ધોરી મારગને કાંઠે ઘૂઘરા જેવું રૂડું એક ગામ હતું. કેડાનો કાંઠો, એટલે વટેમાર્ગુ ગામમાં ટંક-બપોર રોકાય. ગામલોકો મે’માનને ભગવાન ગણે, પણ એક ઘર એવું હતું કે જેના ફળિયામાં લોભનાં ઝાડવાં ઊગેલાં. ઈ ઘર જેઠાનું. જેઠો એટલે લોભનું જાળું. કો’કને રામ રામ કરે તોય હાથ તરત પાછો ખેંચી લ્યે, અને પોતાની આંગળીયું ગણી લ્યે, એકાદી ઓછી તો નથી થઈ ને! પગરખાં ઘસાઈ નો જાય એટલે હળવે હળવે ડગલાં માંડે. કો’ક પૂછે તો જવાબ આપે કે ધરતીમાતાને ભાર નો લાગે એટલે હળવો હાલું છું. એની ઘરવાળી જડી તો એનું માથું ભાંગે એવી. ઘીની વાટકી રોટલા માથે ફેરવી દ્યે. આખું વરસ થાય તોય વાટકીમાંથી એક ટીપું ઘી ઓછું નો થાય. આવાં લોભી. એના ઘરે મે’માને થેલી ટિંગાડી હોય એવું કોઈ દી બન્યું નથી. એક દી જેઠાનો એક નાનપણનો ભાઈબંધ મે’માન થ્યો. બેય મૂંઝાણાં. એને કાઢવો પણ કેમ? જડીએ રાંધણિયામાં જઈને રસોઈનો આદર કર્યો. જેઠો અને મે’માન ઓસરીમાં ખાટલો ઢાળીને વાતુંએ વળગ્યા. જેઠાએ જડીને કીધું: મારો ભાઈબંધ ઘણાં વરહે આવ્યો. આજ તો દૂધપાક બનાવજે. જડીએ અંદરથી ત્રાડ નાખી: દૂધ ક્યાંથી કાઢું, ચૂલામાંથી? તમારે બાપગોતરમાં કોઈ દી દૂઝાણું હતું? ‘મારી સામું જેમ તેમ બોલે છે? મૂંગી મર!’ ‘બોલીશ બોલીશ...ધરાર બોલીશ!’ જેઠો ક્રોધથી બંબોળ થઈ ગ્યો. જડી માથે પગરખાનો ઘા કર્યો. જડીએ રસોડામાંથી છૂટી સાણસી ફેંકી. જેઠાએ બીજા પગરખાનો ઘા કર્યો. અંદરથી સનનન કરતો તવીથો આવ્યો. આ ધીંગાણું જોઈને મે’માન તો દોટ મેલીને ડેલીની બા’ર! જડી બહાર આવી. ‘તમને વાગ્યું તો નથી ને? હું તો ખોટું ખોટું મારતી તી!’ ‘તને તો નથી વાગ્યું ને? હુંય ખોટું ખોટું મારતો તો! ખોટું ખોટું બાધ્યાં એટલે ઘો ટળી!’ ત્યાં તો મે’માને ડેલીમાં પગ મૂક્યો: ‘એ રામ રામ!’ ‘એલા, તું તો વયો ગ્યો તો ને?’ ‘હું તો ખોટું ખોટું ગ્યો’તો! હવે, ગમે એમ કરો, પણ દૂધપાક બનાવો!’ જેઠો ને જડી સલવાણાં!⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.