બ્લેક એન્ડ વ્હાઈટ:ઝીરો ટૂ હીરો!

આશુપટેલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકન ઈન્ડિયન યૂ-ટ્યૂબર લીલી સિંઘે પોસ્ટ દિવાળી પાર્ટી આપી એમાં પ્રિયંકા ચોપરા, મિન્ડી કેલિંગ, કાર્લ પેન, દીપિકા મુટ્યલા, રાધી દેવલુકિયા-શેટ્ટી, કુણાલ નાયર, પૂર્ણાં જગન્નાથન, મીના હેરિસ અને ટેસર સહિતના ઈન્ડિયન અમેરિકન એક્ટર્સ અને ટાયરા બેન્કસ તથા બ્રેન્ડા સોંગ જેવા અમેરિકન એક્ટર્સે ભાગ લીધો. એ પછી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘વોટ મેક લીલી સિંઘ બેસ્ટ હોસ્ટ એન્ડ બેસ્ટ દોસ્ત? એની પાર્ટી અનેરી જ હોય છે.’ બાય ધ વે, લીલી સિંઘ અગાઉ પ્રિયંકા ચોપરા અને તેનાં પતિ નિક જોનસે પણ દિવાળી નિમિત્તે પાર્ટી આપી હતી. સેલિબ્રિટી યૂ ટ્યૂબર, કોમેડિયન અને એક્ટ્રેસ તથા ટેલિવિઝન હોસ્ટ તરીકે મશહૂર બનેલી લીલી સિંઘની સફળતા ભલભલા કલાકારોને ઈર્ષ્યા કરાવી દે તેવી છે. લીલીને અત્યારે અમેરિકાનાં જ નહીં, દુનિયાનાં કરોડો લોકો ઓળખતા થઈ ગયા છે, પરંતુ લીલી સિંઘ યૂ-ટ્યૂબર તરીકે જગવિખ્યાત બની એ અગાઉની (અને એ પછીની પણ) વાત બહુ રસપ્રદ છે. 27 સપ્ટેમ્બર, 1988ના દિવસે કેનેડાના ઓન્ટેરિયોમાં જન્મેલી લીલીનાં માતા-પિતા માલવિન્દર કૌર અને સુખવિંદર સિંઘ પંજાબના હોશિયારપુરના વતની છે. લીલીની મોટી બહેન ટીના સિંઘ પણ યૂ-ટ્યૂબર છે. લીલી નાની હતી ત્યારે ટોમબોય જેવી હતી. લીલીએ 2006માં લેસ્ટર બી. પીઅર્સન કૉલેજિયેટ ઈન્સ્ટિટ્યૂટમાંથી કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. એ પછી તેણે ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીમાંથી 2010માં સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. લીલીનો પરિવાર કેનેડામાં રહેતો હોવા છતાં તેના પરિવાર પર ભારતીય સંસ્કૃતિની ઊંડી અસર છે. લીલીની માતા માલવિન્દર કૌર ઈચ્છતી હતી કે લીલી અભ્યાસની સાથે ઘરનું કામ પણ શીખે, જેથી એ સાસરે જાય ત્યારે તેને કામ લાગે, જ્યારે લીલીના પિતા ઈચ્છતા હતા કે લીલી માસ્ટર ડિગ્રી લઈને શિક્ષણ ક્ષેત્રમાં જાય, પ્રોફેસર બને. લીલી સાઈકોલોજીનો અભ્યાસ કરી રહી હતી એ દરમિયાન અચાનક તેનો જીવનમાંથી રસ ઊડવા લાગ્યો. તેની જિંદગી બોજરૂપ બની ગઈ. તેને કશું કરવાનું મન નહોતું થતું. તે બધાંથી દૂર થવા લાગી. તેનો મિત્રો સાથેનો સંપર્ક તૂટી ગયો. એ દિવસોમાં લીલીનું ખાવાનું બિલકુલ ઓછું થઈ ગયું. તે અંતર્મુખી બની ગઈ. તેને કશું જ ગમતું નહોતું અને તેને જિંદગી