તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યંગરંગ:તમારા ભાઈ!

ડો. પ્રકાશ દવે2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છે કોઇ ભાષામાં તાકાત કે એક શબ્દ પ્રયોગમાત્રથી એક કાંકરે અનેક પક્ષી મારી શકે?!

તમારા ભાઈ’ એ પરણેલી ગુજરાતી સ્ત્રીએ વિશ્વને આપેલો મૌલિક શબ્દ છે. આ શબ્દની મદદથી ભારતીય નારી તેની સાથે રહેલા પુરુષનો આખા જગતને પરિચય કરાવી શકે છે. વળી, પોતાના સિવાયની વિશ્વની તમામ સ્ત્રીઓને આ એક શબ્દની મદદથી પતિની બહેન બનાવી દે છે અને પતિ પર પોતાનો એકાધિકાર પ્રસ્થાપિત કરી દે છે. ‘તમારા ભાઈ’ એ કોઈ એક કે બે શબ્દ માત્ર નથી. હકીકતે આ પતિ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. આપણી પરીક્ષાઓમાં પણ સમાનાર્થી શબ્દમાં કોઈ પતિનો જવાબ ‘તમારા ભાઈ’ એવો આપે તો એ જવાબ સાચો પાડવો જોઈએ. વિશ્વની ભાષાઓએ આ શબ્દનો હજી કેમ સમાવેશ નથી કર્યો એ એક વિચાર માગી લેતો મુદ્દો છે. (નોંધ:- શબ્દકોશમાં ‘તમારા ભાઈ’ શબ્દનો સમાવેશ એ મુદ્દો છે, ખુદ ‘તમારા ભાઈ’ એ મુદ્દો નથી!) વિશ્વમાં પતિ માટે સૌપ્રથમ ‘તમારા ભાઈ’ શબ્દનો ઉપયોગ કોણે કર્યો હશે એ અલબત્ત, સંશોધનનો વિષય છે. છતાં એવું લાગ્યા વિના નથી રહેતું કે એ સ્ત્રી ગુજરાતી હોવી જોઈએ! અહાહા.. પતિ માટે ‘તમારા ભાઈ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર એ સ્ત્રી કેવી મૌલિક વિચારનારી અને બુદ્ધિશાળી હશે, જેણે ‘તમારા ભાઈ’ જેવા એક શબ્દપ્રયોગથી વિશ્વની તમામ સ્ત્રીઓને પોતાના પતિની બહેન બનાવી દીધી! ઇતિહાસમાં તલવારના એક ઝાટકે દુશ્મનનું માથું ધડથી અલગ કરી દેનારા યોદ્ધાના નામ અમર થઈ ગયા છે, પણ એક શબ્દના ઉપયોગથી તમામ સ્ત્રીઓને પતિથી દૂર ધકેલી દેનાર સ્ત્રીને કોઈ યાદ પણ કરતું નથી. શું આ એક સ્ત્રીને અન્યાય નથી? હકીકતે સ્ત્રીઓ માટે લડતી સંસ્થાઓએ આગળ આવી ‘તમારા ભાઈ’ શબ્દની શોધક સન્નારીને શોધી કાઢવી જોઈએ અને એ હાલ હયાત ન હોય તો એના વારસદારોને શોધી એનું ઉચિત સન્માન કરવું જોઈએ. જે દિવસે આ શબ્દનો સૌપ્રથમ વખત પ્રયોગ થયો હોય એ દિવસને ‘તમારા ભાઈ’ દિવસ જાહેર કરવો જોઈએ. એ દિવસે બહેનોએ વિશ્વના તમામ ‘તમારા ભાઈઓ’ માટે સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ શબ્દપ્રયોગ એ માત્ર પતિની અન્યને ઓળખાણ આપવાની એક સ્થૂળ ક્રિયા માત્ર નથી. એની પાછળ વિશ્વબંધુત્વની એક ઉદાત્ત ભાવના પણ રહેલી છે, એ બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યું હશે. સાવ અજાણી વ્યક્તિને એક સ્ત્રી એક ક્ષણમાં આપણો ભાઈ બનાવી દે છે એ જેવીતેવી વાત નથી. આ શબ્દપ્રયોગ કરતી વખતે ધર્મ, પ્રદેશ, ભાષા, જ્ઞાતિ, પૈસા એ બધું ગૌણ બની જાય છે. આ શબ્દમાં ભારતીય સંસ્કૃતિની એ ભવ્ય બાબત પણ સ્વાભાવિક રીતે જ વણાઈ જાય છે જેમાં સામેની વ્યક્તિને કશુંક આપવાની વાત છે. દા.ત. કોઈ પરદેશી સ્ત્રી પતિની (અલબત્ત, પોતાના જ!) ઓળખાણ આપશે ત્યારે ‘માય હસબન્ડ’ એમ કહેશે. આપણી બહેનો પતિની ઓળખાણ આપશે ત્યારે ‘તમારા ભાઈ’ કહેશે. જોયું?.. મતલબ કે સમજાયું? પરદેશી સ્ત્રી ‘મારું મારું’ કહે છે, જ્યારે આપણી સ્ત્રી ‘તમારું તમારું’ કહે છે. આ જ તો તફાવત છે મિત્રો.. સમજદાર કો ઈશારા કાફી હૈ! અનેક વ્રતો કરીને મેળવેલો પતિ એક સેકન્ડમાં ‘તમારો’ કરી દેવો એ જેવીતેવી વાત નથી મિત્રો! અને આમાં મજાની વાત એ છે કે આમ પતિને આખેઆખો ‘તમારો’ બનાવી દેવાતો હોવા છતાં જે તે સ્ત્રી પાસે તો એ એટલો ને એટલો જ રહે છે! છે કોઈ ભાષામાં કે સ્ત્રીઓમાં આવી તાકાત કે જે એક શબ્દના પ્રયોગમાત્રથી એક કાંકરે અનેક પક્ષી મારી શકે?! ધન્ય છે વિશ્વની એ તમામ સ્ત્રીઓ જેણે પતિને ‘તમારા ભાઈ’ બનાવી દીધા છે! ⬛

અન્ય સમાચારો પણ છે...