અજવાળાનો ઓટોગ્રાફ:મારી અંદર પ્રવેશી રહેલી તું, એક ધારદાર છરી છે

ડૉ. નિમિત્ત ઓઝા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર કોઈના દૃષ્ટિકોણથી, મિલેનાની આખી સૃષ્ટિ સજીવન અને જીવંત થઈ ઊઠી

‘મારી અંદર પ્રવેશી રહેલી તું, એક ધારદાર છરી છે. જે મને લોહીલુહાણ કરે છે, એ જ ઘટનાને હું પ્રેમ કહું છું.’ Wow, સો રોમેન્ટિક! પ્રાગમાં જન્મેલા ટૂંકી વાર્તાઓના લેખક અને નવલકથાકાર ફ્રાન્ઝ કાફકાએ, પોતાની ‘રહસ્યમય’ પ્રેમિકા મિલેનાને આ લાઈન, એક પ્રેમપત્રમાં લખેલી. ફ્રાન્ઝ કાફકા જેવા મહાન વિશ્વ-સાહિત્યકારે કરેલી પ્રેમની ઝનૂની અભિવ્યક્તિઓ આપણને આ પત્રો તરફ ખેંચી જાય છે. આવા જ એક અન્ય પ્રેમપત્રમાં કાફકાએ લખ્યું છે કે ‘લખાયેલાં ચુંબનો એના નિર્ધારિત મુકામ સુધી નથી પહોંચતાં.’ એનો અર્થ એમ છે કે ઈમોજી સ્વરૂપે કે કાગળ પર મોકલાયેલી Kisses નિરર્થક છે. ફક્ત ‘કરાયેલાં’ ચુંબનો જ પ્રેમને આગળ વધારે છે. ફ્રાન્ઝ કાફકા અને મિલેના જેસેન્સ્કા વચ્ચેનું લવ-અફેર 1920માં પત્રોના માધ્યમથી શરૂ થયેલું. એ સમયે કાફકા એક પ્રસ્થાપિત, સર્વસ્વીકૃત અને ખ્યાતનામ સાહિત્યકાર બની ગયેલા અને મિલેના, સંઘર્ષ કરી રહેલાં ફક્ત 23 વર્ષનાં એક નવોદિત લેખિકા. ટ્રાન્સલેટર તરીકે વિએનામાં કામ કરી રહેલાં મિલેના, એ સમયે એક એવાં લગ્નજીવનમાં ફસાયેલાં, જે ધીમે ધીમે તૂટી રહ્યું હતું. એ જ સમયે એમનાં બ્લેક એન્ડ વ્હાઈટ, ડલ અને બોરિંગ જીવનમાં કાફકા પ્રવેશ્યા, જેમણે પોતાનાં લખાણ, વાર્તા અને વિચારો દ્વારા મિલેનાની સૃષ્ટિનું નવેસરથી રંગરોગાન કરાવી આપ્યું. કાફકાની લેખનશૈલી, શબ્દો અને વિચારોએ મિલેના ઉપર એવો જાદુ કર્યો કે અચાનક તેઓ પોતાની જિંદગીને પૂરી તીવ્રતા અને સમગ્રતાથી ચાહવા લાગ્યાં. માત્ર કોઈના દૃષ્ટિકોણથી, મિલેનાની આખી સૃષ્ટિ સજીવન અને જીવંત થઈ ઊઠી. બંને વચ્ચે પત્રવ્યવહાર વધતો ગયો. નિકટતા કેળવાતી ગઈ. પ્રાગમાં રહેતા કાફકા અને વિએનામાં રહેતી મિલેના વચ્ચે એક વિશાળ મહાસાગર જેટલું લાંબું ભૌગોલિક અંતર હોવા છતાં પણ સમયની સાથે તેમનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. આ પત્રવ્યવહારની શરૂઆત ત્યારે થયેલી, જ્યારે કાફકાની એક ટૂંકી વાર્તા ‘The Stoker’નો જર્મનમાંથી ચેક ભાષામાં અનુવાદ કરવા માટેની મંજૂરી માંગતો એક પત્ર મિલેનાએ કાફકાને લખ્યો. વળતા પત્રમાં, કાફકાએ સુંદર જવાબ લખ્યો. માર્ચથી ડિસેમ્બર 1920ની વચ્ચે, કાફકાએ મિલેનાને અઢળક એવા પત્રો લખ્યા જેમાં પ્રેમની ઊંડાઈ અને પ્રેમીની ઊંચાઈ બંને જોઈ શકાય છે. કાફકાના જીવનમાં એ એક એવો સમયગાળો હતો જ્યારે તેઓ સંપૂર્ણ સમર્પિત અને ફુલટાઈમ પ્રેમી બની ગયેલા. તેઓ મિલેનાને દરરોજ પત્રો લખતા. ક્યારેક તો એક જ દિવસમાં અનેક પત્રો લખતા. એક પત્રમાં તેમણે લખ્યું છે, ‘તું પણ મને દરરોજ પત્ર લખતી જા. ભલે ટૂંકો, બે વાક્યનો કે એક જ શબ્દનો, પણ પત્ર દરરોજ લખતી જા. પત્ર લખવાની આળસ આવે, તો ‘આળસ આવે છે’ એટલું લખીને પોસ્ટ કરી દેજે. પણ તારા પત્રો વગર પસાર થતા દિવસો મને બહુ આકરા લાગે છે.’ 23 વર્ષની એક પરિણીત યુવતી અને 38 વર્ષના એક અપરિણીત યુવક વચ્ચેના આ એક્સ્ટ્રા-મેરાઈટલ લવ-અફેર વિશે સંપૂર્ણ સભાન રહેલા કાફકાએ શરૂઆતમાં જ મિલેનાને ચેતવેલી કે ‘તું મારા પ્રેમમાં નહીં, એક એવી ઊંડી ખીણમાં પડી રહી છે, જેમાંથી બહાર નહીં નીકળી શકે.’ પણ મિલેનાને ખીણમાં પડવું મંજૂર હતું. વાસ્તવિક જીવનમાં તેઓ બંને ફક્ત બે જ વાર રૂબરૂ મળ્યા. જૂન 1920માં ચાર દિવસ તેઓ વિએનામાં સાથે રહ્યા અને ત્યાર બાદ ઓગસ્ટ મહિનામાં એક ટૂંકી મુલાકાત ઓસ્ટ્રિઅન-ચેક બોર્ડર પર. એક સુંદર લોંગ-ડિસ્ટન્સ રોમેન્ટિક રિલેશનશિપનો અણધાર્યો અને દુર્ભાગ્યપૂર્ણ અંત આવવાના અનેક કારણો હતાં. તેમની વચ્ચે રહેલું ભૌગોલિક અંતર, ધીમે ધીમે બગડી રહેલી કાફકાની તબિયત અને પતિને ન છોડી શકવાની મિલેનાની મજબૂરી. છેવટે કાફકાએ જ આ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. એક અમર પ્રેમકથા રચાતાં પહેલાં જ ભુંસાઈ ગઈ. બ્રેક-અપનાં બે-ત્રણ વર્ષ પછી કાફકાનું અકાળે અવસાન થયું. વીસ વર્ષ પછી એક કોન્સન્ટ્રેશન કેમ્પમાં બીમાર અને એકલતાની હાલતમાં મિલેનાએ દેહ છોડ્યો. બહુ જ ટૂંકા સમય માટે એકબીજાની નજીક આવેલાં પંખીઓ, માળો બાંધતાં પહેલાં જ પોતપોતાના આકાશમાં ઊડી ગયાં. એ પ્રેમકથા અમર ભલે ન હોય, પણ યાદગાર જરૂર રહેશે, કારણ કે એ પત્રોમાં કાફકાએ પોતાની જાત નિચોવીને મૂકી દીધી છે. એ પત્રો હવે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે, જેનું નામ છે ‘લેટર્સ ટુ મિલેના’. એમાંના એક પત્રમાં રહેલી કાફકાની ચમત્કૃતિનો અંશ તમારી સામે પ્રસ્તુત કરું છું. એક પત્રના અંતમાં લિખિતંગ પછી પોતાનું નામ લખવાને બદલે કાફકાએ ફક્ત ‘Yours’ (તારો) લખ્યું છે. એમાં એક બ્રેકેટ બનાવીને કાફકાએ લખ્યું છે : ‘તારા પ્રેમમાં હું મારું નામ અને ઓળખ બંને ગુમાવી ચૂક્યો છું. એટલે ફક્ત તારો.’ પ્રેમની સાથે ભેટમાં મળતી અસંખ્ય યાતનાએ કાફકાની વાતને સાચી પુરવાર કરી. ‘મારી અંદર પ્રવેશી રહેલી તું, એક ધારદાર છરી છે.’ ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...