ડૉક્ટરની ડાયરી:યે કેસી ખુમારી, યે કેસી જુર્રત, એક ફકીર લડ રહા હૈ, શહેનશાહ સે

ડૉ. શરદ ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એણે રોકડું પરખાવી દીધું, ‘સર, આપને ભલે હી દસ બાર પઢા હોગા, મૈંને એક હી બાર પઢા હૈ લેકિન બડે ધ્યાન સે પઢા હૈ. આઇ એમ કરેક્ટ એન્ડ યૂ આર રોંગ.’

‘નેક્સ્ટ સ્ટુડન્ટ, પ્લીઝ!’ જયપુરથી આવેલા એક્ઝામિનરે સૂચના આપી. એ સાથે જ નવા પરીક્ષાર્થીને વાઇવા માટે પરીક્ષાખંડમાં મોકલી આપવામાં આવ્યો. નવા સ્ટુડન્ટે સારી છાપ ઊભી કરવાના આશયથી સુઘડ વસ્ત્રો પહેર્યાં હતાં. આર્મીના જવાનની સ્ટાઇલથી ટૂંકી હેર કટ કરાવી લીધી હતી. ચહેરા પર આડેધડ ઊગી નીકળેલું દાઢી-મૂછનું જંગલ સફાચટ કરાવી નાખ્યું હતું. પગમાં તાજાં જ પોલીશ કરાવેલાં શૂઝ ચમકતાં હતાં. બગલાની પાંખ જેવો આર પાયેલો ઇસ્ત્રીદાર શ્વેત એપ્રોન ધારણ કર્યો હતો. જો માત્ર બાહ્ય દેખાવ જોઇને જ પરીક્ષાનું પરિણામ નક્કી કરવાનું હોય તો આ સ્ટુડન્ટને આટલાથી જ એમ.ડી.ની ડિગ્રી મળી જઇ શકે તેમ હતી, પણ અહીં તો દર્દીઓના જીવન સાથે પનારો પાડવાનો હતો. ચાર ખડ્ડુસ ડોક્ટરસાહેબો લગભગ અડધો-પોણો કલાક સુધી અસંખ્ય પ્રશ્નો પૂછીને, દરેક એંગલથી સ્ટુડન્ટનું જ્ઞાન ચકાસીને પછી જ નિર્ણય કરવાના હતા કે એને પાસ કરવો કે નપાસ. અહીં સ્ટુડન્ટ એટલે ફર્સ્ટ કે સેકન્ડ એમ.બી.બી.એસ.નો વિદ્યાર્થી નહીં સમજી લેવાનો. અહીં આવેલા એકાદ ડઝન જેટલા સ્ટુડન્ટ્સ ચાર વર્ષ પહેલાં ડોક્ટર બની ચૂક્યા હતા. એમ.બી.બી.એસ. થઇ ગયા પછી એમ.ડી.ની ડિગ્રી માટેની પરીક્ષા આપી રહ્યા હતા. નિયમ અનુસાર ચાર એક્ઝામિનર્સમાંથી એક સ્થાનિક ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી હોવો જોઇએ. બીજા બે એક્ઝામિનર્સ અન્ય હોસ્પિટલોમાં ફરજ બજાવતા સિનિયર પ્રોફેસર હોવા જોઇએ. ચોથા એક્ઝામિનર મોટા ભાગે બીજા રાજ્યમાંથી આવેલા હોવા જોઇએ. નવા સ્ટુડન્ટ ડો. વિજયે શિષ્ટાચારપૂર્વક પૂછ્યું, ‘મે આઇ કમ ઇન પ્લીઝ?’ ચારમાંથી ત્રણ જણાએ તો હા પાડી દીધી, પણ બીજા રાજ્યમાંથી આવેલા પ્રોફેસરે ઘૂરકાટ કર્યો, ‘યૂ આર ઓલરેડી ઇન. અબ પૂછને કા ક્યા મતલબ?’ આટલું વાંચીને તમને લાગશે કે આમાં શું ખાટુંમોળું થઇ ગયું; પણ આવું સાંભળીને ડો. વિજયના મન પર શું વીત્યું હશે એ સમજવા માટે તમારે એમ.ડી.