એકદમ નિરર્થક અને નીરસ લાગવા માંડી. લીલીની એ હાલત જોઈને તેનાં માતા-પિતાને ચિંતા થવા લાગી. તેઓ તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે લીલી ભયંકર ડિપ્રેશનનો સામનો કરી રહી છે. લીલીને પોતાને પણ સમજાતું તો હતું કે તે ડિપ્રેશનમાં છે. તેને એ પણ સમજાતું હતું કે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે તેણે ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ, પોતાને ગમે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે તે પોતે સાઈકોલોજી ભણી ચૂકી હતી, પરંતુ તે પોતાનું સાઇકોલોજીનું જ્ઞાન અમલમાં મૂકી શકતી નહોતી. માણસ પાસે ગમે એટલું જ્ઞાન હોય, પણ નબળા વિચારો તેના જીવન પર હાવી થઈ જાય ત્યારે તેનું જ્ઞાન નિરર્થક સાબિત થતું હોય છે. આવું જ લીલીના જીવનમાં બની રહ્યું હતું. ડિપ્રેશનના એ દિવસોમાં લીલીને એક વખત તેના બાળપણની કોઈ વાત યાદ આવી અને તેને હસવું આવી ગયું. એ દિવસે તે એ વખતે ઘણા દિવસો બાદ હસી હતી. લીલીને થયું કે બાળપણની યાદો પર વિડીયો બનાવવો જોઈએ. તેણે પોતાના મોબાઈલફોન પર એવું એક વિડીયો રેકોર્ડિંગ કર્યું અને એ વિડીયો જોઈને તેને લાગ્યું કે તે સારી કૉમેડી કરી શકશે. તેણે તેના પિતાને કહ્યું કે મારે યૂ ટ્યૂબ માટે કૉમેડી વિડીયોઝ જ બનાવવા છે. તેના પિતાની ઈચ્છા હતી કે તે સાઈકોલોજીમાં આગળ અભ્યાસ કરે અને માસ્ટર ડિગ્રી મેળવે, પરંતુ લીલીએ પિતાને વિનંતી કરી કે મને બસ એક વર્ષનો સમય આપો. હું યૂ-ટ્યૂબર તરીકે કશું ઉકાળી ન શકું તો પછી તમે કહેશો તેમ કરીશ. એ પછી લીલીએ 2010માં યૂ ટ્યૂબ પર ‘સુપરવુમન’ નામની ચેનલ શરૂ કરી. એમાં ત્રણ પાત્રો હતાં : એક બેફિકર અને બિન્ધાસ્ત ટીનેજર છોકરી, તેના પરંપરામાં માનતાં માતા-પિતા. લીલી પોતે જ એ ત્રણેય પાત્ર અલગ-અલગ અંદાજમાં ભજવતી હતી! લીલી એમાં ટીનેજર છોકરી અને તેનાં માતા-પિતા વચ્ચેના વિરોધાભાસી વિચારો પરથી કૉમેડી કરતી હતી. તેના વિડીયો મશહૂર થવા લાગ્યા. કેનેડામાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં તેના વિડીયોઝ દર્શકો જોવા લાગ્યા. તેના વિડીયો ખૂબ જ લોકપ્રિય બન્યા. અત્યારે તેની યૂ ટ્યૂબ ચેનલના સબ્સ્ક્રાઈબરની સંખ્યા પંદર મિલિયન જેટલી છે અને તેના વિડીયો વ્યૂઝની સંખ્યા સાડા ત્રણસો કરોડનો આંક વટાવી ગઈ છે! 