સજાવટ:નાનકડો પ્રયાસ અને ક્રિએટિવિટી...ઘરની ફેરવી નાખે શિકલ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્યા દેસાઇ

દરેક વ્યક્તિને પોતાનું ઘર સારી રીતે સજાવવા માગતી હોય છે પણ ઘણીવાર બજેટની મર્યાદા વચ્ચે આવી જતી હોય છે. જો બજેટ ઓછું હોય પણ થોડો સર્જનાત્મકતા વિચાર દાખવવામાં આવે તો બહુ ઓછા ખર્ચમાં પણ ઘરને બહુ સારી રીતે સજાવી શકાય છે. જો ઘરની સજાવટ વખતે થોડી ક્રિએટિવિટી દાખવવામાં આવે તો ખાસ ખર્ચ નથી કરવો પડતો અને નાનકડા પ્રયાસની જ જરૂર હોય છે. ઘરનાં ડેકોરેશનમાં જૂનાં સારાં કપડાંનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે, તમારી કોઈ જૂની સારી સાડી હોય જે તમે ન પહેરતાં હો તો તેનો તમે કુશન કવર અથવા કર્ટન તરીકે ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય ઘરને આકર્ષક બનાવવા માટે તમે પિત્તળનાં જૂનાં વાસણો અથવા વસ્તુઓનો શો-પીસ તરીકે ઉપયોગ કરી શકો છો. આ સિવાય એક આખી દીવાલ પર તમે ઘરના સભ્યોના મોટી સાઇઝનાં ચિત્રો લગાવી શકો છો. ઘણી વાર બાળકોએ સ્કૂલમાં બનાવેલા ક્રાફ્ટનો ઉપયોગ પણ ડેકોરેશનમાં કરી શકો છો. જો તમે જૂના ફર્નિચરને બદલાવાનો વિચાર કરી રહ્યા હોય તો તેનો ઉપયોગ બેડરૂમમાં સાઈડ ટેબલના રૂપે કરી શકો છો. જો કેન સ્ટૂલમાં કાણું થઈ ગયું હોય તો તેને ટ્રેથી ઢાંકીને તેના પર રીડિંગ લેમ્પ, ફ્લાવરવાઝ અથવા એલાર્મ ક્લોક મૂકી શકો છો. આમ જૂના ફર્નિચરનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં ઘરને એકદમ નવો લુક આપી શકાય છે. તમે તમારાં ઘરમાં રહેલા ફર્નિચરને ફરીથી ગોઠવીને ઘરને એક નવો લુક પણ આપી શકો છો. તમે તમારી પસંદગી અને જગ્યા અનુસાર ફર્નિચરને ફરીથી ગોઠવી શકો છો. આની સાથે તમારે પૈસા ખર્ચ કરવા નહીં પડે અને તમારા ઘરને એક નવો દેખાવ મળશે. ઘરની સજાવટ માટે તમે પેઇન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. આખા ઘરને પેઇન્ટ કરવા માટે ખૂબ ખર્ચ થાય છે, તેથી જો તમે ઇચ્છો તો ફક્ત તમારા ફર્નિચરને રંગી શકો છો. ઘર સુશોભિત કરવા માટે છોડ પણ સસ્તો અને સારો ઉપાય હોઇ શકે છે. તમે ઘરને સજાવવા માટે રૂમમાં ઇન્ડોર છોડ રાખી શકો છો. આના કારણે રૂમની સુંદરતા તો વધશે જ પણ સાથે સાથે તાજી હવા પણ આપશે. જો તમે ઇચ્છો તો તમે દીવાલ પર છોડને લટકાવીને ઓરડાની સજાવટ કરી શકો છો.