ની પરીક્ષા આપવી પડે. પોસ્ટ ગ્રેજ્યુએશનનાં ત્રણ ત્રણ વર્ષ સુધી દિવસ-રાત આઉટડોર અને ઇન્ડોરના હજારો દર્દીઓને દિવસ રાત એટેડન્ટ કર્યા પછી; સિનિયર સાહેબોની ડિ-મોરલાઇઝ કરી નાખે એવી દાદાગીરી વેઠ્યાં પછી, તમે ડોક્ટર તો શું પણ મનુષ્યનો અવતાર ધારણ કરવા માટે પણ યોગ્ય નથી એવી નફરત, અવહેલના અને અપમાનનો માર સતત અને અવિરત સહ્યા પછી, અંતિમ પરીક્ષા પહેલાંના છ-છ મહિનાઓના રાતભરના ઉજાગરાઓ બરદાસ્ત કર્યા પછી દિમાગમાં પાઠ્યપુસ્તકોનું તમામ જ્ઞાન ઠૂંસી ઠૂંસીને સમાવી દીધા પછી ધ્રૂજતા પગે અને થડકતા હૈયે ઓરલ વાઇવા માટે એકેઝામિનેશન રૂમમાં પ્રવેશતા હો ત્યારે કોઇ એક્ઝામિનર તમારું મોઢું તોડી લે તો શું થાય? માંડ માંડ હિંમતનું પોટલું બાંધી રાખ્યું હોય એ છૂટી જાય. આત્મવિશ્વાસ એક ક્ષણમાં ટોચ પરથી તળિયે પહોંચી જાય. જે માણસ પાસેથી તમારે ડિગ્રી લેવાની છે એની સાથેનો પ્રથમ સંવાદ જ આવો નીકળે ત્યારે આગળ શું થવાનું હોય? મેડિકલ ડિગ્રી માટેની પરીક્ષાઓમાં વિદ્યાર્થીના જ્ઞાન ઉપરાંત બીજું ઘણું બધું જોવાતું હોય છે. વિદ્યાર્થી ગમે એટલો બ્રિલિયન્ટ હોય તેમ છતાં એક્ઝામિનરને એની કોઇક બાબત ન ગમે તો એ વિદ્યાર્થી નપાસ થઇ શકે. ડો. વિજય પોતાના થયેલા તરોતાજા અપમાનને ગળી ગયો. ક્ષમાયાચના કરીને વાઘ જેવા ચાર સાહેબોની સામે ઊભો રહી ગયો. એક સાહેબે બેસવાનો સંકેત કર્યો એટલે ખુરશીમાં બેસી ગયો. પછી શરૂ થયો સવાલોનો મારો. સ્થાનિક પ્રોફેસર ડો. વિજયને અને એની તેજસ્વિતાને જાણતા હતા. એમણે વધારે સવાલો પૂછ્યા નહીં કારણ કે ડો. વિજય એમના જ યુનિટનો રેસિડન્ટ ડોક્ટર હતો. ગુજરાતની અન્ય બે કોલેજોમાંથી આવેલા સાહેબોએ જુદા જુદા રોગો વિશે અસંખ્ય સવાલો પૂછ્યા. ડો. વિજયે વિગતવાર સચોટ જવાબો આપીને બંનેને સંતુષ્ટ કર્યા. આ દરમિયાન પરરાજ્યમાંથી આવેલા ડો. વર્મા કડવો ચહેરો કરીને ડો. વિજયને નિહાળી રહ્યા હતા. હવે એમનો વારો આવ્યો. ‘ટેલ મી એબાઉટ ધી લેટેસ્ટ ડેવલપમેન્ટ ઇન મેનેજમેન્ટ ઓફ...’ આટલું કહીને ડો. વર્માએ એક બીમારીનું નામ આપ્યું. એ બીમારી ભારતમાં જવલ્લે જ થાય છે. ગુજરાતમાં એના દર્દીઓ ભાગ્યે જ જોવા મળે. એક્ઝામિનરનું કામ વિદ્યાર્થીને કેટલું આવડે છે એ ચકાસવાનું હોય છે, ડો. વર્મા એવું ચકાસવા માગતા હતા કે વિદ્યાર્થીને કેટલું નથી આવડતું. આવા અઘરા સવાલનો જવાબ પણ ડો. વિજયે સાચો અને સચોટ આપ્યો. ડો. વર્માને ખુદને કદાચ એટલું જ્ઞાન ન હતું. ઘણીવાર પરીક્ષકો એવા અઘરા સવાલો પૂછી નાખતા હોય છે, જેના સાચા જવાબો એમને ખુદને પણ આવડતા ન હોય. ડો. વર્માએ રોફથી કહી દીધું, ‘યૂ આર રોંગ.’ ‘નો સર! માય આન્સર ઇઝ કરેક્ટ.’ ડો. વિજયે ‘છટકું-છટકું થઇ રહેલી’ દિમાગની કમાન પર કાબૂ જાળવીને શાંતિથી કહ્યું. ડો. વર્મા બગડ્યા, ‘યે તુમને કહાં સે પઢા હૈ?’ ‘સર, બ્રિટિશ મેડિકલ જર્નલ કે લેટેસ્ટ ઇસ્યૂ મેં ઇસ કે બારે મેં એક આર્ટિકલ પબ્લિશ હુઆ હૈ.’ ડો. વિજયે રેફરન્સ જાહેર કર્યો. ડો. વર્માએ શેખી મારી, ‘વો આર્ટિકલ તો મૈંને ભી પઢા હૈ. ઇક-દો બાર નહીં દસ બાર પઢા હૈ.’ હવે હદ આવી ગઇ હતી. ડો. વિજય સૌરાષ્ટ્રના ગામડાનો ખેડૂતપુત્ર હતો. જ્યાં સુધી ગામડામાં હતો ત્યાં સુધી જે બદમાશી કરે તેને લઠ્ઠ લઇને ઝૂડવાનું કામ કરતો હતો. બે-ચાર જણાને તો એણે ઊંચકીને થોરિયાની વાડમાં ફેંકી દીધા હતા. આ તો ભણવામાં હોશિયાર હતો એટલે ડોક્ટરની લાઇનમાં આવી ગયો હતો. બાકી એનો મિજાજ તો હજી પણ કરાફાટ જ રહ્યો હતો. એણે રોકડું પરખાવી દીધું, ‘સર, આપને ભલે હી દસ બાર પઢા હોગા, મૈંને એક હી બાર પઢા હૈ લેકિન બડે ધ્યાન સે પઢા હૈ. આઇ એમ કરેક્ટ એન્ડ યૂ આર રોંગ.’ થઇ રહ્યું. ભારતભરના મેડિકલ ઇતિહાસમાં આવું ક્યારેય નહીં બન્યું હોય! એક પચીસ વર્ષનો નવયુવાન ડોક્ટર જિંદગીની મહત્ત્વની પરીક્ષામાં એના જ પરીક્ષકને ખોટા જાહેર કરી રહ્યો હતો; એ પણ એવા ડોક્ટરને, જેનો તબીબી અનુભવ વિદ્યાર્થીની ઉંમર કરતાં વધારે વર્ષોનો હતો. ડો. વર્માએ બરાડો પાડીને ત્યારે અને ત્યાં જ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું, ‘ગેટ આઉટ એન્ડ કમ બેક આફ્ટર સિક્સ મન્થ્સ ફોર રિએક્ઝામિનેશન.’ લાલઘૂમ અપમાનિત ચહેરો લઇને ડો. વિજય ઊભો થયો, બહાર નીકળ્યો, સીધો લાઇબ્રેરીમાં ગયો, બ્રિટિશ મેડિકલ જર્નલનો છેલ્લો અંક શોધીને, એમાં પ્રકાશિત થયેલા લેખની ચોક્કસ લીટીઓ નીચે લાલ પેનથી અંડરલાઇન કરીને પાછો આવ્યો. ‘મે આઇ કમ ઇન’ એવું પૂછ્યા વગર જ રૂમમાં દાખલ થઇ ગયો. ડો. વર્મા બીજા વિદ્યાર્થીની પરીક્ષા લઇ રહ્યા હતા. એમને અટકાવીને કહ્યું, ‘મેરી એક્ઝામ અભી ખત્મ નહીં હુઇ હૈ. યે આર્ટિકલ પઢો. ઇસ મુદ્દે પર આપ મુઝે ફેલ નહીં કર સકતે.’ ડો. વિજયના તેવર જોઇને ગુજરાતના ત્રણેય એક્ઝામિનર્સના ચહેરા ખીલી ઊઠ્યા. ડો. વિજય જેમના યુનિટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતો હતો એ સાહેબ પણ હવે મેદાનમાં આવી ગયા. એમણે સાચી રજૂઆત કરી દીધી, ‘ડો. વર્મા, વિજય ઈઝ ધી મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ઓફ અવર ઇન્સ્ટિટ્યૂટ. હી ઇઝ એ રેન્કર. વો હમારે કેમ્પસ કા અભિમાન હૈ. આપ બિના વજહ ઉસે ફેલ નહીં કર સકતે. અગર આપ વિજય કો ફેલ કરતે હૈ તો દૂસરા એક ભી કેન્ડિડેટ પાસ નહીં હો સકતા. યુનિવર્સિટી કા રિઝલ્ટ ઇસ બાર ઝીરો પરસન્ટ હોગા.’ ડો. વિજય ગોલ્ડ મેડલ સાથે પાસ જાહેર થયા. હાલમાં તેઓ અમેરિકામાં તેજસ્વી ડોક્ટર તરીકે સફળ કારકિર્દી ધરાવી રહ્યા છે.⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...