તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબ્દના મલકમાં:યોગ અને અધ્યાત્મના આરાધક : કવિ સુન્દરમ્

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમાશંકરની જેમ સુન્દરમ્્ે પણ ગાંધીવિચારના પરમ સત્ત્વ-તત્ત્વને કાવ્યોમાં ઉત્તમ અભિવ્યક્તિ આપી છે

- મણિલાલ હ. પટેલ

કવિ સુન્દરમ્્ને આજની યુવાપેઢી એમના પ્રાર્થના-ગીતથી ઓળખતી હશેઃ મારી બંસીમાં બોલ બે વગાડી તું જા/મારી વીણાની વાણી જગાડી તું જા/ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા/કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા... /પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા/સોનેરી સોણલું બતાવી તું જા. આરતભર્યા આ ગીતમાં લય, પ્રાસ તથા વર્ણસગાઈ ભાવ સાથે સમરસ થઈને ભાવકમાં અનુભૂતિ જગવે છે ને કાવ્યત્વ પણ સિદ્ધ કરે છે. કવિ સુન્દરમ્ યોગ અને અધ્યાત્મના આરાધક રહ્યા છેઃ ‘એક સવારે’ અને ‘કોણ’ જેવી એમની ઉચ્ચ કોટિની રચનાઓ દરેક યુગમાં પ્રસ્તુત અને આસ્વાદ્ય રહી છેઃ ‘પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ! અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ, કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?’

પ્રજ્ઞાશીલ ભાવકશ્રેષ્ઠોને સુન્દરમ્્ની છંદોબદ્ધ દીર્ઘ કવિતા ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘માનવી માનવ’, ‘ધ્રુવપદ કયહીં?’ ‘સળંગ સળિયા પરે’ અને ‘આ ધ્રુવપદ…’ સદા આકર્ષતી રહી છે. ઉમાશંકરની જેમ સુન્દરમ્્ે પણ ગાંધીવિચારના પરમ સત્ત્વ-તત્ત્વને કાવ્યોમાં ઉત્તમ અભિવ્યક્તિ આપી છે. સુન્દરમ્્ને પાઠ્યક્રમમાં ભણનારી એકાધિક પેઢીઓને ‘બાનો ફોટોગ્રાફ’ અને ‘13-7ની લોકલ’ જેવાં કાવ્યો તથા ‘માને ખોળે’ અને ‘માજાવેલાનું મૃત્યુ’ જેવી વાર્તાઓ વિસરાયાં નહીં હોય! ‘સુન્દરમ્્’ તો ઉપનામ! મૂળ નામ તો ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર! પણ ઉપનામથી જ કવિ ઓળખાતા રહ્યા છે. 1908માં મિયાંગામ પાસેના માતર ગામમાં જન્મેલા ‘ત્રુપુલુ’એ પાસેના આમોદ અને ભરૂચમાં શિક્ષણ મેળવ્યું. ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના સાંનિધ્યમાં રહીને સ્નાતક થયા. ત્યાં જ ઉમાશંકર સાથે મૈત્રી થઈ. ત્યારે અમદાવાદમાં ઘણા લેખકો સાથે મળવાનું થતું. પાઠક સાહેબ જેવા વિદ્વાન અને સર્જકની નજર નીચે એમની કવિતા-વાર્તા પસાર થયાં હતાં. સોનગઢની સ્કૂલમાં શિક્ષક રહ્યા હતા, પણ એ છોડીને પુન: અમદાવાદ આવ્યા. સ્ત્રીઓ માટે કામ કરતી સંસ્થા ‘જ્યોતિસંઘ’માં દસેક વર્ષ સેવાઓ આપી. 1944-45માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા ને પછીનાં તમામ વર્ષો સુન્દરમ્ે પુડુચેરી શ્રી અરવિંદ આશ્રમમાં ને માતાજીના સાંનિધ્યમાં વીતાવ્યાં. ઉત્તમ સર્જનનો કાળ અકાળે મંદપ્રાણ થતો ગયેલો. અલબત્ત, અધ્યાત્મકેન્દ્રી લેખન ચાલતું રહેલું. જીવનનો ઉત્તરાર્ધ બહુધા મૌનમાં વીત્યો. 1991માં એમણે દેહત્યાગ કર્યો. સુન્દરમ્્નું ઉત્તમ સર્જનકાર્ય એમના જીવનના પૂર્વાશ્રમમાં થયું હતું. ‘કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’ અને ‘યાત્રા’માં એમની સારી અને ઉત્તમ કવિતા સચવાઈ છે. ‘રંગરંગ વાદળિયાં’ એમના બાળકાવ્યોનો સંચય છે. ‘દરિયાને તીરે એક રેતીની ઓટલી, ઊંચી અટૂલી અમે બાંધી જી રે…’ આપણામાંથી ઘણાંને આજે પણ બોલવી-ગાવી ગમે એવી બાળકવિતા છે. કહેવતરૂપ બની ગયેલી સુુન્દરમ્્ની કેટલીક પંક્તિઓ નોંધીશું:

‘પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી, હું માનવ થાઉં તો ઘણું’ મુક્તક જેવાં આ બે પંક્તિયુગ્મો પણ ચિત્તમાં ભમતાં રહે છે: ‘બુઝાવાની પૂર્વે અધિક ઊજળો દીપક બળે, ડૂબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે.’ ‘હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી!’ ‘તે રમ્યરાત્રે’ ને ‘મેરે પિયા મેં કછુ નહીં જાનું’- જેવી સહજ શૃંગારને ભીતર સોંસરવો ઉતારી દેતી કાવ્યકૃતિઓ સાથે આ ‘સવા પંક્તિનું ઉત્તમ પ્રણય કાવ્ય’ કેટલાંય યુવક-યુવતીઓએ ડાયરીમાં જ નહીં, પ્રેમપત્રોમાં વારંવાર લખ્યું હશે-ચૂપચાપ. ‘તને મેં ઝંખી છે

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી…’ ‘13-7ની લોકલ’- અનુષ્ટુપમાં લખાયેલું દીર્ઘ કાવ્ય આખાય ગાંધીયુગને-એના વિચારમંડળને, ‘લોકલ ટ્રેન’ને ગરીબ જનતાના રૂપક દ્વારા રજૂ કરે છે. વર્ગભેદ-અસમાનતા-ઉપેક્ષાનું આ કાવ્ય સ્વાભાવોક્તિઓમાં રચાયેલું ઉત્તમ કાવ્ય છે. ‘હીરાકણી’, ‘પિયાસી’ અને ‘ઉન્નયન’ વાર્તાગ્રંથો, ‘દક્ષિણયાન’- પ્રવાસગ્રંથ, ‘વાસંતી પૂર્ણિમા’- એકાંકી સુન્દરમ્્ની સર્જકપ્રતિભાનાં દ્યોતક છે. વસ્તુ કે વ્યક્તિ: આપણે ચાહીએ છીએ માટે સુંદર છે. એટલે સુન્દરમ્્ કહે છે, ‘હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને, મૂકું કરી સુન્દર ચાહી ચાહી!’ કવિએ જીવનમંત્ર સમી પંક્તિ આપી તે આ રહી: ‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી!’ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો