રસથાળ:સ્વાદમાં હિટ અને પોષણમાં ફિટ એવી ડાયટ રેસિપી

રિયા રાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્વાદિષ્ટ ડાયટ રેસિપીમાં પોષણક્ષમ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી શરીરને તમામ જરૂરી પોષણ મળી રહે છે અને ચરબી પણ નથી વધતી

વેઇટલોસ માટે ભૂમિ સ્પેશિયલ- ઝુકિની રોલ
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર ફેટમાંથી ફિટ બનવાની તેની વેઇટલોસ જર્ની માટે જાણીતી છે. વજન ઉતારવાના માટે ભૂમિએ એક્સરસાઇઝની સાથે સાથે ડાયટ રેસિપીની મદદ લીધી હતી. આ ડાયટ રેસિપીમાં ઝુકિની રોલ તેના ફેવરિટ છે.

સામગ્રી : ઝુકિની સ્ટ્રિપ્સ-8થી 10 નંગ, સમારેલું પનીર-પા કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ, ડુંગળી-1 નંગ, ટામેટું-1 નંગ, લસણ પેસ્ટ-2 ચમચી, ચિલી ફ્લેક્સ-1 ચમચી, ઓરેગાનો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરી પાઉડર-પા ચમચી, ઓલિવ ઓઈલ-2 ચમચી રીત : ઝુકિનીની લાંબી સ્લાઇસ કરી લો. કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો. હવે ઝુકિની સ્ટ્રિપ્સને નોનસ્ટિકમાં તેલ લગાવી બન્ને બાજુ શેકી લો. હવે અન્ય કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ થાય એટલે તેમાં લસણ અને ડુંગળી નાખી સાંતળો. તેમાં કેપ્સિકમ અને ટામેટું નાખો. હવે પનીર, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, મીઠું, મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરો. ઝુકિની સ્ટ્રિપ્સમાં મરી પાઉડર છાંટી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી રોલ વાળી લો. ટૂથપિક લગાવીને રોલને ટાઈટ પેક કરી લેવા. ઝુકિની રોલને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

સત્તુ એનર્જી બાર

સામગ્રી : સત્તુનો લોટ-1 કપ, ઘી-1 ચમચી, ઓટ્સપા કપ, સમારેલી બદામ-પા કપ, સમારેલા કાજુ-પા કપ, કાળી દ્રાક્ષ-પા કપ, મધ-5 ચમચી, ડાર્ક ચોકલેટ-અડધો કપ, પીનટ બટર-3 ચમચી, પિસ્તા કતરણ-3 ચમચી, બદામ કતરણ-3 ચમચી, દેશી ગુલાબની સૂકી પાંદડી-4 ચમચી રીત : સૌથી પહેલા એક કડાઈમાં બદામ અને કાજુને સારી રીતે શેકી લેવા. તેને પ્લેટમાં ઠંડા કરવા મૂકવા. તે જ કડાઇમાં ઓટ્સને પણ શેકી લેવા. તેને પણ એક બાઉલમાં કાઢી લેવા. હવે કડાઈમાં ઘી ગરમ મૂકવું. ગરમ ઘીમાં સત્તુનો લોટ ઉમેરી સહેજ રંગ બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો. હવે ઓટ્સની સાથે શેકેલો સત્તુનો લોટ અને અન્ય સામગ્રી ઉમેરવી. કાજુ-બદામને નાના ટુકડામાં સમારી લેવા કે ચોપરથી ચોપ કરવા. તેને પણ તે જ બાઉલમાં કાઢી લેવા. આ મિશ્રણમાં મધ અને પીનટ બટર નાખી મસળીને બરાબર મિક્સ કરી લેવું. હવેએક કાચના બાઉલમાં ચોકલેટના નાના ટુકડા કરી તેને એકથી દોઢ મિનિટ માટે માઇક્રોવેવ કરવી. મેલ્ટેડ ચોકલેટને આ મિશ્રણમાં ઉમેરી દેવી. ફરીવાર હાથેથી બધું બરાબર મિક્સ કરવું. મુઠ્ઠીમાં લેવાથી બંધાઇ જાય તેવું મિશ્રણ બનવું જોઈએ. જો છૂટું પડતું હોય તો થોડું મધ ઉમેરી શકાય. એક ટ્રે ને ઘી વડે ગ્રીઝ કરી તેમાં બટર પેપર ગોઠવવું. તેના પર આ મિશ્રણને પાથરી સારી રીતે દબાવી દેવું. તેના પર બદામ પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડી ભભરાવી ફરી સારી રીતે દબાવી દેવું જેથી સેટ થઇ જાય. તરત તેમાં કાપા કરી લેવા. આ ટ્રે ને ફ્રીઝરમાં અડધોથી એક કલાક માટે મૂકવી. બહુ જ હેલ્ધી અને પ્રોટીનપેક બાર તૈયાર છે. બહુ જ પૌષ્ટિક ઘટકો વાપર્યા હોવાથી કેલરી વોચર કે ડાયટ કરતા લોકો માટે પરફેક્ટ છે. રોજ નાની ભૂખ લાગે તે વખતે બીજું કાંઈ લેવાની જગ્યાએ 1-2 ટુકડા આ લેવાથી ઘણું બધું એકસાથે આવી જશે. નોંધ: જો ફેટ અને સુગરનું પ્રમાણ હજી ઓછું કરવું હોય તો ડાર્ક ચોકલેટની જગ્યાએ ખજૂર લઇ શકાય. તે પણ બહુ સરસ લાગે છે. આ એનર્જી બાર ફ્રિજની બહાર પણ 15 દિવસ સુધી સારા રહે છે.

