તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ:હા ધિક્! હા ધિક્!

આશુ પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘24,671 નંબરના ગ્રહના શું ખબર છે?’ યમરાજ ચિત્રગુપ્તને પૂછી રહ્યા હતા. ‘મહારાજ, એ ગ્રહના બીજા વિસ્તારોમાં તો સ્થિતિ થાળે પડી રહી છે, પણ ભારત નામના વિસ્તારમાં હજી લાખો માણસોને નવો રોગ લાગુ પડી રહ્યો છે. ‘પણ ત્યાં વૈદો તો મોટી સંખ્યામાં છે ને?’ ‘શું વાત કરું, મહારાજ! ત્યાંના ઘણા વૈદો એટલે કે ડોક્ટરો જ યમદૂતની ભૂમિકામાં આવી ગયા છે! કેટલાય દર્દીઓ ડોક્ટરોની બેદરકારીને કારણે મરી રહ્યા છે, તો આ કપરા સમયમાં ઘણા ડોકટર્સ લોકોને લૂંટવાની તક ઝડપીને લાખો રૂપિયાના બિલ દર્દીઓના કુટુંબને પકડાવી રહ્યા છે. એક હોસ્પિટલમાં દર્દીનું કુટુંબ હોસ્પિટલનું બિલ ન ચૂકવી શક્યું એટલે હોસ્પિટલના સંચાલકોએ એ દર્દીની લાશ રોડ પર મૂકી દીધી હતી!’ ‘અરે! આ તો બહુ જ ખરાબ કહેવાય. ત્યાંના બધા ડોક્ટર્સ આવા છે?’ ‘ના, મહારાજ બધા ડોક્ટર્સ એવા નથી. ખારા રણમાં મીઠી વીરડી જેવા કિસ્સાઓ પણ બની રહ્યા છે. ઘણા એવાય ડોક્ટર્સ છે જે રાતદિવસ જોયા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને કેટલાય ડોક્ટર્સ અને નર્સીસે તો આ નવા રોગના દર્દીઓની સારવાર કરતાં-કરતાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તો કેટલાક ડોક્ટર્સ પોતાના સ્વજનોના મૃત્યુનું દુ:ખ પચાવીને ફરજ બજાવી રહ્યા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના ડોકટર શિલ્પા પટેલની માતાનું વહેલી સવારે મૃત્યુ થયું એ પછી માત્ર પાંચેક કલાક બાદ જ તેઓ સવારના નવ વાગ્યે હોસ્પિટલમાં હાજર થઈ ગયાં હતાં, તો ત્યાંના જ અન્ય ડોક્ટર રાહુલ પરમારની માતાનું મુત્યુ થયું એ પછી રાતે માતાની અંતિમવિધિ કરીને તેઓ થોડા ક્લાકો પછી જ બીજા દિવસે ફરજ પર હાજર થઈ ગયા હતા.’ ‘બહુ સારું કહેવાય. એવા ડોક્ટર્સને અને તબીબી ક્ષેત્રના ફરજપરસ્ત કર્મચારીઓને સ્વર્ગમાં સ્થાન આપજો.’ ‘પણ મહારાજ, આઘાતજનક વાત એ છે કે ઘણા દુષ્ટો આ તકનો લાભ લઈ રહ્યા છે. મહારાષ્ટ્રના પીંપરીમાં કેટલાક ડોક્ટર્સ એક-એક લાખ રૂપિયા લઈને સરકારી હોસ્પિટલમાં બેડ અપાવી રહ્યા હતા એટલે પોલીસે તેમની ધરપકડ કરી.’ ‘આ તો વાડ જ ચીભડાં ગળે એવું કહેવાય, ચિત્રગુપ્ત. એવા દુષ્ટોને તો રૌરવ નરકમાં જ ફંગોળી દેજો!’ ‘મહારાજ, એનાથી પણ આઘાતજનક વાત કહું. ગુજરાતની એક સિવિલ હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા દર્દી પર એ હોસ્પિટલના જ કર્મચારીએ રેપ કર્યો હતો!’ ‘બિચારા સામાન્ય જીવોને કેવું કષ્ટ પડી રહ્યું હશે?’ યમરાજના મનમાં કરુણા જાગી. ‘મહારાજ, ત્યાંના ઘણા સામાન્ય જીવો પણ ઓછા નથી! તેઓ આ સમયનો બેફામ રીતે ફાયદો ઉઠાવીને બીજા જીવોને લૂંટી રહ્યા છે!’ ‘શું વાત કરો છો?’ યમરાજને આઘાત લાગી ગયો. તેમણે કહ્યું, ‘તમે તો કહેતા હતા ને કે એ ગ્રહના ભારત નામના વિસ્તારના લોકો તો બહુ ધાર્મિક છે!’ ‘મહારાજ, એમાંના મોટા ભાગના નાસ્તિકોને સારા કહેવડાવે એવા આસ્તિકો છે! સરકાર અને તબીબી જગતના લોકો તો છીંડે ચડેલા ચોરો સમાન છે. બાકી જેને મોકો મળી રહ્યો છે એ બધા લૂંટફાટ મચાવી રહ્યા છે. ત્યાં પપૈયા નામની ચીજનો ભાવ સામાન્ય રીતે 30 રૂ. હોય છે એ અત્યારે 100 રૂ.થી વધુ કિંમતે વેચાતા થઈ ગયા છે. એમ્બ્યુલન્સવાળાઓ 5000થી 50,000 રૂ. ખંખેરી રહ્યા છે. મહારાષ્ટ્રના કિન્હી ગામના એક માણસના મૃત્યુ પછી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થઈ શકી એટલે તેના પરિવારે તેના મૃતદેહને કચરાગાડીમાં લઈ જવો પડ્યો હતો!’ ‘હા ધિક્! હા ધિક્!’ યમરાજ પણ વિચલિત થઈ ગયા. ‘આ તો કંઈ નથી, મહારાજ. ત્યાં ઓક્સિજન માપવા માટે જે ઓક્સિમીટર 500 રૂ.માં મળતા હતા એ અત્યારે 3000થી 5000 રૂ.ના ભાવે વેચાઈ રહ્યા છે! રેમડેસિવિર ઈન્જેક્શન્સ નામની ચીજ કાળાબજારિયાઓ 15,000થી 25,000 અને ક્યાંક તો એથી પણ વધુ કિંમતે વેચી રહયા છે. નકલી રેમડેસિવિર ઈન્જેક્શન્સ પણ વેચાઈ રહ્યા છે. 70 રૂ. કિલો લીંબુ મળતા એ 150થી250 રૂ. વેચાય છે. 10 કિલો મોસંબી 250 રૂ.માં મળતી એનો ભાવ 65-થી 1200 રૂ. થઈ ગયો છે. લીલા નાળિયેર ઘણા ગામડાઓમાં અને દરિયાતટના વિસ્તારોમાં 5થી 10 રૂ. અને શહેરોમાં 20-30 રૂ. મળતા એ અત્યારે 100 રૂ.કે એથી પણ વધુ કિંમતે વેચાય છે. સફરજન 100-150 રૂ. કિલો મળતા એ 300 રૂ.થી વધુ કિંમતે વેચાઈ રહ્યા છે!’ ‘ત્યાંના જીવો કઈ હદ સુધી જઈ શકે છે! આવા સમયમાં પણ એ વિકૃત જીવો પૈસા કમાઈ લેવાની વૃત્તિ છોડી શકતા નથી!’ ‘મહારાજ, વાત જ જવા દો. ત્યાંના મનુષ્ય નામના જીવો કહે છે કે રાજકારણીઓ ખરાબ છે, ડોક્ટરો ખરાબ છે, પોલીસ કર્મચારીઓ ખરાબ છે, સરકારી અધિકારીઓ ખરાબ છે. પણ તે જીવો એ વાત ભૂલી જાય છે કે એ બધા તેમની વચ્ચેથી જ જતાં હોય છે. બીજા ગ્રહના જીવો તેમના પર શાસન નથી કરતા! ત્યાંના બધા જીવો એવું માને છે કે મારે નહીં સામેવાળાએ સુધરવાની જરૂર છે. ત્યાંના શાસકો એવું માને છે કે પ્રજા તરીકે ઓળખાતા જીવોએ સુધરવાની જરૂર છે અને એ જીવો એવું માને છે કે સરકારે સુધરવાની જરૂર છે...’ ‘અરેરે! ચિત્રગુપ્ત, એ ગ્રહના જીવો આવી સ્થિતિમાં પણ ખટપટ, કલેશ, રાગદ્વેષ, ઈર્ષા, નફરત છોડી શકતા નથી! ત્યાંના સારા જીવોને સ્વર્ગમાં મોકલજો, પણ દુષ્ટ પાપીઓને બરાબર સજા આપજો.’ {

અન્ય સમાચારો પણ છે...