન્ડિશનમાં બદલાઈ જાય છે. જો કપલમાંથી એક વ્યક્તિ પણ અત્યંત વ્યસ્ત રહેતી હોય તો પણ આવી સમસ્યા સર્જાય છે.
સારા જાતીય જીવનને માણવા માટે સમય, મૂડ, નવરાશ, માહોલની જરૂર હોય છે જે આજના કપલ્સની પાસે નથી. તેઓ પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહે છે જેનાથી તેમના સંબંધોમાં સેક્સ ન કરવાની પેટર્ન પેદા થઈ જાય છે અને તેમને અહેસાસ પણ નથી થતો. જ્યારે એક પાર્ટનરનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હોય છે તો તે પોતાની મેરિડ લાઈફ પર ધ્યાન નથી આપતો અને બીજો પાર્ટનર ન ઈચ્છતા હોવા છતાં પણ સેક્સલેસ મેરેજનો સામનો કરે છે. આવી સ્થિતિમાં એક પાર્ટનરને નુકસાન વધારે થાય છે કેમ કે બીજાની જરૂરિયાત ઘરની બહાર પૂરી થઈ જાય છે. આ સ્થિતિ વધારે ખરાબ હોય છે કેમ કે રહસ્ય ખુલવા પર વિશ્વાસ તૂટે છે અને સંબંધ પણ.
આવું ન થાય ત્યારે ફોન અથવા સોશિયલ સાઈટ્સ પર વધારે સમય પસાર કરવાની જગ્યાએ ટાઈમ પાર્ટનરને આપી શકાય છે. જો તમે રાત્રે થાકી ગયા હો તો સવારે વહેલા ઊઠીને સેક્સનું પ્લાનિંગ કરી શકાય છે. જો તમે આખા સપ્તાહમાં વ્યસ્ત છો તો વીકેન્ડમાં સેક્સ માટે સમય કાઢી શકો છો. મહિનામાં એક વીકેન્ડ ટ્રિપ પ્લાન કરી શકાય છે, જ્યાં કોઈ તમને ડિસ્ટર્બ ન કરે અને તમે એક-બીજાને સમય આપી શકો. જો તમે એક બે વર્ષથી સેક્સલેસ મેરેજમાં છો તો કાઉન્સિલર અથવા ડોક્ટરની હેલ્પ જરૂરથી લો, નહીં તો તમારા સંબંધમાંથી સેક્સ ગાયબ થઈ જશે.
પ્રશ્ન : હું 19 વર્ષની યુવતી છું. હું આવતા અઠવાડિયે પહેલી વખત ડેટ પર જવાની છું. મારે ડેટ પર જતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ?
એક યુવતી (વડોદરા)
ઉત્તર :
જો તમે ડેટ પછી સામેવાળી વ્યક્તિના મન પર ઊંડી છાપ છોડવા ઇચ્છતા હો તો કેટલાક ખાસ મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઇએ કારણ કે જો પહેલી ડેટમાં મજા ન આવે તો કદાચ એ તમારી છેલ્લી મુલાકાત પણ બની શકે. સારી છાપ ઊભી કરવામાં વ્યક્તિની સુગંધ મોટો ભાગ ભજવે છે. તમારા વસ્ત્રો કે વાતો જે ન કરી શકે એ તમારી ફ્રેગરન્સ જરૂર કરી શકે છે. કોઈ પણ છોકરો એવો નહીં હોય જેને સારી સુગંધ આકર્ષિત ન કરતી હોય. યાદ રાખો કે ડેટ વખતે સામેના પાત્રને મોહિત કરવા માટે માત્ર તમારું સ્મિત પૂરતું છે. જરૂર પડે ત્યારે તમારા સ્વીટ સ્માઈલનો જાદુ ચલાવતા રહો.
હકીકતમાં દરેક વ્યક્તિને ગમે છે કે કોઈ એમને સાંભળે અને એ માટે તમારે ડેટ પર એક સારા શ્રોતા બનવું જોઈએ. જ્યારે એ કંઈ બોલે ત્યારે એની સામે જુઓ અને એની વાતને ધ્યાનથી સાંભળો. જો તમે આટલું કરી શકો તો સમજો તમે એમને અડધા જીતી લીધા. તમે નાનું અને નિર્દોષ ફ્લર્ટિંગ કરીને આકર્ષણની લાગણી જાળવી શકો છો. જોકે વધારે પડતું ફ્લર્ટિંગ ન થઇ જાય એ વાતની કાળજી રાખો કારણ કે એનાથી નકારાત્મક ઇમેજ ઊભી થઇ શકે છે. ડેટ પર તમારે સારી વસ્તુની પ્રશંસા કરવાનું ચૂકવું ન જોઈએ. એનો અર્થ એ નથી કે તમે તમારી ડેટ દરમિયાન પ્રશંસાના પુલ બાંધી દો, પણ યાદ રાખો કે આ પ્રશંસા ઉપરછલ્લી અને નકલી હોવાના બદલે ખરેખર દિલથી નીકળેલી હોય.
