દીવાન-એ-ખાસ:ઝાહિરા શેખથી તિસ્તા સેતલવાડ કભી હીરો, કભી ઝીરો!

વિક્રમ વકીલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અતિ મહત્ત્વાકાંક્ષા અતિ ઘાતક પુરવાર થાય છે. તિસ્તાના કિસ્સામાં એ જ થયું છે

તમને ઝાહિરા શેખનું નામ યાદ છે? હા, એ જ ઝાહિરા શેખ, જેને રાષ્ટ્રીય અંગ્રેજી મીડિયાએ એક જમાનામાં ‘ક્રાંતિકારી મહિલા’ તરીકે ચીતરી હતી? એક અગ્રગણ્ય અંગ્રેજી મેગેઝિને જેને ‘વુમન ઓફ ધ યર’નો ખિતાબ આપ્યો હતો? જી, હા આપણા વડોદરાની ઝાહિરા શેખ કે જેણે 2002નાં હુલ્લડો પછી ગુજરાત સરકાર વિરુદ્ધ કેટલાંક ચોંકાવનારાં નિવેદનો કર્યાં હતાં. વડોદરાના બહુ ગાજેલા બેસ્ટ બેકરી કેસના સાક્ષી બનવાનું ઝાહિરાએ કબૂલ્યું ત્યારે સેક્યુલર મીડિયા તેના પર સમરકંદ બુખારા ઓવારી ગયું હતું. કહેવાતા પત્રકાર–સમાજ સેવિકા, તિસ્તા સેતલવાડે ઝાહિરાને ટ્રોફીની જેમ સાથે લઈને દેશભ્રમણ કર્યું હતું! જોકે, ખૂબ જ ટૂંકા ગાળા માટે આસમાનમાં વિહરતી એક ગરીબ છોકરી સટાક દઈને જમીન પર પટકાઈ અને પાતાળમાં ઉતરી ગઈ! જે મીડિયા, ઝાહિરાને માથા પર લઈ ડાન્સ કરતું હતું એણે જ ઝાહિરાને માથે ‘ગદ્દાર’નું લેબલ લગાડ્યું અને એ જ તિસ્તા સેતલવાડે ઝાહિરાને જેલ ભેગી કરવા માટે પોતાની તમામ તાકાત અને યુક્તિ–પ્રયુક્તિ લગાડી દીધી! ઝાહિરા શેખનો વાંક શું હતો? એ જ કે, એણે પાછળથી જાહેર કર્યું કે હુલ્લડો બાબતે ખોટાં નિવેદનો આપવા માટે એને પૈસા આપીને ખોટી ચઢામણી કરવામાં આવી હતી. ખલ્લાસ! સેક્યુલર મીડિયા માટે ઝાહિરા હવે ક્રાંતિકારી યુવતી નહીં પરંતુ વિલન હતી, ડિટ્ટો તિસ્તા સેતલવાડ માટે. એક ગરીબ મુસ્લિમ યુવતીની જિંદગી બરબાદ થઈ ગઈ અને આજે એ ઝાહિરા શેખ કોઈને યાદ નથી. રાજકીય આટાપાટામાં નિર્દોષ મુસ્લિમોનો પ્યાદા તરીકે ઉપયોગ કરવાનો તિસ્તા પર આરોપ ફક્ત એસઆઇટીએ નથી લગાવ્યો, પરંતુ એક જમાનાના તિસ્તાના ખાસ સાથીદાર રઇસ ખાને પણ લગાવ્યો છે. 2002નાં હુલ્લડોમાં ગુજરાતભરનાં હિન્દુ-મુસ્લિમોએ સહન કરવું પડ્યું હતું એ તો જગજાહેર છે. અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં રહેતાં અસરગ્રસ્ત મુસ્લિમો માટે તિસ્તા સેતલવાડે, સમાજ સેવક રઇસ ખાનની મદદથી ફંડફાળો ઉઘરાવવાનો શરૂ કર્યો હતો. પૈસા ઉઘરાવવા માટે તિસ્તા વિદેશ પણ ગઈ હતી. કરોડો રૂપિયાના ફંડ ઉઘરાવીને તિસ્તાએ એ ફંડનો દુરુપયોગ વાઇન, ફ્લાઈટની ટિકિટ્સ અને બ્યૂટીપાર્લર માટે કર્યો હોવાનો કેસ પણ તિસ્તા પર ચાલી રહ્યો છે. આ લખાય છે ત્યારે બીજા ઘણા બધા આરોપ હેઠળ તિસ્તા જેલમાં છે અને જામીન મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. તિસ્તાના વડદાદાઓ દેશના નામાંકિત વકીલ હતા. તિસ્તાએ મુસ્લિમોના મસીહા બનવા માટે ‘સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ’ નામનું એનજીઓ શરૂ કર્યું હતું, જેના નામે ઘણા ગોરખધંધાઓ કર્યા હોવાનો આરોપ એના પર છે. વિદેશ જઈને મુસ્લિમોના ઉદ્ધારક હોવાની વાતો કરવા પાછળ એનો ઉદ્દેશ્ય પૈસા મેળવવાનો જ હતો એવો આક્ષેપ પણ રઈસ ખાને કર્યો છે. ‘ગુલબર્ગ સોસાયટી’માં એક મ્યુઝિયમ બનાવવાના નામે પણ એણે ઘણા રૂપિયા ગજવે કર્યા હોવાના આરોપનો સામનો પણ તિસ્તા કરી રહી છે. તિસ્તાના પતિ જાવેદ આનંદ પણ ‘સબરંગ ટ્રસ્ટ’ ચલાવે છે. આજે આ મિયાં-બીબી સામે હુલ્લડનાં અસરગ્રસ્ત મુસ્લિમો જ પડ્યાં છે. ખુદ ગુલબર્ગ સોસાયટીના રમખાણગ્રસ્તો જ તિસ્તા એન્ડ કંપની સામે સાક્ષી તરીકે રજૂ થવા તૈયાર છે. અહીં એક આડવાત કરી લઈએ. તિસ્તા સેતલવાડને કારણે સ્વ. અહેમદ પટેલનું નામ પણ કારણ વગર વિવાદમાં આવ્યું છે. અહેમદ પટેલને નજીકથી જાણનારાઓને ખબર છે જ કે અહેમદભાઈ કદી કોઈપણ સરકારને ગેરકાયદેસર રીતે ઊથલવવા માટે કોઈને પૈસા ન આપે. જરૂરિયાતોને તમામ પ્રકારની મદદ કરવા માટે તેઓ હંમેશાં તૈયાર રહેતા હતા અને એટલે જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ પણ પ્રેસ કોન્ફરન્સમાં અહેમદ પટેલને ક્લીનચીટ આપીને તિસ્તાને જ જવાબદાર ઠેરવી છે. અતિ મહત્ત્વાકાંક્ષા, અતિ ઘાતક પુરવાર થાય છે. તિસ્તાના કિસ્સામાં પણ એ જ થયું છે. પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પછી એને રાજ્યસભાના સભ્ય બનવાના અભરખા થયા હતા, પરંતુ છેવટે ઝાહિરાની જેમ એ પણ જેલમાં પહોંચી ગઈ. કદાચ એને ઝાહિરા શેખની હાય લાગી હશે?⬛vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...