અગોચર પડછાયા:ઝોમ્બી

11 દિવસ પહેલાલેખક: જગદીશ મેકવાન
  • કૉપી લિંક

‘આઈ એમ ઈન લવ.’ યીંગ ઝી મોબાઈલમાં બોલી. સામે છેડેથી એની બહેનપણી તાઓ રોમાંચિત સ્વરે બોલી ઊઠી, ‘શું નામ છે એ છોકરાનું?’ ‘એ છોકરો નથી.’ ‘તો શું છોકરી છે? તું લેસ્બિયન છે? કે પછી બાયોસેક્સ્યુઅલ છે?’ ‘ના એ છોકરો છે, ના છોકરી છે. ઇન્ફેક્ટ એ જીવતો પણ નથી.’ ‘વોટ નોનસેન્સ. જીવતો નથી, તો શું મરેલો છે? તું કોઈ મરેલી વ્યક્તિના પ્રેમમાં પડી છે?’ ‘એ ઝોમ્બી છે.’ યીંગ ઝી બોલી, ‘તું તો જાણે છે કે હું મિત્સુ ફાર્માસ્યુટિકલ્સના આર.એન.ડી. વિભાગમાં જોબ કરું છું. ત્યાં અમે એક ઈલિગલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ. બ્રેઇનડેડ વ્યક્તિઓને પાછાં જીવતાં કરવાની દવાઓનાં પરીક્ષણ માટે અમને મૃત માનવશરીર નથી મળી રહ્યાં. એટલે અમે એક કબ્રસ્તાનના રખેવાળ પાસેથી ગેરકાનૂની રીતે તાજી લાશો ખરીદીએ છીએ. અને એના પર દવાઓનું પરીક્ષણ કરીએ છીએ. એ પરીક્ષણ દરમિયાન એક યુવક જીવતો થયો, પણ એ ઝોમ્બી બની ગયો. અમે એનાં પર પરીક્ષણો કરવા માટે એને લેબમાં રાખ્યો છે. એનું ધ્યાન રાખવાનું કામ મારું છે, પણ હું એના પ્રેમમાં પડી ગઈ છું. હવે તું જાણે છે એમ આપણા દેશ ચાઇનામાં કોરોનાના કારણે લોકડાઉન લાગી ગયું છે. સરકારના દબાણને લીધે કંપનીનો એ વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે એ યુવકને મારે મારા ઘરે રાખવો પડ્યો છે.’ યીંગ ઝીની વાત સાંભળીને તાઓ બોલી ઊઠી, ‘એ ઝોમ્બી તારા ઘરે છે?’ ‘હા. એ પણ મને ખૂબ જ ચાહે છે અને મને જરા પણ નુકસાન પહોંચાડતો નથી. એના ભોજન માટે હું માર્કેટમાંથી કાચું માંસ ખરીદી લાવું છું. એને સમયસર ભોજન મળે તો તે બિલકુલ કાબૂમાં રહે છે. તે ખૂબ જ સારો બોયફ્રેન્ડ છે અને ખૂબ જ સારો પતિ બનવાનાં લક્ષણો ધરાવે છે. આજે રાતનું ડિનર તું મારા અને મારા બોયફ્રેન્ડ સાથે મારા ઘરે કરી રહી છે. એ ખૂબ જ ક્યૂટ છે. તું એને મળીશ તો તું પણ એના પ્રેમમાં પડી જઈશ.’ ‘આપણે કુલ ચાર બહેનપણીઓ છીએ અને હવે આપણે બે જ જણ ડિનર લઈએ તો એ સારું ના લાગે. એેટલે બાકીની બે જણીને પણ બોલાવી લે. હું એ લોકોને છેલ્લા દસ દિવસથી ફોન કરું છું, પણ એ લોકોનો ફોન સ્વિચ ઓફ આવે છે. કોણ જાણે ક્યાં છે એ બંને જણ?’ તાઓ મૂંઝાયેલા સ્વરે બોલી. જવાબમાં નિસાસો નાખીને યીંગ ઝી બોલી, ‘હું પણ એ બંનેનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરું છું, પણ કોન્ટેક્ટ થતો નથી. મને એ બંનેની ઘણી ચિંતા થાય છે. હું એમને કોલ કરું છું. તું પણ ટ્રાય કર. જેનો ફોન લાગી જાય એ બંને બહેનપણીઓને ઇન્વાઈટ કરે અને જો એમનો કોન્ટેક્ટ ન થાય, તો પણ આપણે બે જણ તો મારા ઝોમ્બી બોયફ્રેન્ડ સાથે ડિનર કરીએ જ છીએ.’ રાત્રે જેવી તાઓ યીંગ ઝીના ઘરે પહોંચી કે તરત જ યીંગ ઝીએ એને અંદર ખેંચી લીધી અને દરવાજો જડબેસલાક બંધ કરી દીધો. તાઓ બોલી, ‘ઝોમ્બી ક્યાં છે?’ ‘સ્વીટ હાર્ટ... ’ યીંગ ઝીએ બેડરૂમ તરફ જોઈને બૂમ પાડી. એ સાંભળીને બેડરૂમમાંથી એક સોહામણો યુવક બહાર આવ્યો. તાઓ તો એને જોતી જ રહી ગઈ. ખરેખર એ એટલો દેખાવડો હતો કે એને જોતાની સાથે જ પ્રેમમાં પડી જવાય, પણ એની ચામડી થોડી થોડી ફાટેલી હોય એવું જણાતું હતું. ધ્યાનથી જુઓ તો જ ખ્યાલ આવે કે કંઈક ગરબડ છે. તાઓ નિરાશ સ્વરે બોલી, ‘કાશ આપણી બંને બહેનપણીઓ પણ આજે આપણી સાથે હોત. ખબર નહીં એ લોકો અત્યારે ક્યાં હશે?’ ‘અમારાં પેટમાં.’ યીંગ ઝી બોલી. તાઓ ફાટી આંખે એને તાકી રહી. યીંગ ઝી બોલી, ‘સોરી તાઓ. પણ મારે તને હવે સાચી હકીકત જણાવી દેવી જોઈએ. મરતાં પહેલાં મનુષ્યને સાચી વાતની જાણ થઈ જવી જોઈએ. હકીકત એ છે કે મારા બોયફ્રેન્ડને એકવાર સખત ભૂખ લાગી હતી. એટલે એ પોતાની જાત પર કાબૂ ના રાખી શક્યો અને એણે મને બચકું ભરી લીધું. એના કારણે હું પણ હવે ઝોમ્બી બની ચૂકી છું. લોકડાઉન નહોતું લાગ્યું ત્યાં સુધી તો અમે લોકો માર્કેટમાંથી માંસ લાવીને ખાતાં હતાં, પણ જ્યારથી લોકડાઉન લાગ્યું છે, ત્યારથી માંસ મળવું મુશ્કેલ બની ગયું છે અને અમારે જીવતા રહેવા માટે માંસ તો ખાવું જ પડે. ઝોમ્બીને તો માનવમાંસ ખાવાની સૌથી વધારે મજા પડે છે. એટલે મેં આપણી બંને બહેનપણીઓને તારી જેમ જ ડિનર પર ઇન્વાઇટ કરી અને એ અમારાં બંનેનું ડિનર બની ગઈ. હવે તારો વારો.’ ‘તું એકલી જ મિત્સુ ફાર્માસ્યુટિકલ્સમાં જોબ નથી કરતી. હું પણ વર્ષોથી ત્યાં જ જોબ કરું છું. જેમ આર.એન્ડ.ડી. વિભાગમાં ઈલિગલ એક્સપરિમેન્ટ્સ ચાલે છે. એવી જ રીતે એ કંપનીનો એક સિક્રેટ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ પણ છે. જ્યારે કંઈક ગરબડ થાય ત્યારે એ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ મામલાને સંભાળે છે અને હું એ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની એજન્ટ છું. મને કંપની તરફથી હુકમ મળ્યો છે કે આપણી કંપનીના એક્સપરિમેન્ટમાં જે ઝોમ્બી બન્યો હતો તે અને આપણી એક કર્મચારી પણ એની સાથે રહીને ઝોમ્બી બની ચૂકી છે. એ બંનેનું સિક્રેટ દુનિયા સમક્ષ આવે એ પહેલાં એ બંનેને ખતમ કરવાનાં છે, જેથી કાલ ઊઠીને મામલો બહાર જાય નહીં. આમેય કોરોનાના કારણે આપણા દેશની છાપ દુનિયામાં ખરાબ પડી છે. ઉપરથી જો આ ઝોમ્બીવાળી વાત બહાર જાય તો પૂરી દુનિયા આપણા દેશ સાથે અને ખાસ તો આપણી કંપની સાથેના તમામ વ્યાપારિક સંબંધો કાપી નાખશે.’ જડ સ્વરે બોલીને તાઓએ પર્સમાંથી બંદૂક કાઢીને કહ્યું, ‘આમાં ચાંદીની બુલેટ્સ છે.’ અને પેલાં બંને જણ કાંઈ કરે એ પહેલાં તો એ બંનેનાં કપાળમાં એક-એક ગોળી ધરબાઈ ગઈ. બંનેની લાશ તરફ એક તીરછી નજર નાખીને તાઓ ત્યાંથી નીકળી ગઈ.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...