જો તમે આટલા મુદ્દાનું ધ્યાન રાખશો ડેટ દરમિયાન સારી ઇમેજ સર્જી શકશો.
પ્રશ્ન : હું 37 વર્ષની મહિલા છું અને મારે ચાર વર્ષની દીકરી છે. હું આર્થિક રીતે સક્ષમ છું. મારા પતિ હિંસક મનોવૃત્તિ ધરાવે છે અને મને કારણ વગર મારે છે. મેં તેમને સુધારવાના અને સમજાવાના તમામ પ્રયાસ કર્યા છે પણ મને એમાં સફળતા નથી મળી. આખરે કંટાળીને હું ડિવોર્સ લેવા ઇચ્છું છું ને મારા પરિવારનો પણ મને ટેકો છે. જોકે મને આ નિર્ણય લેવામાં મોટી સમસ્યા એ છે કે મને ચિંતા થાય છે કે આ વાતની મારી દીકરી પર નકારાત્મક અસર તો નહીં થાય ને? મેં સાંભળ્યું છે કે સિંગલ પેરેન્ટ્સના સંતાનો બગડી જતા હોય છે. મારી દીકરીનું ભવિષ્ય તો આના કારણે ખરાબ નહીં થાય ને?
એક મહિલા (સુરત)
ઉત્તર :
દીકરી પર માત્ર સિંગલ પેરન્ટિંગની નહીં, પણ પિતાના હિંસક વલણની પણ નકારાત્મક અસર થતી હોય છે એ વાત સમજો. જો ઘરનું વાતાવરણ અયોગ્ય હોય અને તમે આર્થિક રીતે સક્ષમ હો તો તમે તમારી દીકરીના હિતને ધ્યાનમાં રાખીને અલગ થઇ શકો છો. તમારા કેસમાં તો તમને પરિવારનો પણ ટેકો છે એટલે તમારી દીકરીને તેમનો પણ પ્રેમ મળવાનો જ છે. જ્યાં સુધી સિંગલ પેરેન્ટિંગનો સવાલ છે ત્યાં સુધી એનાથી ડરવાની કોઇ જરૂર નથી. આજે ઘણાબધા એવા સિંગલ પેરન્ટ્સ છે જેઓ એકલા બાળકનો ઉછેર કરે છે. થોડી સમજણ અને જાગ્રતતાથી કામ કરીને તમે આઇડિયલ પેરન્ટ બની શકો છો. બાળક માટે તમે માતા-પિતા છો, આથી બંનેના ભાગનો પ્રેમ અને કેર તમારે જ આપવાના છે. એ માટે બાળક સાથે વધારે સમય પસાર કરો એ જરૂરી છે. તેમની સ્કૂલ, મિત્રો અને બાકીની જાણકારી લેતા રહો. તમે સિંગલ પેરન્ટ કેમ છો? આ બાબતે બાળકને ક્યારેય ખોટું ના કહો. ખુલ્લા મને તેમને સત્ય જણાવો. બાળક ઇમોશનલી તમારા સાથે જોડાશે. બાળકને માત્ર ખુશ કરવા કોઈ કીમતી ગિફ્ટ કે રમકડાં ના આપો. તેઓ બગડી શકે છે. તેમને સાચા અર્થમાં પ્રેમ આપો.
તેમને જણાવો કે દુનિયામાં ઘણાં એવાં બાળક છે, જેમની પાસે માતા-પિતા નથી. રહેવા માટે ઘર નથી. ખાવા માટે ભોજન નથી. તમે કેટલા નસીબદાર છો કે આટલી સારી જિંદગી મળી છે. આ માટે હંમેશાં ઈશ્વરનો આભાર માનો. સોશિયલ મીડિયા પર તમને ઘણાં સિંગલ ફાધર અને મધર મળી જશે. ઈચ્છો તો તેમને મળીને એક ગ્રુપ બનાવી લો. જેથી જરૂર પડે તો એકબીજાની હેલ્પ લઇ શકો. એનાથી બાળક પણ બીજાં બાળક સાથે ઇમોશનલી જોડાઈ શકશે.
તમે પાર્ટનરની કમીને લીધે તમે ક્યારેય ઇમોશનલી બાળક પર આધાર ના રાખો. તેઓ ભલે ગમે તેટલાં સમજું હોય, છતાં તે તો બાળક જ છે. તેના પર ગુસ્સો ના કરો. મુશ્કેલ સમય વખતે
ધીરજ રાખો.

અન્ય સમાચારો પણ છે...