2016 સુધીમાં તો લીલીની સફળતા અકલ્પ્ય સ્તરે વધી ગઈ. તે દુનિયામાં સૌથી વધુ આવક મેળવનાર યૂ ટ્યૂબ સ્ટાર્સમાં ત્રીજા નંબરે આવી. તેને અઢળક એવોર્ડ મળવા લાગ્યા. તેણે 2015માં વર્લ્ડ ટૂર કરી અને એ દરમિયાન દુનિયાના જુદા-જુદા દેશોમાં કેટલાય સ્ટેજ શો કર્યા. તેણે પોતાની વર્લ્ડ ટૂર પર ડોક્યુમેન્ટરી બનાવી. એ પછી તેનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું, જે બેસ્ટસેલર બન્યું. લીલીએ પ્રેરણાદાયી પ્રવચનો આપવાનું પણ શરૂ કર્યું. મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તેનું નામ પ્રખ્યાત થવા લાગ્યું. એક સમયે ડિપ્રેશનમાં સરી પડેલી લીલી યૂ ટ્યૂબર તરીકે સુપર સેલિબ્રિટી બની ગઈ. તેણે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી એક્ટિંગ પણ શરૂ કરી. તેણે 2011માં ‘સ્પીડી સિંઘ્સ’ અને ‘થેન્ક યુ’ ફિલ્મોમાં અભિનય કર્યો. એ પછી 2014માં ઈન્ડો-કેનેડિયન પ્રોડક્શનની ‘ડૉક્ટર કેબીઝ’ ફિલ્મમાં પણ રોલ કર્યો, તો 2016માં તેણે એનિમેટેડ ફિલ્મ ‘આઈસ એઈજ: કોલિઝન કોર્સ’માં પોતાનો અવાજ આપ્યો. તેણે પોતાની યૂ ટ્યૂબ ચેનલ પર ઘણી વેબ સિરીઝ પણ કરી. તે જગવિખ્યાત એચબીઓ ચેનલની ટેલિવિઝન ચેનલમાં પણ ચમકી. તેણે લાઈવ પર્ફોર્મન્સ પણ ખૂબ આપ્યાં. 2017માં તેને બાળકોના હકોની ઝુંબેશ માટે યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર બનાવાઈ. તેણે 2018ના જુલાઈ મહિનામાં યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર તરીકે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો અને ત્યાંની ઘણી બધી સ્કૂલોમાં જઈને તેણે ક્લાસરૂમમાં થતી હિંસા અને રેગિંગ દૂર કરવા માટે પ્રવચનો આપ્યાં. લીલીને અત્યાર સુધીમાં ડઝનબંધ એવોર્ડ્સ મળી ચૂક્યા છે. જગમશહૂર ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા 2017નું દુનિયાના હાઈએસ્ટ પેઈડ યૂ ટ્યૂબરનું લિસ્ટ જાહેર કરાયું હતું એમાં લીલી દસમા નંબર પર આવી હતી. લીલીએ એ એક વર્ષ દરમિયાન 10.5 મિલિયન ડોલરની એટલે કે એ સમય પ્રમાણે આશરે 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 2018માં તેનું નામ મોસ્ટ પાવરફુલ પીપલ ઈન કૉમેડીના લિસ્ટમાં પણ આવ્યું હતું. 2019માં ‘લીલી સિંઘે ‘અ લિટલ લેટ વિથ લીલી સિંઘ’ નામનો લેટ નાઈટ શો કર્યો. ભારતીય મૂળની કોઈ વ્યક્તિએ મેઈન સ્ટ્રીમ ચેનલમાં લેઇટ નાઈટ શો હોસ્ટ કર્યો હોય એવો એ પ્રથમ કિસ્સો હતો! માણસ સપનાં જુએ અને પોતાની જાતમાં શ્રદ્ધા રાખીને તેને સાકાર કરવા માટે મહેનત કરે તો કેવું ચમત્કારિક પરિણામ લાવી શકે એનો પુરાવો લીલી સિંઘ છે. {

અન્ય સમાચારો પણ છે...