વુમનોલોજી:એક જાદુઈ પ્રજાતિ પ્રાથમિક શિક્ષક

22 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક
  • સાવિત્રીબાઈ ફુલેની આ ધરતી પર આજે પણ હજારો એવી સાવિત્રી શિક્ષિકાઓ છે જેઓ રોજ નવા સંઘર્ષનો સામનો કરીને સરકારી શાળામાં ભણતાં બાળકોને શિક્ષણ આપે છે

અંદાજે પિસ્તાલીસ વર્ષ પહેલાં બનેલા એ મકાનમાં કુલ પાંચ ઓરડા હતા. બારી અને બારણાના ચોકઠાં પર ઉધઈ અને જંતુનાશક દવા વચ્ચેના અનેક યુદ્ધના નિશાન દેખાતા હતા. મકાનને સહેજ દૂરથી જોઈએ તો ખુશ થઇ જવાય એવું કંઈ નહીં, પરંતુ મકાનમાં પ્રાંગણમાં પગલું ભરો એ પછી "બહુ સારું’ લાગ્યાની લાગણી વધવા લાગે. મકાન સુધી પહોંચવાનો રસ્તો કાચો અને વાંકોચૂંકો હતો પરંતુ મકાનમાંથી જે રસ્તો આગળ વધતો તે પાક્કો અને ધ્યેય સુધી પહોંચાડતો સીધો હતો કારણકે એ મકાનનું નામ પ્રાથમિક શાળા હતું. એના પાંચ ઓરડામાંથી જે ધ્વનિ ઉત્પન્ન થતો હતો તે અંદાજે સવાસો બાળકો અને ત્રણ મહિલા જાદુગરનો હતો. એ ત્રણેય જાદુગરનો મુખ્ય વ્યવસાય શિક્ષણનો પણ દરેક બાળકના જીવનમાં જાદુઈ છડી ફેરવી શકે એવી શક્તિ સ્વરૂપા હતી. અરે હતી શું છે... અને માત્ર એ ટેકરી પર ચડતી કોઈ એક શાળામાં નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના પ્રત્યેક મોટા શહેર, નાના ગામ અને સાવ છેવાડે આવેલા કસ્બામાં પણ તમને આ એક પ્રજાતિ જોવા મળશે જેનું નામ છે પ્રાથમિક શિક્ષક. ‘શિક્ષણ સૌને માટે’ એ કહેવું, લખવું અને વિચારવું જ કેવું સરસ લાગે. UNના ‘એજ્યુકેશન ફોર ઓલ’ના સંદેશને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ભારતમાં કન્યા શિક્ષણ, દિવ્યાંગ શિક્ષણ અને પછાત વર્ગના તમામ બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે તે હેતુથી ઠેર ઠેર પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક શિક્ષણ અપાય છે. એમ કહી શકાય કે જ્યાં હજી મોબાઈલના ટાવર નથી પહોંચી શક્યા ત્યાં પણ નાની એવી સ્કૂલ ચોક્કસ છે. વર્ષ 2021ના રિપોર્ટ મુજબ આજે પણ સમગ્ર ભારતમાં પ્રાથમિક શિક્ષણમાં પુરુષની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. અહીં મુદ્દો જેન્ડર બાયસ કે જેન્ડર તફાવતનો નથી પરંતુ વ્યક્તિત્વના પિંડ બાંધતી એ મહિલા શિક્ષકો માટે સન્માન અને રાજીપો છે. સાવિત્રીબાઈ ફુલેની આ ધરતી પર આજે પણ હજારો એવી સાવિત્રી શિક્ષિકાઓ છે જેઓ રોજ નવા સંઘર્ષ અને સમસ્યાનો સામનો કરીને સરકારી શાળામાં ભણતાં બાળકોને શિક્ષણ પણ આપે છે અને જીવનની રાહ પણ ચીંધે છે. સંપૂર્ણપણે મૃતપાય થઇ ગયેલી અનેક ઈચ્છા અને સપનાંને તેઓ જીવતદાન આપે છે. સાવ અંતરિયાળ વિસ્તારની શાળામાં મૂળભૂત સુવિધાનો પણ અભાવ હોય અને અડચણ હોય, વિદ્યાર્થીના ઘરમાં બે ટંક રોટલાના ફાંફાં હોય અને તેવાને ભૂગોળના નકશા કે ગણિતના સમીકરણ શીખવવાં સહેલાં નથી. આ ઉપરાંત પહાડી વિસ્તાર કે કાંઠા વિસ્તારમાં પોતાના નિવાસ્થાનથી નોકરીના સ્થળ પર પહોંચવા માટે પણ અડચણ આવતી હોય. સ્ત્રી પર ઘરની, પરિવારની તથા પોતાના સંતાનો ઉછેરની જવાબદારી પણ હોય તે છતાં બાળકોને સાક્ષરતા સાથે વિષયવાર સમજ આપવામાં પાછી પાની નથી કરતી. ગુરૂતુલ્ય ઊંચાઈ ઉપર મુકેલ શિક્ષકના વ્યવસાયને જેટલું શાબ્દિક સન્માન આપવામાં આવે છે તેટલું વહેવારમાં નથી દેખાતું. અનેક અતિશયોક્તિ ભરેલી અપેક્ષાઓ શિક્ષક પાસે રાખવામાં આવે છે. નિસ્વાર્થભાવે વિદ્યાર્થીને ભણાવવું અને વિદ્યાર્થીને માત્ર પુસ્તકીય માહિતી નહીં પરંતુ તેના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી જેવી મુખ્ય અપેક્ષા સાથે બાળકની ભાષા, વર્તન, વહેવાર જેવા દરેક પાસાનો ભાર શિક્ષક પર નાખવામાં આવે છે. શિક્ષક ગુણશાળી હોય તે બરાબર છે પરંતુ સર્વગુણસંપન્ન હોય એ જરૂરી નથી. શિક્ષક દિન પર શિક્ષકનું એકદિવસીય સન્માન થાય એ બરાબર પરંતુ તેઓનો પૂર્ણ સ્વીકાર થાય એ જરૂરી છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...