લેટ્સ ટોક:ભારતમાં 10માંથી 7 મહિલાઓ નોકરી છોડવા માગે છે કારણ કે...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુક્તિ મહેતા

વર્કિંગ વુમન...એ પછી ભારતની હોય કે વિદેશની, હંમેશાં ખાંડાની ધાર પર ચાલતી હોય છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ પર ઘર અને બાળકોને જવાબદારી વધારે હોવાને કારણે તેમણે કામને ન્યાય આપવા માટે હંમેશાં વધારે પ્રયાસ કરવો પડે છે. પહેલાં કરતા હવે વર્કિંગ વુમનની સંખ્યા પ્રમાણમાં વધી છે પણ આમ છતાં ભારતની વાત કરીએ તો કૂલ વર્કફોર્સમાં તેમની ટકાવારી ઘણી ઓછી છે.
તાજેતરનો સર્વે
પ્રોફેશનલ સોશિયલ સાઈટ LinkedIn એ તાજેતરમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જે મુજબ ભારતમાં 10 થી 7 મહિલાઓ નોકરી છોડવાનું વિચારી રહી છે. LinkedIn દ્વારા શેર કરાયેલા અહેવાલ મુજબ, મહિલાઓની નોકરી છોડવાનું સૌથી મોટું કારણ કાર્યસ્થળમાં પક્ષપાત, સરખામણીમાં ઓછો પગાર અને કાર્યસ્થળે ફ્લેક્સિબિલિટીનો અભાવ છે. આ રિપોર્ટ બનાવવા માટે LinkedInએ 2000 કરતાં વધારે મહિલાઓ સાથે વાતચીત કરી છે અને આ સર્વેમાં મળ્યું છે કે કોરોના મહામારીની મહિલાઓના કામ પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ મહામારીને કારણે દેશમાં લગભગ 10 થી 7 મહિલાઓ એટલે કે લગભગ 83 ટકા મહિલાઓ ઓફિસમાં વધારે ફ્લેક્સિબલ વાતાવરણમાં કામ કરવાનું પસંદ કરે છે. આ સર્વેક્ષણમાં 5માંથી 3 મહિલાઓ માને છે કે કાર્યસ્થળમાં ફ્લેક્સિબિલીટી વ્યક્તિગત જીવન અને કાર્ય વચ્ચે સંતુલન જાળવવાનું સરળ બનાવે છે. તે મહિલાઓને કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરે છે. આ સાથે તેમના સારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. ​​​​​​
બીજાં પણ ઘણાં કારણો જવાબદાર
જાણીતી સંસ્થા ઇન્ટરનેશનલ લેબર ઓફિસ દ્વારા પ્રકાશિત કરાયેલા રિસર્ચ પેપર ‘વ્હાય ઇઝ ફીમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન ડેક્લાઇનિંગ સો શાર્પલી ઇન ઇન્ડિયા?’માં ભારતીય વર્કિગ ફોર્સમાં મહિલાઓના ઘટી રહેલા પ્રમાણ વિશે વિસ્તૃત વિશ્લેષણ કરીને આ માટે જવાબદાર ચાર મુખ્ય કારણો તારવવામાં આવ્યા હતા. આ કારણોમાં ઘરની આવકમાં વધારો, મહિલાઓમાં અભ્યાસ તરફ વધતો ઝુકાવ અને નોકરીની અપૂરતી તક જેવા કારણોનો પણ સમાવેશ થતો હતો.
બેવડી જવાબદારી અને તકની કમી
પ્રોફેશનલ મહિલા ભલે ગમે તેટલું સારું કામ કરી રહી હોય પણ જેમ જેમ પરિવાર મોટો થતો જાય છે તેમ તેમ પરિવારની સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર આવતી જાય છે. આ પ્રકારની માનસિકતાને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં કામકાજી મહિલાઓની સંખ્યામાં ક્રમશ: ઘટાડો થતો જાય છે. આમ, ઘરની ને બહારની બંને જવાબદારીના બોજ નીચે જ્યારે મહિલા દબાઇ જાય છે ત્યારે તે કંટાળી નોકરી છોડીને ઘરમાં ભરાઇ જવાનું પસંદ કરે છે. આ સિવાય સગર્ભાવસ્થા દરમિયાન કે પછી બાળક નાનું હોય ત્યારે મહિલાઓને નાનકડો બ્રેક લેવાની ફરજ પડે છે અને પછી તેમની પાસે કામની તકો ઓછી થઇ જાય છે.
શારીરિક અને લૈંગિક અડચણ
ભારતની સામાજિક વ્યવસ્થા એવી છે કે એમાં બહુ ઓછી મહિલાઓને સામાજિક જવાબદારીઓ પૂરી કરવામાં પતિનો સપોર્ટ મળતો હોય છે. આના કારણે તેણે ઘરનો તેમજ નોકરીનો એમ બંને મોરચા સંભાળવા પડે છે. આ કારણે એની હાલત બંને છેડેથી બળતી મીણબત્તી જેવી થઇ જાય છે. એક રિસર્ચ પ્રમાણે 70 ટકા કરતાં વધારે કામકાજી મહિલાઓને પીઠદર્દ, સ્થૂળતા, ડિપ્રેશન, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે કારણ કે પોતાના શરીર પાસેથી ક્ષમતા કરતા વધારે કામ લેતી હોય છે. કેટલીક મહિલાઓને કામના સ્થળે લૈંગિક ભેદભાવથી માંડીને યૌન ઉત્પીડન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે અને આના કારણે અકળાઇને એ પ્રોફેશન કરિયર છોડી દેવાનો વિકલ્પ પસંદ કરે છે.

પૂર્વ નંબર વન ખેલાડીએ બાળકોનો નાશ્તો બનાવવા છોડ્યું ટેનિસ
જ્યારે માતાને એમ લાગે કે તેની પ્રોફેશનલ કરિયરને કારણે તેનો પરિવાર અને ખાસ કરીને બાળકો અવગણનાનો ભોગ બની રહ્યા છે ત્યારે તે વર્ષોની મહેનતથી બનાવેલી કરિયરને છોડવા માટે એક ક્ષણનો પણ વિચાર નથી કરતી. મહિલાઓની આવી ઇમોશનલ વિચારસરણીનો લેટેસ્ટ કિસ્સો છે ભૂતપૂર્વ નંબર વન ટેનિસ સ્ટાર કિમ क्क्क्ककક્લેસ્ટરનો. 38 વર્ષીય કિમ પોતાના પતિ બ્રાઇન અને ત્રણ બાળકો સાથ ન્યૂ યોર્કમાં રહે છે.
તેણે પોતાના પરિવાર માટે એકથી વધારે વખત નાના-નાના બ્રેક લીધા છે અને હાલમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરીને લખ્યું છે, ‘હું મારા પરિવાર સાથે વધારે સમય પસાર કરવા ઇચ્છું છું અને બાળકો માટે નાસ્તો બનાવવા ઇચ્છું છું. આ કારણે હવે હું ટેનિસમાંથી બ્રેક લઇ રહી છું.’

અન્ય સમાચારો પણ છે...