તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણી વાત:તમે પણ એક પર્સનલ ગોડ રાખી જુઓ

એક મહિનો પહેલાલેખક: વર્ષા પાઠક
 • કૉપી લિંક

સુિચાર એટલે શું? અને જે વિચાર રજૂ થયો હોય એ સુવિચાર એટલે કે સારો વિચાર જ છે, એવું કોણ નક્કી કરી શકે? એ જેના ભેજાંમાં ઊપજ્યો હોય એ પોતે કે પછી એને બહુ સારો માનીને આગળ વહેતો મૂકનારાં લોકો? અને હજી વધુ એક સવાલ - એક જ વિચાર કોઈના માટે ‘સુ’ અને કોઈના માટે ‘કુ’ કેટેગરીમાં આવી શકે? એનું એક ઉદાહરણ જોઈએ. ‘કોઈ તમને કહે કે આ કામ તારાથી નહીં થાય તો મૂંઝાવાનું નહીં. ઊંડો શ્વાસ લેવાનો અને કહી દેવાનું કે મારે કરવુંય નથી’- ફરીફરીને મારી પાસે આવેલું આ વાક્ય વાંચીને તમે એને સુવિચાર કહેશો કે કુવિચાર? ડાહ્યાં, ઉદ્યમી, દરેક ચેલેન્જ ઉપાડી લેનારાં બહાદુરોને ખરાબ લાગશે, કહેશે કે કોઈ પણ કામ શું કામ ન થાય? Nothing is impossible. એનાથીયે આગળ વધીને પેલું જૂનું-જાણીતું વાક્ય ટાંકશે કે ‘જવાબ છે હા, બોલો હવે સવાલ શું છે?’ આ લોકો સુપરસ્ટાર રજનીકાંતની કેટેગરીમાં આવે છે, જેમના માટે એક પ્રચલિત જોક છે કે રજનીકાંતે હોલિવૂડની ‘મિશન ઇમ્પોસિબલ’ ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી કારણ કે એમને ફિલ્મના ટાઇટલ સામે સખત વાંધો હતો. રજની ધ ગ્રેટ માટે કોઈ કામ ઇમ્પોસિબલ નથી, પરંતુ ફિલ્મના પડદે એકલે હાથે ત્રણેય લોક ધ્રૂજી જાય એવા કારનામાં કરતા રજની સર વાસ્તવિક જીવનમાં પોતે આવા ફાંકા નથી મારતા. જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતા રજનીકાંત આજે નહીં તો કાલે એક્ટિવ પોલિટિક્સમાં ઝુકાવશે એવું વર્ષોથી કહેવાતું હતું અને છેવટે ગયા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં એમણે કહી દીધું કે હવે તો ‘Now or never’ ‘અભી નહીં તો કભી નહીં અને વર્ષના અંત સુધીમાં પોતાની પોલિટિકલ પાર્ટીનું વિધિસર લોન્ચિંગ કરશે એવી જાહેરાત પણ કરી દીધી. તમિલનાડુના રાજકારણમાં હલચલ મચી ગઈ કારણ કે આગામી મે મહિનામાં અહીં વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ પછી અચાનક આ સુપરસ્ટાર માંદા પડ્યા, હોસ્પિટલાઇઝ થયા અને બહાર નીકળ્યા બાદ ડિસેમ્બરના અંતે બહુ દુઃખીભાવે જાહેર કર્યું કે રાજકારણમાં ઝુકાવવાનો વિચાર એમણે પડતો મુક્યો છે. ‘right now’ પરથી ‘never’ પર આવી જવા માટે એમણે પોતાની કથળી ગયેલી તબિયતનું કારણ આપ્યું અને કહ્યું કે મારું હોસ્પિટલાઇઝેશન મને ભગવાન તરફથી મળેલી વોર્નિંગ હતી. પેનડેમિક દરમિયાન ચૂંટણી પ્રચાર કરવાથી સ્વાસ્થ્ય પર અસર પડશે. આમ તો અમુક વિરોધીઓ અને પંડિતોએ કહેલું પણ ખરું કે ફિલ્મોમાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર રજનીકાંત રાજકારણમાં ઝંપલાવે તો નિષ્ફળ જાય અને હવે રજનીકાંતે કહી