યોગ એટલે મગજ અને શરીરનું સંગમ. જેથી યોગ કરવાથી માનસિક અને શારિરીક અકલ્પિત સ્વાસ્થ્ય લાભ થાય છે. હાઈ બ્લડપ્રેશરનું સામાન્ય થવું, તણાવમાં રાહત, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ જેવા રોગોમાં સકારાત્મક પરિણામો મળે છે. રોજ યોગ કરવાથી શરીર સુંદર, સુડોળ અને નિરોગી રહે છે. શરીર અને મનને તરોતાજા રાખવા માટે, શરીરની નષ્ટ થયેલી ઊર્જા અને શક્તિની પૂર્તિ કરવા માટે અને આધ્યાત્મિક લાભની દૃષ્ટિએ પણ યોગા અતિમહત્ત્વપૂર્ણ છે. જો નિયમિત સારી રીતે યોગ કરવાની સાથે સાથે સ્ટાઇલિશ પણ લાગવું હોય તો યોગ કરતી વખતે ફેશનેબલ આઉટફિટનો વિકલ્પ પસંદ કરી શકાય.
મોટાભાગના યોગ ક્લોથ પોલિસ્ટર, નાયલોન અથવા તો સ્પેન્ડેક્સ બ્લેન્ડ મટીરિયલના બનેલાં હોય છે. આ મટીરિયલ કમ્ફર્ટ, હળવાશ અને ફ્લેક્સિબિલિટીનું પર્ફેક્ટ કોમ્બિનેશન છે. આમ, યોગ માટેના કપડાંની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે એ વધારે પડતાં ટાઇટ કે પછી વધારે પડતાં ઢીલાં ન હોય. વળી, યોગ કરતી વખતે સારો એવો પરસેવો થાય છે એટલે યોગ કરતી વખતે પહેરેલાં કપડાં સારી રીતે પરસેવો શોષી લે એવાં હોવાં જોઇએ. ટેન્ક ટોપ્સ, કટઆઉટ શર્ટ તેમજ મેશ પોકેટ્સ સાથેના યોગ પેન્ટ સારો વિકલ્પ સાબિત થાય છે. યોગામાં બેન્ડિંગ, સ્ટ્રેચિંગ અને રોલિંગ જેવી એક્ટિવિટી કરવાની હોવાથી કપડાં થોડાં ફ્લેક્સિબલ હોય એ જરૂરી છે.
યોગ પેન્ટ્સ :
યોગ ક્લોથિંગ બ્રાન્ડ્સ અલગ અલગ લંબાઇના અને ફીટિંગવાળા યોગ પેન્ટ્સની મલ્ટિપલ સ્ટાઇલ ઓફર કરે છે. આ યોગ પેન્ટ્સ ફ્લેક્સિબિલિટી અને કમ્ફર્ટનો સારામાં સારું કોમ્બિનેશન છે. નાયલોન-પોલિસ્ટર અને સ્પેન્ડેક્સનું કોમ્બિનેશન સારામાં સારો વિકલ્પ છે. એ પરસેવો અને ભેજ શોષે છે અને સાથે સાથે તમારી દરેક મૂવમેન્ટ સાથે એડજસ્ટ થાય છે. જો તમારે વધારે કવરેજ જોઇતું હોય તો હાઇ-વેસ્ટ પેન્ટ કે લેગિંગ ટ્રાય કરી શકો છો. યોગની ફાસ્ટ પ્રેક્ટિસ માટે હાઇ વેસ્ટ યોગ પેન્ટ્સ પહેરવા જોઇએ.
યોગ શોર્ટ્સ :
યોગ શોર્ટ્સ યોગની પ્રેક્ટિસ કરવા માટે કમ્ફર્ટેબલ વિકલ્પ છે. યોગ દરમિયાન સારી રીતે સ્ટ્રેચિંગ કરી શકાય એ માટે એમાં બિલ્ટ-ઇન લાઇનર હોય છે. જોકે આ શોર્ટ્સ પહેરવાનો મોટો ગેરફાયદો એ છે કે એ યોગ્ય કવરેજ નથી આપતું જેના કારણે મહિલાઓ માટે શોર્ટ્સ ક્યારેક અગવડતાદાયક બને છે.
યોગ ટોપ્સ :
નિયમિત યોગ કરનાર વ્યક્તિઓ યોગ પ્રેક્ટિસ કરવા માટે ફિટેડ ટી-શર્ટ અથવા તો ટેન્ક ટોપની પસંદગી કરે છે જે હિપ્સ અને કમરના એરિયામાં સારું ફીટિંગ આપે છે. જોકે આ ટોપનું મટીરિયલ સોફ્ટ અને ત્વચામાં ઇરિટેશન ન કરે એવું હોવું જોઇએ. ઘણાં યોગ ટેન્ક ટોપમાં સ્પોર્ટ્સ બ્રા ઇનબિલ્ટ હોય છે. આ યોગ ટોપ ખરીદતા પહેલાં એક વખત ચોક્કસ ટ્રાય કરો.
સ્પોર્ટ્સ બ્રા :
સ્પોર્ટ્સ બ્રાની પસંદગી સમજી વિચારીને કરવી જોઈએ. આની ડિઝાઇનની પસંદગીનો આધાર તમારી બ્રાની સાઇઝ અને કવરેજની જરૂરિયાત પર આધાર રાખે છે. હાઇ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરતી વખતે વધારે સપોર્ટ આપે એ અને લો ઇન્ટેન્સિટી વર્કઆઉટ વખતે પ્રમાણમાં ઓછો સપોર્ટ આપે એવી સ્પોર્ટ્સ બ્રા યોગ્ય સાબિત થાય છે. કેટલાક યોગ શર્ટ કે ટેન્ક ટોપમાં ઇનબિલ્ટ સ્પોર્ટ્સ બ્રા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.