જોબન છલકે:થોડીક પળોની મસ્તી બની જીવનભરની બરબાદી

એક મહિનો પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

ઈશિતાનાં લગ્ન લેવાયાં હતાં. ઘરમાં બધાં ખૂબ ખુશ હતાં. ઇશિતા પોતે પણ મનોમન ઉત્સાહ અનુભવતી હતી. એને ગમતા પાત્ર રોશન સાથે મમ્મી-પપ્પા લગ્ન કરાવી આપવા તૈયાર થયાં હતાં. રોશનને એ કોલેજમાં હતી ત્યારથી પ્રેમ કરતી હતી. જોકે એણે પોતાના પ્રેમનો ક્યારેય એકરાર કર્યો નહોતો. આ તો રોશને જ પોતાના તરફથી પ્રેમનો એકરાર કર્યો અને એણે સ્વીકારી લીધો. કોલેજ પૂરી થયાં પછી રોશને એનાં માતા-પિતાને વાત કરી અને એ લોકોએ ઇશિતાનાં માતા-પિતા સાથે વાત કરીને લગ્ન નક્કી કરી લીધાં. પ્રેમની છેલ્લી મંજિલ લગ્ન સુધી ઇશિતા પહોંચી ગઇ હતી. આખરે લગ્ન થઇ ગયાં અને ઇશિતા સાસરે આવી. સાસરિયાંમાં સાસુ-સસરા અને એક દિયર સિવાય ખાસ મોટો પરિવાર નહોતો. દિયર રોનક પણ હજી કોલેજના પ્રથમ વર્ષમાં હોવાથી એને તો જાણે ઘરમાં જ ઇશિતા રૂપે એક ફ્રેન્ડ મળી ગઇ હતી. આમ પણ દિયર-ભાભી વચ્ચે મૈત્રી જેવો જ સંબંધ તો હોય છે. રોશન ઓફિસે જાય એ પછી રોનક કોલેજથી આવે ત્યારે સાસુ-સસરા મોટા ભાગે આરામ કરતાં હોય. રોનક આવે એટલે હાથ-મોં ધોઇને જમવા બેસે અને ઇશિતાને પોતાની પાસે બેસાડી કોલેજમાં આજે શું કર્યું એની બધી વાત કહે. સમય પસાર થવા સાથે ઇશિતા અને રોનક વચ્ચે દિયર-ભાભી કરતાં ફ્રેન્ડ્સ જેવો સંબંધ વિકસ્યો. રોનક ક્યારેક ક્યારેક ઇશિતા સાથે હાથચાલાકી પણ કરી લેતો, પરંતુ ઇશિતા એ તરફ ખાસ ધ્યાન ન આપતી. એક દિવસ બન્યું એવું કે એક દિવસ રોશન બપોરના અઢી-ત્રણ વાગ્યે અચાનક કંઇ કામ અંગે ઘરે આવ્યો. એનાં માતા-પિતા એમના રૂમમાં આરામ કરતાં હતાં. રોનક અને ઇશિતા એના જ બેડરૂમમાં હતાં. એણે પોતે આવ્યો હોવાની જાણ એમને ન થાય એ રીતે જોયું તો ઇશિતા અને રોનક એકબીજા સાથે કોઇ વાત પર ઓશિકાની ફેંકાફેંક કરી રહ્યાં હતાં. રોનક ક્યારેક ઇશિતાનો હાથ પકડવાનો પ્રયત્ન કરતો હતો અને ઇશિતા પોતાનો હાથ ન પકડાય એ પછી એને અંગૂઠો બતાવી હેરાન કરતી હતી. અચાનક જ ઇશિતાની સાડીનો છેડો નીકળી ગયો અને રોનકે છેડો સરખો કરવા હાથ લંબાવ્યો. આ દૃશ્ય જોતાં જ રોશનના ગુસ્સાનો પાર ન રહ્યો. એ બેડરૂમમાં પ્રવેશતાં બોલ્યો, ‘હવે છેડો પકડ્યો છે તો સાડી પણ ઉતારી જ નાખ. ક્યારથી તમારાં બંને વચ્ચે આ રમત ચાલે છે?’ અચાનક જ રોશનને સામે આવેલો અને ગુસ્સે ભરાયેલો જોઇ ઇશિતા અને રોનક ડઘાઇ ગયાં. રોનક તો મોં નીચું કરી ચૂપચાપ બેડરૂમની બહાર નીકળી ગયો, પણ ઇશિતા…. એ ત્યાં જ ઊભી રહી. રોશને પૂછ્યું, ‘આ બધું ક્યારથી ચાલે છે, ઇશિતા? તું તો મને પ્રેમ કરતી હોવાની વાતો કરતી હતી અને મારી ગેરહાજરીમાં મારા જ નાના ભાઇ સાથે તારું આ વર્તન… શું ઇચ્છો છો તમે બંને? હું આજે આવી ગયો એટલે મને ખ્યાલ આવ્યો, કોણ જાણે કેટલા સમયથી તમારાં બંને વચ્ચે….’ ઇશિતા વચ્ચે જ બોલી ઊઠી, ‘રોશન…. બસ કરો, આવી વાતો તમને શોભતી નથી. હું તમને પ્રેમ કરું છું અને કરતી રહીશ. રોનક સાથે બે ઘડી ગમ્મત કરતી હતી. એ આખો દિવસ એકલો હોય એટલે મેં વિચાર્યું કે…’ ‘અચ્છા, એ આખો દિવસ એકલો કેમ હોય છે? કેમ એના ફ્રેન્ડ્સ નથી? પણ તારા જેવી ફ્રેન્ડ મળતી હોય તો પછી બીજે જવાની શી જરૂર?’ રોશને સામા સવાલ કર્યા. ‘કેવી વાત કરો છો તમે? એ મારો દિયર છે, તમારો નાનો ભાઇ અને તમે…’ ‘ખોટી વાત કહું છું? ક્યારનો બહાર ઊભો ઊભો હું તમારાં બંનેના મસ્તી-તોફાન જોતો હતો. દિયર-ભાભી વચ્ચે આવાં સંબંધ તો મેં જોયા નથી…’ રોશન બોલ્યો. એટલામાં જ રોનક પણ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતો બેડરૂમમાં આવ્યો. એણે રોશનને કહ્યું, ‘બસ, ભાઇ, ઘણું કહી દીધું તમે ભાભીને. હવે આગળ એક શબ્દ પણ બોલતા નહીં.’ ‘કેમ? શું કરીશ? મને મારીશ? તારા મોટા ભાઇને… જેની પત્ની સાથે તારે મોજમજા કરવી છે…’ રોશનની આ વાત સાંભળતાં જ રોનકથી ન રહેવાયું. એણે ત્યાં જ ટેબલ પર પડેલ પિત્તળનું ફ્લાવરવાઝ લઇ રોશનના માથા પર ફટકાર્યું અને રોશન ત્યાં જ ઢળી પડ્યો. રોનકે એને એટલા જોરથી ફ્લાવરવાઝ માર્યું હતું કે થોડી વાર તરફડિયાં મારીને રોશન શાંત થઇ ગયો, કાયમ માટે. ઇશિતા તો આ જોઇ જ રહી. એને કલ્પના જ નહોતી કે દિયર સાથેની મસ્તી એના પતિ માટે મોત બની જશે. એ ઘડીક રોનક સામે તો ઘડીક રોશન સામે જોતી રહી. બોલાચાલીનો અવાજ સાંભળીને સાસુ-સસરા પણ ત્યાં આવી પહોંચ્યાં, પણ ત્યાં સુધીમાં તો બધું ખતમ થઇ ચૂક્યું હતું. રોનકને વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં એ ત્યાં જ બેસી રડી પડ્યો. સાસુ-સસરાએ પોતાના મોટા દીકરાની લાશ જોતાં જ પોક મૂકી. આખરે રોનકે જ સામે ચાલીને પોલીસને બોલાવી પોતાનો ગુનો કબૂલી લીધો. રોનકને ખૂનના ગુનાસર કોર્ટે સજા કરી, પણ આ બધામાં સૌથી વધારે ગુમાવનાર કોઇ હોય, તો તે હતી ઇશિતા. એણે પતિ ગુમાવ્યો, એ સાથે સાસરિયાં અને પિયરિયાંનો વિશ્વાસ પણ ગુમાવ્યો. એનાં પોતાનાં માતા-પિતાએ જ એને પોતાની સાથે લઇ જવાની સ્પષ્ટ ના કહી દીધી. ‘તને રોશન માટે કેટલો પ્રેમ હતો, તે અમે જોઇ લીધું. અમે તારાં લગ્ન તને ગમતા યુવાન સાથે કરાવી આપ્યાં, છતાં તેં….’ અને એ લોકો ઇશિતાને ત્યાં જ છોડી ચાલ્યાં ગયાં. સાસરિયાંએ પણ ઇશિતાને ઘરમાંથી એમ કહીને કાઢી મૂકી કે, ‘લગ્નને વરસ થયું ત્યાં તો પરિવારનો માળો પીંખી નાખ્યો. અમારે સમાજમાં લોકોને મોં બતાવવાનું છે. તારા જેવીને સાથે રાખીને અમારે અમારો જીવ નથી ગુમાવવો.’ અને સાસરિયાંએ પણ એને ઘરમાંથી વિદાય કરી દીધી. હજી તો લગ્નને વર્ષ પણ પૂરું નહોતું થયું, ત્યાં જે સપનાં મનમાં લઇ એ જે ઘરમાં આવી હતી, એ જ ઘરનાં બારણાં એના માટે બંધ થઇ ગયાં. પિયરના બારણાં તો જ્યારે રોશન અવસાન પામ્યો, ત્યારે જ માતા-પિતા બંધ કરી ગયાં હતાં. એ બે દિવસ સુધી ઓટલે બેસી રહી, પછી એક રાતે કોને ખબર ક્યાં જતી રહી? આજ સુધી ઇશિતાનો ક્યાંય પત્તો નથી. થોડી મસ્તી ત્રણ જીવનને બરબાદ કરી ગઇ!

અન્ય સમાચારો પણ છે...