દીધું કે જાવ, મારે ઝંપલાવવું જ નથી. મારા ભગવાને કહ્યું છે. બીજા રાજકારણીઓને હાશકારો થયો, રજનીકાંતના પ્રશંસકો નિરાશ થઇ ગયાં, પણ શું કરે? એમના ભગવાનને ઉપરવાળા ભગવાને ના પાડી દીધેલી અને ભગવાનની સલાહ, ચેતવણી કે આદેશ કોણ ટાળી શકે? સ્કૂલના દિવસોથી મારો મિત્ર રહેલો એક જણ કહે છે કે દરેક જણનો એક પર્સનલ ગોડ હોય છે જે એના ભક્તની કેપેસિટી બરાબર જાણતો હોય છે. આનું ઉદાહરણ આપતા મિત્ર કહે છે કે, હું કોઇ કોઇ વાર અતિ ઉત્સાહને વશ થઇને રોજ કસરત કરવાનું, વહેલાં ઊઠીને વોકિંગ કરવાનું નક્કી કરી નાખું, પણ ચાર-પાંચ દિવસમાં નિયમ તૂટવા લાગે ત્યારે મારા ભગવાન જ મને કહી દે કે, રહેવા દે, આ તારું કામ નહીં. દિવ્યેશના પર્સનલ ભગવાન અત્યંત સમજદાર, પ્રેક્ટિકલ, દયાળુ છે. નાદાન ભક્ત ઉતાવળે કોઈ નિર્ણય કરી નાખે અને પછી પાળી ન શકે તો એ ધમકાવતા નથી, શું કામ ન થાય, કહીને અમસ્તો પાનો પણ નથી ચડાવતાં. સમજદાર માતાપિતાની જેમ એ જાણે છે કે સંતાનમાં કેટલી આવડત છે. કોઈ કામમાં નિષ્ફળ જતા દીકરાને હતાશ કરી નાખવાને બદલે એ કહે છે કે વત્સ, તું આ કામ કરવા માટે નિર્માયો જ નથી, જસ્ટ ચિલ. કોઈ આને આત્માનો અવાજ કહે, પણ મને મિત્રની ‘પર્સનલ ગોડ’વાળી વાત ગમી અને મારી નજરે આનો સૌથી મોટો ફાયદો એ કે આપણી સબળાઈ-નબળાઈ જાણતાં આપણા એ ભગવાન આપણને હતાશ થતાં બચાવી લે અને પરેશાન કરી મૂકે એવા મોટા ગોલ પણ ન આપે. પ્લસ, કોલમની શરૂઆતમાં કહ્યું તેમ ‘ફલાણું કામ મારાથી નહીં થાય તો ઠીક છે, મારે કરવુંયે નથી’ એવું બોલવાની હિંમત પણ આપે. શરત એટલી જ કે અંદર બેઠેલા એ અંગત ભગવાનની વાત સાંભળવી પડે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે બહારના લોકોની વાત, ખાસ કરીને એમણે કરેલી ઘાંટાઘાંટથી આપણે દોરવાઈ જઈએ છીએ. ખાલીપીલી એમણે ફેંકેલી ચેલેન્જ ઉપાડી લઈએ છીએ અને પછી મોંભેર પછડાઇએ ત્યારે શું કામ એવું કર્યું એવું વિચારીને દુઃખી થઈએ છીએ. મોટિવેશનલ સ્પીકર્સ કહેતાં રહે છે કે સતત પોતાની જાતને નવીનવી ચેલેન્જ આપતાં રહેવું જોઈએ. અમુક ઉંમર સુધી, અમુક અંશે કદાચ આવા પડકાર કે ધક્કા મદદ કરતાં હશે, પણ આખી જિંદગી એ ધંધા કરવાનાં? અરે ભૈ, શાંતિ રાખો ને. અને આઈ એમ શ્યોર કે આપણા પર્સનલ ગોડ આવી શાંતિ રાખવાનું કહેતા જ હશે. વર્ષો પહેલાં મુંબઈના એક ચર્ચની બહાર એક સુવિચાર લખાયેલો, જે ખરેખર મને તો ‘સુ’ કેટેગરીનો લાગેલો- ‘You don’t have to attend every argument you are invited to.’ સારી સલાહ છે, એવી જ રીતે સુખશાંતિથી જીવવું હોય તો જીવનના દરેક તબક્કે આપણને ફેંકાયેલા દરેક પડકાર સ્વીકારી લઈને લોહીલુહાણ થવાનીયે જરૂરત નથી. હવે કહો, કોલમની શરૂઆતમાં કહેલું વાક્ય સુવિચાર કહેવાય કે કુવિચાર?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો