મેંદી રંગ લાગ્યો:તમે આવોને મારા સમ, આવજો રસિયાજી;

નીલેશ પંડ્યા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ સમયે આવાં ગીતોનાં માધ્યમથી લોકજીવનનું કોમ્યુનિકેશન ચાલતું રહેતું

તમે આવોને મારા સમ, આવજો રસિયાજી; તમને તમને મારા સમ, આવજો રસિયાજી. તનમનિયાં મારાં ત્રોડી લીધાં ઝરમર લીધી ઝૂંટી, મારા સમ આવજો રસિયાજી... આ છોતા જેવડી છોકરડી, મને ‘ભાભી’ કહી બોલાવે, મારા સમ આવજો રસિયાજી... આ ડેડક જેવડો દેરીડો, મને ‘એલી’ કહી બોલાવે, મારા સમ આવજો રસિયાજી... આ મરચા જેવડી નણંદડી, મને નત નત મેણાં મારે, મારા સમ આવજો રસિયાજી... જ્યારે શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ નહોતી, અક્ષરજ્ઞાન નહોતું, ખતખબર લખવાનો રિવાજ કે પોસ્ટ જેવો કોઈ વિભાગ ન હતો, રેડિયો, ટેલિવિઝન, ફોન જેવાં કોઈ ઉપકરણો નહોતાં કે કોઈ ટેક્નોલોજી પણ નહોતી ત્યારે સંદેશાવહનનું મુખ્ય સાધન લોકગીત હતું. સ્વજનને કે અન્યને મુખોમુખ કે વાયા વાયા કશુંક કહેવું હોય, કોઈ વાત પહોંચાડવી હોય ત્યારે બળુકું માધ્યમ લોકગાણું જ હતું. આવાં ગીતોનાં માધ્યમથી લોકજીવનનું કોમ્યુનિકેશન ચાલતું રહેતું. લોકગીતો હતાં ‘ફોક મીડિયા’નું મહત્ત્વનું અંગ, જેના દ્વારા ‘માસ કોમ્યુનિકેશન’ સરળતા અને સહજતાથી અસરકારક રીતે થતું રહેતું. ‘તમે આવો મારા સમ...’ લોકગીતમાં એક નવવધૂ પોતાના પરદેશી પિયુને સમ દઈને કહે છે કે હવે તમે ઘેર આવી જાવ. પતિ તો દેશદેશાવરમાં કમાવા માટે ગ્યો છે. એ વરસે દહાડે એકવાર આવે ને પંદર દિવસ કે મહિનો રોકાઈને પાછો જતો રહે પણ અચાનક નાયિકાએ કેમ તેડાવ્યો? એવું તે શું કારણ બન્યું કે પતિને છેક પરદેશથી પાછા આવવાનું કહ્યું? એને તેડાવવાનાં કારણો બહુ જ રસપ્રદ છે. નાયિકા કહે છે કે પરિવારના તાબૂક્ડા અને બહુ લાડકવાયા સભ્યોએ તનમનિયાં અને ઝરમર જેવાં મારાં આભૂષણો ઝૂંટવી લીધાં છે. નાની નાની છોકરીઓ મને ‘ભાભી’ કહીને બોલાવે છે, દિયર તો દેડકા જેવડો છે છતાં મને ‘એલી’ કહે છે ને તીખી તીખી બોલીવાળી નણંદ રોજે રોજ મને મેણાં મારે છે! આમાં કયું કારણ એવું છે જેને લીધે પતિએ પરદેશથી દોડી આવવું પડે? એકપણ નહીં...! નણંદીઓ અને દિયરિયા મજાક-મસ્તી કરે કે ઘરેણાં માગે એ બહુ મોટી સમસ્યા નથી જ પણ મૂળ કારણ એ છે કે પતિ પોતાનાથી દૂર છે એ સૌથી મોટું દર્દ છે! આ લોકગીત એ યુગનું છે જ્યાં નાયિકા પ્રાણપ્યારાને એવો સંદેશો ન મોકલી શકતી કે તમે ઘણા દિવસોથી દૂર વસો છો, છેક ક્યારે પાછા આવશો? તમારી બહુ યાદ સતાવે છે, તમે ઝટ આવી જાવ, હું તમારો વિરહ નથી સહન કરી શકતી...એટલે આવાં નણંદ-દિયર સતાવે છે એવાં ક્ષુલ્લક બહાનાં બતાવીને પતિને ઘેર આવી જવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પરદેશી પતિ બધું જ સમજે છે કે આ તો નગણ્ય કારણો છે પણ એનેય ઘેર આવવાની ધૂન સવાર થઇ હોય ને...! ગુજરાતી લોકગીતોનું ‘કન્ટેન્ટ’ એવું હોય કે એ ‘ટાર્ગેટ’ની આરપાર નીકળી જાય. અન્યોને ભલેને એવું લાગે કે આ ગીતોમાં કાંઈ નક્કર ‘થીમ’ નથી પણ પરદેશી પતિ અને વિરહિણી પત્નીનાં હૈયાંમાં જે તરંગો ઉઠતાં હોય એ સમદુઃખિયાંને સમજાય, અવરને નહીં.⬛ nilesh_pandya23@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...