ડૉક્ટરની ડાયરી:યે ઔર બાત કિ ઈન્સાન બનકે આયા હૈ, મગર વો શખ્સ ઝમીન પર ખુદા કા સાયા હૈ

13 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • ડો. દૂધિયાસાહેબ વેઇટિંગ રૂમમાં કોઈ રડતા બાળકનો અવાજ સંભળાય તો બહાર દોડી આવે ને અસહાય માતાના હાથમાંથી બાળકને લઇને એને છાનું રાખવા પોતે જમીન પર બેસી જાય

ત્રણ સપ્ટેમ્બર, 2022. રાત્રે પોણા નવ વાગે મારા મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, ‘શરદભાઇ, ડો. દૂધિયાસાહેબ ગંભીર રીતે બીમાર છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમની સ્થિતિ સારી ન કહી શકાય. અમારી સાથેનો એમનો છેલ્લો ફોટોગ્રાફ આપને મોકલું છું, જે 2021માં દિવાળીના દિવસે ખાડિયા ખાતે આવેલા એમના નિવાસસ્થાનમાં અમે ક્લિક કર્યો હતો.’ અજાણ્યો નંબર હતો. માહિતી આપનાર વ્યક્તિ ભલે અજાણી હતી પણ જેમના વિશે માહિતી આપવામાં આવી હતી એ ડો. દૂધિયાસાહેબ તો આખા અમદાવાદ માટે જાણીતા હતા. મારો પોતાનો એમની સાથે 42 વર્ષનો અંગત સંબંધ હતો. સાહેબ મારી કોલમના મર્મજ્ઞ વાચક અને કલમના પ્રગાઢ ચાહક હતા. એમની ગંભીર હાલતના સમાચાર જાણીને હું દૂરના ભૂતકાળમાં સરી પડ્યો. 1979નું વર્ષ હતું. હું અમદાવાદની વી. એસ. હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં સાવ નવો જ જોડાયો હતો. મેં એમ. બી. બી. એસ.નો અભ્યાસક્રમ જામનગરની મેડિકલ કોલેજમાંથી પૂરો કર્યો હોવાથી વી. એસ. હોસ્પિટલના કેમ્પસ વિશે હું સાવ અજાણ હતો. એના કારણે ભૌગોલિક ભૂલો તો અસંખ્ય વાર થતી રહેતી હતી પરંતુ જાણીતાં, મોટાં, વજનદાર નામોને અને ચહેરાઓને ઓળખવામાં પણ હું થાપ ખાઇ જતો હતો. એક વાર તો હું લેબરરૂમમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા હતા ત્યારે એમને ન ઓળખી શકવાને કારણે હું ખુરશી પરથી ઊભો થયો ન હતો. જ્યારે બીજા મિત્રોએ આ વિશે મારું ધ્યાન દોર્યું ત્યારે મેં હોઠવગું કારણ ધરી દીધું હતું: ‘હું શું કરું? અજાણ્યા અને આંધળા બેય એકસરખા કહેવાય.’ ડિસેમ્બર મહિનાની રાત હતી. હું ચિનાઇ મેટરનિટી હોમના લેબરરૂમમાં ઇમરજન્સી ડ્યૂટી બજાવી રહ્યો હતો. મારી સાથીદાર લેડી ડોક્ટર જમવા માટે મેસમાં ગઇ હતી. એ પાછી આવે એ પછી મારે જવાનું હતું. લેબરરૂમના વિભાગમાં એકસાથે 18 જેટલી સ્ત્રીઓ પ્રસૂતિની પીડાથી કરાંજી રહી હતી. એમની ચીસો કોરિડોરમાં પણ સંભળાતી હતી. હું એમને તપાસીને કેસ પેપર્સમાં નોંધ લખવા માટે બેઠો હતો, ત્યાં કોરિડોરના બીજા છેડેથી વધુ એક પ્રસૂતાને મારી તરફ આ‌વતા જોઇ. એની સાથે એનો ગામડિયો લાગતો પતિ હતો. મારા માટે આશ્ચર્યની વાત એ હતી કે આ અબુધ લાગતા પતિપત્નીની સાથે એક શહેરી અને શિક્ષિત દેખાતો પુરુષ પણ હતો. શબ્દાર્થમાં પાત‌ળી સોટી જેવું શરીર. હેંગર ઉપર લટકાવ્યો હોય એવાં સફેદ પેન્ટ-શર્ટ. રૂની પૂણી જેવો ગોરોગોરો વાન. આંખોમાં બુદ્ધિની ચમક અને ચહેરા પર કરુણાનું લીંપણ કર્યું હોય એવો ભાવ. એમને આવતા જોઇને નર્સબહેનો, આયાબહેનો અને વોર્ડબોય્ઝ ઊભાં થઇ ગયાં અને ઝૂકીને આદર આપવા લાગ્યાં. આપણારામ તો ખુરશી પર બેસી રહ્યા. હું ક્યાં એમને ઓળખતો હતો? એ શ્વેતવસ્ત્રધારી દેવદૂત પેલી ગરીબ, ગ્રામીણ અને ગંદી સ્ત્રીનો હાથ પકડીને ધીમેધીમે દોરતા મારી પાસે આવી પહોંચ્યા. મેં એમની સામે જોયું. એમણે અત્યંત વિનમ્ર સ્વરમાં મારી સાથે વાત કરી, ‘ગુડ ઇવનિંગ, ડોક્ટર! અત્યારે તમે ફરજ પર હો તેવું લાગે છે. આ દીકરી નજીકના ગામડેથી આવી છે. દાયણે આઠ કલાક મહેનત કરી પણ પ્રસૂતિ થઇ શકી નહીં એટલે એણે અહીં મોકલી આપી છે. હું તમને વિનંતી કરું છું કે તમે એને બરાબર તપાસીને અંગત ધ્યાન આપીને એની ડિલિવરી કરાવી આપો.’ ‘આ બહેન તમારે શું થાય?’ મારો સવાલ સાહજિક હતો. એમણે ભારસહજ સ્મિત કરીને જવાબ આપ્યો, ‘ભારતીયતાને નાતે એ મારી દીકરી થાય છે અને હું એનો બાપ.’ આટલું કહીને મારો આગોતરો આભાર માનીને એ ચાલ્યા ગયા. મેં સ્ત્રીના પતિને પૂછ્યું, ‘એ ભાઇ કોણ હતા?’ પતિએ જવાબ આપ્યો, ‘ભગવાન જાણે કે એ કોણ હતા? પણ અમારા માટે તો એ ભગવાન જ હતા. મારી ઘરવાળીને લઇને હું રિક્ષામાંથી ઊતર્યો પણ ક્યાં જવું એની મને ખબર નહોતી. હું આમથી તેમ ભટકતો હતો. જેને પૂછું એ મોં ફેરવી લેતાં હતાં. એ વખતે આ ભગવાન મ‌ળી ગયા. મારી ઘરવાળીને ટેકો આપીને અમને અહીં સુધી લઇ આવ્યાં. કેસની બારી ઉપરથી અમારો કેસ પણ કઢાવી આપ્યો અને પછી તમને ભલામણ પણ કરી દીધી. આ પહેલાં અમે ક્યારેય એમને જોયા નથી.’ સ્ટાફ સિસ્ટર પાસેથી જાણવા મળ્યું કે એ બીજું કોઇ નહીં પણ બાળકોના વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા અમદાવાદ શહેરના સર્વાધિક લોકપ્રિય એવા ડો. એમ. વી. દૂધિયાસાહેબ હતા. ભારતીય વિદ્યાલય, ખાડિયા ગોલવાડમાં કે. ટી. દેસાઇસાહેબના કડક અનુશાસન હેઠળ શિક્ષણ પામેલા મનુભાઇ દૂધિયા ભ‌િવષ્યમાં અમદાવાદના તબીબી જગતમાં સૌથી વધારે લોકચાહના પ્રાપ્ત કરનાર બાળરોગ નિષ્ણાત બની જશે એવું કોણે ધાર્યું હતું? દૂધિયાસાહેબનો પારિવારિક ધંધો દૂધનો હતો. દૂધિયાસાહેબ રોજ સવારે દૂધના વારા ભરવા જતા અને બપોરે ભણવા જતા. પછી એક સમય એવો આવ્યો કે અમદાવાદમાં એવું વિધાન પ્રચલિત થઇ ગયું કે બાળક જન્મે એટલે એને બે વસ્તુની જરૂર પડે, એક દૂધની અને બીજી દૂધિયાની. હાલના અમદાવાદમાં જેમની ઉંમર સાઠથી પાંસઠની આસપાસ છે તેમાંના ભાગ્યે જ કોઇ એવાં હશે જેમણે એક પણ વખત દૂધિયાસાહેબની દવા ન લીધી હોય. દૂધિયાસાહેબ કદાચ એકમાત્ર એવા ડોક્ટર હશે જેમણે બાળકના રડવાના અવાજ પરથી કહી આપ્યું હોય કે તમારા બાળકે ધાણી ખાધી એટલે માંદું પડ્યું કે પછી જામફળ ખાધું, ચોખા ચાળવાની રજ ઊડી કે પછી ઘરમાં કોઇનો ચેપ લાગ્યો છે. બાળક કોઇ મેનિન્જાઇટિસના પેશન્ટ સાથે રમેલું લાગે છે. ક્યારેક તેઓ કહી દેતા કે આ બાળક પચીસ વર્ષનું થશે ત્યારે તેને ચોક્કસ પ્રકારની તકલીફ થશે. હાલમાં ડોક્ટરો નિદાન કરતાં પહેલાં જાતજાતના રિપોર્ટ્સ કરાવે છે. જ્યાંથી બીજા ડોક્ટરો હથિયાર હેઠાં નાખવાની શરૂઆત કરે ત્યાંથી ડો. દૂધિયાસાહેબની ટ્રીટમેન્ટ શરૂ થાય. ઓછામાં ઓછા ટેસ્ટ્સ કરાવીને વધુમાં વધુ સચોટ નિદાન કરવું એ એમની વિશેષતા હતી. એમની સાદગીની સુગંધ પૂરા શહેરમાં પ્રસરી ગઇ હતી. જ્યારે એમણે વાડીલાલમાં સેવા આપવાની શરૂ કરી અને સાથેસાથે આશ્રમરોડ પર આવેલા નોબલ્સમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી રિક્ષાવાળાઓ સવારે એમના ઘર પાસે, બપોરે વી. એસ. પાસે, સાંજે નોબલ્સ પાસે અને રાતના વી. એસ.