રાગી ઉત્તપમ

સામગ્રી : રાગી લોટ-2 કપ, પાણી-3 કપ, હિમાલયન પિંક સોલ્ટ-પા કપ, ખાવાનો સોડા-પા કપ, સમારેલાં લીલાં મરચાં-૨ નંગ, સમારેલી લીલી ડુંગળી-2 નંગ, છીણેલું ગાજર-1 નંગ, ઝીણા સમારેલા કેપ્સિકમ-પા કપ, સમારેલા લીમડાના પાન-2 ચમચી, છીણેલું આદું-પા ચમચી રીત : એક બાઉલમાં રાગીનો લોટ, પાણી અને મીઠું ઉમેરી ઢોસા જેવું ખીરું તૈયાર કરવું. અડધો કલાક બાજુ પર રહેવા દેવું. હવે ખીરાની અંદર ડુંગળી, લીલા મરચાં, ગાજર, કેપ્સિકમ, સમારેલો લીમડો, આદુ, મીઠું અને અન્ય દરેક સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરવું. તૈયાર ખીરામાંથી ઉત્તપમ ઉતારી ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.

હેલ્ધી યોગર્ટ

સામગ્રી : લો ફેટ દહીં-1 કપ, રાઈ કુરિયા-1 ચમચી, મરી પાઉડર-પા ચમચી, શેકેલું જીરું પાવડર-અડધી ચમચી, સંચળ પાઉડર-પા ચમચી, મધ-2 ચમચી, સમારેલી કાકડી-અડધો, સમારેલું કેપ્સિકમ-પા કપ, છીણેલું ગાજર-પા કપ, સમારેલી નારંગી-પા કપ, દાડમનાં દાણા-પા કપ, સમારેલું કેળું-અડધો કપ, ઈચ્છાનુસાર અન્ય ફળો-પા કપ, બદામ કતરણ-2 ચમચી, પિસ્તા કતરણ-2 ચમચી રીત : સૌ પ્રથમ બધાં ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ સમારીને તૈયાર કરો. એક મિક્સિંગ બાઉલમાં દહીં લો. તેમાં રાઈનાં કુરિયા ઉમેરો. તેમાં મરી પાઉડર, શેકેલું જીરું પાઉડર તથા સંચળ પાઉડર ઉમેરો. તેમાં એક ચમચી મધ ઉમેરી બરાબર મિક્સ કરો. આ રીતે સલાડનું ડ્રેસિંગ તૈયાર થશે. હવે તેમાં તૈયાર કરેલા ફળ અને શાક ઉમેરો. અંતમાં બદામ અને પિસ્તાની કતરણ વડે સજાવો. આ ફ્રૂટી યોગર્ટને ઠંડંુ કરીને સર્વ કરો.

