અજવાળાનો ઓટોગ્રાફ:ઘાયલ પરિદા હૈ તૂ, દિખલા દે ઝિંદા હૈ તૂ

ડૉ. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિચારોને મંદ કરવા માટે શરીરને ગતિમાં રાખવું જરૂરી છે

મનુષ્ય પ્રકૃતિનો એક ઉપકાર છે. એને દરેક વળાંકથી એક નવું જીવન શરૂ કરવાની ઈચ્છા થાય છે. સમય અને સ્થળના બદલાતા લેન્ડમાર્ક સાથે નવાં સપનાં જોવાની, નવા સંકલ્પો કરવાની, નવી આદતો કેળવવાની અને આત્મ-સુધાર કરતા રહેવાની વૃત્તિ માનવજાતને વરદાનમાં મળી છે. સાયકોલોજીની ભાષામાં એને ‘ફ્રેશ સ્ટાર્ટ ઇફેક્ટ’ કહેવાય છે. એટલે કે નવા વર્ષ, મહિના કે અઠવાડિયાની શરૂઆતમાં એને નવેસરથી જિંદગી જીવવાની ઈચ્છા થાય છે. જાતમાં કશુંક બદલવાની જરૂરિયાત જણાય છે. પોતાના કોન્ફિડન્ટ, ઉન્નત અને ઉત્કૃષ્ટ વર્ઝન માટે એ નવાં લક્ષ્ય નક્કી કરે છે. અને પછી એને આંબવાનો પ્રયત્ન કરે છે. મૂળભૂત રીતે તો આ ‘સાયકોલોજીકલ રી-સેટિંગ’ની વાત છે. ભૂતકાળની નિરાશાઓ અને નિષ્ફળતાઓ ખંખેરીને જીવન પ્રત્યેના અભિગમને ‘રિફ્રેશ’ કરવાની વાત છે. જાતના જીર્ણોદ્ધાર અને નવીનીકરણ માટે જે સંકલ્પો અને સલાહ મેં મારી જાતને આપી છે, એ જ હું તમારી સાથે શેર કરું છું. આમ તો આપણે બધાં જ ‘અન્ડર કન્સ્ટ્રક્શન’ છીએ અને છેક સુધી રહેવાનાં, પણ જાતના બાંધકામ દરમિયાન જેઓ બે તગારાં વધારે ઊંચકે છે તેમની ઈમારત થોડી વધારે ઊંચી, મજબૂત અને રહેવાલાયક બને છે. 1 : શરીરના હલનચલન જેવો બીજો એકેય વૈભવ નથી : સિવાય કે તમે વ્હીલચેર પર હો, લકવાગ્રસ્ત હો કે પછી અન્ય કોઈ શારીરિક બીમારીને કારણે પથારીવશ હો, તમારી પાસે કસરત ન કરવાનું કોઈ જ સબળ બહાનું નથી. આપણું શરીર હલનચલન માટે જ બનેલું છે. આપણી મોટાભાગની શારીરિક અને માનસિક સમસ્યાઓનું મૂળ કસરતનો અભાવ છે. છેલ્લાં એક વર્ષથી નોન-સ્ટોપ જીમ કર્યા પછી મને એટલી સમજણ આવી છે કે વિચારોને મંદ કરવા માટે શરીરને ગતિમાં રાખવું જરૂરી છે. એ કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે. વોકિંગ, રનિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, ઘરકામ, યોગ કે બીજું કંઈ પણ. લેખક જીમ રોનનું એક અદ્્ભુત ક્વોટ છે ‘Take care of your body. It’s the only place you have to live.’ 2 : નો નોટિફિકેશન્સ : છેલ્લાં ત્રણ વર્ષથી મારા ફોનનાં તમામ નોટિફિકેશન્સ બંધ છે, કારણ કે હું સૌથી વધારે પઝેસિવ મારા એટેન્શન પ્રત્યે છું. હું મારી એકાગ્રતા સાથે સમાધાન નથી કરતો. આપણી પ્રગતિનો સૌથી મોટો દુશ્મન અને આપણું સૌથી મોટું ડિસ્ટ્રેક્શન આપણા હાથમાં કે ટેબલ પર હોય છે. આ વર્તમાન ક્ષણે આપણે જે કરી રહ્યાં છીએ, એનાથી વધારે મહત્ત્વનું બીજું કોઈ જ કામ ન હોઈ શકે. જેમને તાત્કાલિક મદદની જરૂર હોય તેઓ ફોન કરશે, મેસેજ નહીં કરે. અવેલેબલ રહેવું અને ઓનલાઈન રહેવું, એમાં તફાવત છે. એક અફલાતૂન પુસ્તક ‘Deep Work’માં એક વિધાન છે : ‘what we choose to focus on and what we choose to ignore—defines the quality of our life.’ 3 : બે પાનાંનો નિયમ : આખા દિવસ દરમિયાન કોઈ એક પુસ્તકનાં લઘુત્તમ બે પાનાં વાંચવા. એટલું અઘરું નથી, રાઈટ? કોઈ વિરાટ લક્ષ્ય રાખવાની જરૂર નથી. રોજના ફક્ત બે પાનાં. ‘કિન્ડલ’ પર વાંચવાની આદત હોય તો ઉત્તમ, નહીં તો કોઈ એક પુસ્તક હંમેશાં સાથે રાખો. જ્યાં અને જ્યારે સમય મળે ત્યારે, એટલીસ્ટ બે પાનાં વાંચી લો. એક વર્ષ પછી મને કહેજો કે આ દરરોજનાં બે પાનાં કેવો જાદુ કરે છે! 4 : ઈન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનને બદલે ડીલેઈડ ગ્રેટિફિકેશન : સોશિયલ મીડિયાએ આપણને તાત્કાલિક રીવોર્ડની કુટેવ પાડી દીધી છે, પણ હકીકતમાં ખરી સફળતા ઓફલાઈન રહેલી છે. લાઈક્સ, કમેન્ટ્સ અને શેર્સ આપણને તાત્કાલિક પ્રશંસા, પુરસ્કાર અને પ્રસન્નતા આપે છે અને માટે અઠવાડિયા કે મહિનાઓ સુધી એકાંતમાં ચૂપચાપ મહેનત કરીને સફળતા મેળવવાની રીત ભૂલાતી જાય છે. પણ હકીકતમાં દીર્ઘકાલીન સફળતા ઓફલાઈન વિશ્વમાં જ મળે છે. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધવાથી સફળતા નથી મળતી. સફળતા મળવાથી ફોલોઅર્સ વધે છે. 5 : શિસ્તભંગની સજા એક નિરર્થક, દિશાવિહીન અને ધ્યેય-રહિત જીવન હોય છે : સ્વયં-શિસ્તથી વધારે મૂલ્યવાન અને ઈચ્છનીય બીજો કોઈ ગુણધર્મ નથી. અબ્રાહમ લિંકનનું એક જોરદાર વિધાન છે : ‘Discipline is choosing between what you want now and what you want most.’ આરામ, આંટાફેરા અને મોજ માત્ર અત્યારનો આનંદ આપે છે જ્યારે શિસ્ત, પરિશ્રમ અને નિયમિતતા આખું જીવન આરામદાયક બનાવે છે. જ્યારે પણ કોઈ ઉદ્દેશ્ય કે લક્ષ્ય તરફ આગળ વધતા હો ત્યારે યાદ રાખવું કે આ પરિશ્રમ કાયમી નથી રહેવાનો, પણ એનું પરિણામ જીવનભર આપણી સાથે રહેશે. 6 : ‘સ્વજનોની હૂંફ, હાજરી અને હોંકારાથી મોટી બીજી કોઈ મિરાત નથી’ : જેમને પ્રેમ કરીએ છીએ એ બધાં લોકો જો આવનારા વર્ષમાં પણ આપણી સાથે રહે, તો એ કુદરતની સૌથી મોટી કૃપા છે. અર્થસભર સંબંધો અને મિત્રતા સિવાયનું બધું જ એમેઝોન પર મળી રહેશે. નાણા, પ્રતિષ્ઠા, ઓળખ કે પ્રસિદ્ધિ, બીજું કાંઈ મળે કે ન મળે, પ્રગતિ કરીએ કે ન કરીએ, જો પ્રિયજનો આપણી સાથે છે તો આપણે પ્રત્યેક ક્ષણે વિજેતા છીએ.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...