આપણી વાત:આવા ગામમાં રહેવાની મજા આવે કે નહી?

વર્ષા પાઠક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનપણમાં જોયેલાં કેટલાં સપનાં હજી તમને યાદ છે?

‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા, મસ્તી ભરે મન કી ભોલી સી આશા…’ વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘રોજા’નું આ ગીત યાદ હશે. મૂળ તમિલ ભાષામાં બનેલી આ ફિલ્મ હિન્દી સહિતની બીજી ભાષામાં ડબ થઈને પણ એટલી જ હિટ ગયેલી. એ. આર. રહેમાને આ ફિલ્મ દ્વારા પહેલીવાર ફિલ્મી મ્યુઝિકની દુનિયામાં પગ મૂક્યો અને રાતોરાત દેશભરમાં છવાઈ ગયા. આમ તો ‘રોજા’નાં બધાં ગીત સુંદર હતાં, પણ ‘દિલ હૈ છોટા સા’માં તરુણ વયની જે નિર્દોષ આશાઓની વાત હતી એ બધી વયનાં લોકોને સ્પર્શી જાય એવી હતી. નાનપણમાં જોયેલા તમિલભાષી કવિ અને નવલકથાકાર વૈરામુથુએ લખેલા ‘ચિન્ન ચિન્ન આશા’નું હિન્દીમાં રૂપાંતર પી. કે. મિશ્રાએ કરેલું. સાંભળનારાં અનેક જણને આ ગીતમાં પોતે કુમળી વયે જોયેલાં સપનાં યાદ આવી ગયેલાં. આ ફિલ્મ જોયાનાં વર્ષો પછી મુંબઈથી બાય રોડ, કેરળ આવતી વખતે કારમાં આ ગીત વાગતું હતું, ત્યારે એક મિત્રએ મજાકના સૂરે કહ્યું, છોકરી જેને ‘છોટી સી’ કહે છે એ આશાઓ તો સાંભળો. એને ચાંદ-તારા ટચ કરવા છે, આસમાનમાં ઉડવું છે, આખી દુનિયાને એના ચોટલામાં બાંધી લેવી છે... આ સાંભળીને પહેલાં હસવું આવ્યું અને પછી વિચાર આવ્યો કે નાની વયે ભલે આપણી વાસ્તવિક દુનિયા નાની હોય પણ કલ્પનાવિશ્વ કેટલું વિશાળ હોય છે. આકાશમાં ઉડતા વાદળમાં ધારીએ એટલાં પશુ-પક્ષીના આકાર દેખાય, ચંદ્રમાં ડાઘ નહીં, પણ દાદીમાએ કહ્યું હતું એમ ડોશીમા રેંટિયો કાંતતા નજરે પડે, પીપળાનાં ખખડતાં પાંદડાંમાં ભૂતનો અવાજ આવે... જેટલું સાંભળીએ એ બધું માની લેવાનું અને એમાં પાછો પોતાની કલ્પનાનો ઉમેરો કરવાનો. પછી વયની સાથે વાસ્તવિકતાનું ભાન થતું જાય, નિર્દોષતા નાશ પામે પણ પછી આવાં ગીત સાંભળીએ ત્યારે ઘડીભર એ ‘ચિન્ન ચિન્ન’ સપનાં યાદ આવી જાય. મોટાં થયાં પછીયે ખુલ્લી આંખે સપનાં તો આવતાં જ રહે છે, પછી એ પૂરાં કરવાનો સંઘર્ષ શરૂ થાય. આપણે ત્યાં સામાન્ય માણસનું એક સપનું હોય છે-મારે પણ એક ઘર હોય. હમણાં મેં કેરળના એર્નાકુલમ જિલ્લામાં આવેલા એક નાનકડા ગામ, પિનારમુન્ડામાં ધામા નાખ્યા છે, એટલે અહીંની વાત કરું. કહેવાય નાનું ગામ, પણ બધીયે મૉડર્ન સુવિધા ધરાવતા મોટા બંગલા અને બહાર ગાર્ડન. વહેલી સવારે પોતાના ઘરની બહાર ફૂલઝાડની માવજત કરી રહેલી મીની નામની ચાલીસેક વર્ષની મહિલા મળી ગઈ. વાતવાતમાં એણે કહ્યું, અમારે ત્યાં લગભગ દરેક જણનું એક નાનું સપનું હોય કે પોતાનું મોટું ઘર, એમાં એક કાર અને એક કૂતરો. બસ, એટલું જોઈએ. મીની જેવાં અહીંનાં લોકો માટે આ નાનકડું સપનું કે આશા છે અને જોવાનું એ કે મોટાભાગનાં માતાપિતા જાણે છે કે સંતાનો ભણીગણીને મોટાં શહેરમાં કે વિદેશમાં જતાં રહેશે અને વિશાળ ઘર ખાલી થઇ જશે. તેમ છતાં ઘર બનાવવું તો મોટું જ. હવે એવું નથી કે આ બધાં બહુ શ્રીમંત છે કે પછી વિદેશથી આવતા પૈસાનો જ પ્રતાપ છે. નોકરી કરીને કમાયેલા, બચાવેલા પૈસા પણ લોકો મોટું, સરસ ઘર બનાવવા પાછળ ખર્ચી નાખે છે. ફુલટાઇમ નોકર હોય કે ન હોય, બધું ચકાચક રાખવાનું. ગામમાં મંદિર, મસ્જિદ, ચર્ચ બધુંયે છે. પછી મન થાય ત્યારે થોડે દૂર આંટો મારી લેવાનો. પિનારમુન્ડા ભલે વિલેજ ગણાય અહીંથી દોઢ-બે કિલોમીટર ચાલો તો ઇન્ફો પાર્ક, સ્માર્ટ સીટી, સ્પોર્ટ્સ ક્લબ, સ્માર્ટ કાફે, બાર, રેસ્ટોરાં,શોપિંગ સેન્ટર્સ મળે. પંદર મિનિટ્સના અંતરમાં જાણે દુનિયા બદલાઈ જાય અને અત્યાર સુધી તો બંને દુનિયા એકમેકને નડી નથી. આવતીકાલ કોણે દીઠી છે? ભારતમાં ઘણી જગ્યાએ આવું વાતાવરણ હશે. ગુજરાતમાંથી બહાર નીકળીને સદ્ધર થયેલાં ઘણાં લોકો વતનમાં નવાં સુંદર ઘર બનાવે છે, પણ કેરળનું આ ગામ મને ગમી ગયું, એની પાછળ કદાચ એક કારણ એ કે અહીં કુદરતની મહેરબાની છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળી. જોકે અહીં પણ વધુને વધુ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને દૂર શહેરી વિસ્તારોમાં વારંવાર પડતી હડતાલો, દારૂ અને ડ્રગ્સનાં દૂષણ, ભ્રષ્ટાચાર વગેરેનો કકળાટ છે જ, પણ આજે એની વાત નથી કરવી. અહીં પિનારમુન્ડામાં અત્યારે ધડાકાભડાકાભેર તુલાવર્ષા તરીકે ઓળખાતો વરસાદ પડી રહ્યો છે. વિચિત્રતા એ છે કે આવી મોસમમાં પણ બારીમાંથી કોયલનો અવાજ આવે છે. અહીંની કોયલનો ટેમ્પરામેન્ટ પણ ગુજરાત, મહારાષ્ટ્રમાં રહેતી એની બહેનોથી જુદો હશે?⬛viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...