બીટરૂટ કબાબ

સામગ્રી : છીણેલું ગાજર-2 કપ, છીણેલું બીટ-1 કપ, ઓટ્સ-અડધો કપ, અળસી-2 ચમચી, સમારેલી ડુંગળી-1 નંગ, લસણ પેસ્ટ-1 ચમચી, સમારેલો ફૂદીનો-3 ચમચી, તલ-2 ચમચી, ટોમેટો કેચઅપ-2 ચમચી, ચિલી ફ્લેક્સ-1 ચમચી, કરી પાઉડર-1 ચમચી, લાલ મરચું પાવડર-2 ચમચી, બ્રેડ ક્રમ્સ-3 ચમચી, છીણેલું પનીર-પા કપ, મીઠું-સ્વાદ મુજબ, મરી પાઉડર-પા ચમચી, ચાટ મસાલો-2 ચમચી, ઓલિવ ઓઈલ-1 ચમચી રીત : ઓલિવ ઓઈલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લસણને સાંતળો. હવે તેમાં છીણેલું બીટ અને ગાજર ઉમેરી પકાવો. અધકચરું ચડે એટલે ગેસ બંધ કરીને બાકીની તમામ સામગ્રી ઉમેરી હાથ વડે મિક્સ કરી લેવું. કબાબનો શેપ આપી દેવો. કબાબ માટે દરેક સામગ્રીને ભેગી કરી લો. આ કબાબને સહેજ તેલ મૂકી શેકી પણ શકાય અને પ્રી-હીટ ઓવનમાં 15-20 મિનિટ માટે બેક પણ કરી શકાય.

રોસ્ટેડ વેજિટેબલ્સ

સામગ્રી : બ્રોકોલી-2 કપ, ગાજર-પા કપ, કેપ્સિકમ-પા કપ, ઝુકિની-પા કપ, મશરૂમ-પા કપ, બેબીકોર્ન-પા કપ, ડુંગળી-1 નંગ, બાફેલા મકાઈના દાણા-અડધો કપ, ઓરેગાનો-1 ચમચી, મિક્સ હર્બ્સ-1 ચમચી, ઓલિવ ઓઇલ-1 ચમચી, ગ્રીન ચિલી સોસ-2 ચમચી, મરી પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ રીત : સૌ પ્રથમ બધા વેજિટેબલ્સ બરાબર ધોઈને કાપી લો. બેબીકોર્નને પ્રેશરકૂકરમાં 2 સીટી વગાડી લેવી. હવે એક તપેલીમાં પાણીને ઉકળે ત્યાં સુધી ગરમ કરો. તેમાં ગાજર, બ્રોકોલી અને ઝુકિની ઉમેરી 5 મિનિટ માટે ઉકાળો. પાણી નિતારી તેને સાઇડમાં રાખો. હવે એક કડાઈમાં ઓલિવ ઓઇલ ગરમ કરો. ગરમ થઈ ગયા બાદ તેમાં ડુંગળી ઉમેરો અને ડુંગળીના પડ છૂટા થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં કેપ્સિકમ ઉમેરી 1 મિનિટ માટે સાંતળો. હવે તેમાં ગાજર, બ્રોકોલી, મકાઈના દાણા અને અન્ય શાક ઉમેરો. થોડા ફાસ્ટ તાપે જ મરી પાઉડર, મીઠું, ઓરેગાનો અને મિક્સ હર્બ્સ ઉમેરી હલાવો અને 1 મિનિટ માટે સાંતળો. તૈયાર છે હેલ્ધી એવા રોસ્ટેડ વેજિટેબલ્સ.

અન્ય સમાચારો પણ છે...