ના રાઉન્ડ પછી પાછા હોસ્પિટલના ઝાંપા પાસે ઊભા હોય અને અંદરઅંદર લડતા હોય કે દૂધિયાસાહેબે કોની રિક્ષામાં બેસવું. ડો. દૂધિયાસાહેબ એકમાત્ર એવા ડોક્ટર હતા, જેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસની શરૂઆત કરી એના પ્રથમ દિવસે જ ક્લિનિક દર્દીઓથી ઊભરાઇ ગયું હોય. તેઓ એકમાત્ર એવા ડોક્ટર હતા, જેઓ ક્લિનિકમાં બેસીને દર્દી તપાસતા હોય ત્યારે વેઇટિંગ રૂમમાં કોઇ રડતા બાળકનો અવાજ સંભળાય તો બહાર દોડી આવે અને અસહાય માતાના હાથમાંથી બાળકને લઇને એને છાનું રાખવા માટે પોતે જમીન પર બેસી જાય. એમની સારવાર પામેલાં લાખો બાળકોનાં મમ્મીપપ્પાઓ કહે છે, ‘દૂધિયાસાહેબના હાથમાં જશરેખા હતી; એવી જશરેખા જે ભાગ્યે જ કોઇ ડોક્ટરના હાથમાં હોય. તેઓ માત્ર સારવાર નહોતા આપતા પરંતુ બાળકના માથા પર હાથ મૂકીને કહેતા હતા કે આને કંઇ નહીં થાય અને મરતું બાળક જીવી જતું હતું.’ ડો. દૂધિયાસાહેબ માટે બાળકોને તપાસવાનાં ત્રણ સ્થાનો હતાં: એક, વી. એસ. હોસ્પિટલનો પીડિયાટ્રિક વિભાગ, બીજું, એમનું પ્રાઇવેટ ક્લિનિક અને ત્રીજું શહેરની કોઇ પણ જાહેર જગ્યા. સાહેબનું આ ઓપન ક્લિનિક સિટી બસમાં પણ ચાલતું રહે, રસ્તા પર પણ ધમધમતું રહે અને એમના ઘરે પણ રડતાં બાળકો આવતા રહે અને હસતાં હસતાં પાછાં ફરે. 1979માં સવારના સાડા સાત વાગે સિટી બસમાંથી ઊતરીને હું અને ડો. દૂધિયાસાહેબ વી. એસ. હોસ્પિટલ તરફ ચાલતા જઇ રહ્યા હતા ત્યારે તગારાં અને પાવડા લઇને મજૂરી પર જતા ગરીબ માણસોને પોતાનાં બીમાર બાળકો માટે પ્રિસ્ક્રિપ્શન લખી આપવાની વિનંતી કરતા મેં પોતે જોયેલા છે. મને યાદ છે કે સાહેબે એક પણ પૈસો લીધા વગર સિટી બસની ટિકિટ પાછળ સારવાર લખી આપી હતી. એ કેવો સુભગ યોગાનુયોગ કહેવાય કે ગુજરાતના બે શ્રેષ્ઠ તબીબો ડો. એચ. એલ. ત્રિવેદી (કિડની ઇન્સ્ટિટ્યૂટ) અને ડો. દૂધિયા પચાસના દાયકામાં બી. જે. મેડિકલ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા! અજાણ્યા લોકો પત્ર લખતી વખતે સરનામામાં માત્ર ‘દૂધિયા, ખાડિયા, ઇન્ડિયા’ આટલું જ લખે તો પણ પત્ર એમને પહોંચી જતો હતો. એક ડોક્ટરમિત્રે એમની શાનમાં સુંદર વિધાન કર્યું છે: ‘જે દિવસે દૂધિયાસાહેબનું અવસાન થયું એ દિવસે થોડા કલાકો પહેલાં બ્રિટનનાં મહારાણીનું પણ મૃત્યુ થયું. દૂધિયાસાહેબ, તમારું સ્વાગત કરવા માટે બ્રિટનનાં મહારાણી સ્વયં સ્વર્ગના દ્વાર પર હાજર છે.’ ડો. દૂધિયાસાહેબની વિદાય સાથે તબીબી જગતનો એક યુગ સમાપ્ત થયો.⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...