આપણી વાત:ભગવાનને પણ કોઈ અંગત સ્વાર્થ વિના પૂજે?

વર્ષા પાઠક24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના નેતાની હદ બહાર ખુશામત કરતા રાજકારણીઓના ઈરાદા વિશે તમને કોઈવાર શંકા પડે?

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહની છાપ આમ તો અતિ બુદ્ધિશાળી પણ ગંભીર પ્રકૃતિના રાજકારણી તરીકેની છે. પરંતુ હમણાં એક જાહેર કાર્યક્રમમાં એમણે કરેલાં વિધાન સાંભળ્યાં, ત્યારે લાગ્યું કે ના, આ મહાનુભાવ સાવ બોરિંગ કહેવાય એવા સિરિયસ ટાઈપના માણસ નથી, એમનામાં રમૂજવૃત્તિ પણ સારી માત્રામાં છે. વડાપ્રધાન પર લખાયેલા પુસ્તકના વિમોચન પ્રસંગે આમ તો એમણે ઘણું કહ્યું, પણ એમાંથી રત્નકણિકા ગણી શકાય એવી બે વાત યાદ રહી જાય અને સ્વાભાવિક રીતે બંનેના કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. દેશના સુરક્ષામંત્રીએ કહ્યું કે ‘દેશની સામાન્ય જનતાની લાગણી સમજી શકે એવા નેતામાં મહાત્મા ગાંધી પછી જે એકમાત્ર નામ લઇ શકાય એ છે, નરેન્દ્ર મોદી.’ અને પછી એમણે જે કહ્યું એ તો સામાન્ય જનતાને ગદગદ કરી દે એવું હતું. મોદીજીની rare personality અને organisational skillsના ઓવારણાં લેતા મંત્રીજીએ કહ્યું કે ‘હું તો માનું છું કે કોઈ divine capability સિવાય આ શક્ય જ નથી.’ મોદીજીનું નામ ગાંધીજી પછી બીજા નંબરે લેવાયું, એ અમુક લોકોને નથી ગમ્યું. પણ શિસ્તના નામે સહી લીધું. બીજી તરફ મને જેમાં રમૂજ દેખાઈ એને જોકે ગંભીરતાથી લેનારાં લોકોએ તાળીઓના ગડગડાટ કરી મૂક્યા. Divine capability? દૈવી ક્ષમતા-આવડત? દેશના સુરક્ષામંત્રીને એમના બોસમાં જે દેખાયું, એના દર્શન જોકે એમનાથી જુનિયર કહેવાય એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને હજી થોડા દિવસ પહેલાં જ થઇ ગયેલા. મોદી પર લખાયેલા બીજા એક પુસ્તક વિશે બોલતા એમણે કહેલું કે ભાવિ પેઢી માટે આ પુસ્તક ભગવદ્ ગીતા જેટલું જ મહત્ત્વનું અને પવિત્ર ગણાશે અર્થાત્ અર્જુનને જે જ્ઞાન શ્રીકૃષ્ણ પાસેથી મળેલું એ આપણાં બાળકોને વિશ્વગુરુ મોદીજી પાસેથી મળશે. એ જ અરસામાં મોદીની તુલના સાક્ષાત શિવજી સાથે કરતો મેસેજ વહેતો થયેલો. હવે રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલને કોઈએ દેવ કે દૈવી શક્તિ ધરાવતા અવતાર સાથે સરખાવ્યા હોત તો શું થાત? અમુક લોકોએ ‘અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે’વાળો હોબાળો મચાવી દીધો હોત, બોલનાર પર ઠેર ઠેર પોલીસ ફરિયાદ નોંધાઈ હોત. હજી થોડા સમય પહેલાં જ કેજરીવાલે એમના કોઈ ભાષણમાં મહારાણા પ્રતાપનો ઉલ્લેખ કર્યો તો ભાજપના એક નેતાએ એવું કહ્યું કે જે વ્યક્તિ અને એના સાથીદાર પર ભ્રષ્ટાચારના આરોપ મુકાયા છે, એણે મહારાણા પ્રતાપનું નામ લઈને રાજપૂત કોમની લાગણી દુભાવી છે. તમે જ કહો, આને શું કહેવું? જોવાનું એ કે મોદીજીને કૃષ્ણ અને શિવજી સાથે સરખાવાય એમાં કોઈની લાગણી દુભાયાનું સાંભળ્યું નથી. મતલબ સહેજમાં દુભાઈ જાય એવી કોમળ લાગણીઓ માત્ર અમુક પક્ષના લોકોમાં જ છે. બાકી મૂંગાં રહેનારાં સહુ લાગણીશૂન્ય છે. બોલવામાં નબળા પડતા કોંગ્રેસીઓ આ વખતે પણ ટીકાના રૂપમાં એટલું જ બોલી શક્યા કે હે ભગવાન કૃષ્ણ, આ લોકોને સદ્્બુદ્ધિ આપો. જોકે, આવી જ પ્રાર્થના ઘણા કોંગ્રેસીઓ એમના પોતાના નેતાઓ માટે પણ કરી રહ્યા છે. રાજ્યસભામાં વિપક્ષી નેતાનું પદ શોભાવતા કોંગ્રેસી સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ હમણાં કહ્યું કે રાહુલ ગાંધી પક્ષપ્રમુખ બનવાની ના પાડે તોયે અમે એમને આગ્રહ કરીશું, ફરજ પાડશું કે એમણે જ આ જવાબદારી સંભાળવાની છે, કારણ કે એમના સિવાય દેશવ્યાપી અપીલ ધરાવનાર બીજી કોણ વ્યક્તિ છે? વર્ષ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકાની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ પક્ષપ્રમુખના પદેથી રાજીનામુ આપી દીધેલું. રાહુલની જગ્યાએ એમનાં મમ્મીજી સોનિયા ગાંધી પાછાં ફરેલાં. ખડગેજીના મતાનુસાર હવે કોંગ્રેસને અને દેશને રાહુલની જરૂર છે. આ સાંભળીને એમના પક્ષમાં ધ્રૂજી જનારાં લોકો છે. જોકે અત્યારે તો એ પણ કોઈ કારણસર ચૂપ છે. કહેવાનો મતલબ એ કે ‘તમારા સિવાય અમારું, દેશનું કોણ?’ એવું ભજતા લોકો બંને પક્ષમાં છે. પરંતુ મોટા ગજાના ગણાતા નેતાઓ એમના બોસની આવી આરતી ઉતારે ત્યારે એ લોકોને અવિચારી ભોળા ભક્તો ગણી લેવાને બદલે એમના ઈરાદા વિશે આછી શંકા પણ જાગી જાય. કેવી શંકા, એ પૂછવાને બદલે તમે જ વિચારી લેજો.⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...