ઓફબીટ:જિંદગી : વન સાઈડ લવ...

અંકિત ત્રિવેદી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણી સૌથી ઘનિષ્ઠ મૈત્રી જેની સાથે છે એ જિંદગી છે. આપણે જેટલા આપણી જિંદગીથી નજીક છીએ એટલા બીજા કોઈ નથી. એને માણતા, મમળાવતા આવડવું જોઈએ. થોડીક અલગારી અને થોડીક ન્યારી છે, જિંદગી! એમાં થોડીક આપણાથી જ આપણને ખબર ન પડે એવી હરકતો થવી જોઈએ! બધું જ આપણું ધાર્યું ન થાય ત્યારે એની તરફ મોં મચકોડવાની જગ્યાએ એને જેવી છે એવી સ્વીકારી લેવાની ખેલદિલી રાખવી જોઈએ. બાળપણમાં પાણીમાં છબછબિયાં કરતા, યુવાનીમાં ભાઈબંધો સાથે વરસતા વરસાદમાં ભીંજાતા, એક જ છોકરી પાછળ વિતાવેલાં વર્ષોમાં, સવારની પહેલી ચાના કપમાં, રાતભર ઉદાસીના ઓશિકા નીચે સુકવેલાં સપનાંઓમાં, આપણે માંદા હતા ત્યારે આપણા માટે જાગેલા ઘરમાં, સરનામાં વગર બેફિકર થઈને ફરતા હતા ત્યારે, ચિંતા મહેમાને અચાનક બહાર પાડેલા ફરમાન જેવી લાગતી હતી ત્યારે... જિંદગીને બધાંએ બહુ નજીકથી જોઈ છે અને તોય કોઈ એમ નથી કહેતું કે જિંદગીને નજીક રાખી શક્યા છીએ. બાલમુકુંદ દવેની પંક્તિઓ છે... ‘સંગનો ઉમંગ માણી, જિંદગીને જીવી જાણી.’ જિંદગીને જીવી જાણવી– એમાં જ સંગનો ઉમંગ છે. આપણે આપણાથી બેખબર છીએ. આપણને જ આપણે બાજુ પર મૂકી દીધા છે. થોડીક પોસાય એવી ભૂલો કરવી જોઈએ. થોડીક આવડતમાં આપણી સ્વાર્થ વગરની વૃત્તિને ઉમેરવી જોઈએ. આપણી જવાબદારી જ એટલી અગત્યની નથી! જિંદગી જેટલી આપણી પાસે છે એનાથી વધારે પ્રકૃતિ પાસે છે. વસવસો જીવવાનો નશો ઓછો કરી નાખે છે! બીજાને બાદ કરીને જીવવાનું લિસ્ટ રાખનારા આપણે આપણને ઉમેરીને જીવવાનું રાખવું જોઈએ. શરીર પર જે જગ્યાએ વાગ્યું હોય એ જગ્યા છોલાઇને ઊપસે છે. જીવનભર એ જગ્યા પછી યાદ રહી જાય છે. એ જગ્યા ટેટૂ કરતાં પણ વધુ ખૂબસૂરત હોય છે. શ્વાસ ઉછીના છે, ઉંમર-સંબંધો બધું જ ઉછીનું છે. આપણે પણ ઉછીનાં જ છીએ એમાં કશું ખાસ નથી! આપણે આ ઉછીનાને કેટલી ખૂબીથી આપણા કરી શકીએ છીએ– એ અગત્યની વાત છે! આપણાપણું ઉમેરીને જીવવામાં નિરાશાપણું ક્યાંય ભુંસાઈ જશે એની ખબર પણ નહીં પડે! હંમેશાં પોતાનું વિચારનારા આપણે ક્યારેય આપણામાં જીવાતી જિંદગી વિશે વિચાર્યું છે? એ શું ઝંખે છે? એ કો’કને સુગંધના સંબંધમાં બીડેલું ગુલાબ આપવા માંગે છે. એ કોઈકને સામે ચાલીને કારણ વગર માફ કરવા માંગે છે. એ કોઈકના ચશ્માંની ઓઘરાળાવાળી ફ્રેમ લૂછીને એની દૃષ્ટિમાં ચમક આપવા માંગે છે, એને જેણે જેણે ધિક્કાર આપ્યો છે એ બધાંને આત્મીય થવાનો અધિકાર આપવા માંગે છે. એ ટાઇમ ટેબલના રુટિનની બહાર વરસાદી સાંજે પોતાની જાત સાથે ગપાટા મારવા માંગે છે, જૂના મિત્રોને મળીને ફરીથી ટાઇમ પાસ કરવા માંગે છે, અંગત મિત્રોના ગ્રૂપમાં તોફાની ફોરવર્ડ મોકલીને પોતાના આયખાને સ્ટેચ્યૂ કહેવા માંગે છે, ડાયેટિંગ કરનારી કે જીમ જનારી વ્યક્તિ સાતમાંથી એક દિવસ જેમ ‘ચીટ ડે’ ઊજવે છે એવો એક દિવસ પોતાને માટે જીવવા માંગે છે, જે ઉસૂલ પાછળ આખી જિંદગી વસૂલી હોય એમાં દમ ન હોય એની ખબર પાછળથી ન પડે એટલું કહેવા માંગે છે. જિંદગી આપણી પાસેથી ઝંખે છે કારણ કે એ આપણને ‘વન સાઈડ લવ’ કરે છે... આપણે લવ ઓછો અને લવ લવ વધારે કરીએ છીએ.⬛ ઓન ધ બીટ્સ તા મન્મનસ્કા મત્પ્રાણા મદર્થે ત્યત્કદૈહિકાઃ મારું મન જ ગોપીઓનું મન છે. મારા પ્રાણોથી જ એના પ્રાણોને અર્થ મળે છે. મદર્થઃ એટલે મારા માટે જ એમણે દેહનાં દરેક લૌકિક કાર્યોનો ત્યાગ કર્યો છે. ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...