બ્લેક એન્ડ વ્હાઈટ:બાર ગર્લ્સની દુનિયા: સમય બદલાય પણ સંજોગો નહી!

આશુ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા સપ્તાહમાં બાર ગર્લ્સ વિશે બે સમાચાર બહાર આવ્યા. બાર ગર્લ્સ વિશે આ બે સમાચારો આવ્યા છે ત્યારે તેમના વિશે થોડી વાતો જાણવા જેવી છે. મુંબઈ પોલીસે અંધેરી ઉપનગરના એક બારમાં રેડ કરી ત્યારે બાર ગર્લ માટેના મેકઅપ રૂમમાં અડધો કલાક સુધી ખાંખાંખોળા કર્યા પછી પોલીસટીમને એક મોટા અરીસાની પાછળ બેઝમેન્ટમાં જવાનો રસ્તો મળ્યો. હવાઉજાસ વિનાની એ જગ્યામાં સત્તર યુવતીઓને છુપાવવામાં આવી હતી. પોલીસે એ બધી બાર ગર્લ્સને છોડાવી. એ ઘટનાનો વિડીયો પણ બહાર આવ્યો, જેમાં એક નાનકડી જગ્યામાંથી એક પછી એક સત્તર યુવતીઓ બહાર આવતી દેખાય છે. તે બાર ગર્લ્સને અમાનવીય સ્થિતિમાં એ જગ્યામાં છુપાવાઈ હતી. બીજા સમાચાર દિલ્હીથી આવ્યા. દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તાર સ્થિત નોર્થ એક્સ મોલના એક બારમાં કામ કરતી એક એકવીસ વર્ષીય યુવતીએ એ મોલની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તે યુવતીનાં કમોત બાદ તેનાં કુટુંબના સભ્યોએ બાર માલિક અને અન્ય વ્યક્તિઓ ઉપર આરોપ મૂક્યો કે તે યુવતી જ્યાં કામ કરતી હતી એ બારનો માલિક તેને જબરદસ્તી ડાન્સ કરવા માટે મજબૂર કરી રહ્યો હતો અને ત્યાં તેની જાતીય સતામણી પણ થતી હતી. તે યુવતીનાં કુટુંબની ફરિયાદના આધારે પોલીસે બાર માલિકની ધરપકડ કરી હતી અને અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા છે તેમને પોલીસ શોધી રહી છે. તે છોકરીએ આત્મહત્યા કરી એ દિવસે બાર માલિક અને અન્ય બે વ્યક્તિઓએ તેની જાતીય સતામણી કરી હતી. એને કારણે તે છોકરી વિચલિત થઈ ગઈ હતી. એ પછી બાર માલિક અને અન્ય આરોપીએ તેને મનાવવાની કોશિશ કરી, પરંતુ તે છોકરી ત્યાંથી દોડીને નીકળી ગઈ અને તેણે મોલની છત પર જઈને ત્યાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી. જુલાઈ, 2021માં પણ આવી એક અન્ય ઘટના બહાર આવી હતી, જેમાં દુબઈથી પાછી ફરેલી એક યુવતીએ એક હોટેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તે યુવતી દુબઈથી મુંબઈ આવી હતી અને તે એરપોર્ટ પર ઊતરી ત્યારે તેને ક્વોરન્ટાઈન કરી લેવામાં આવી હતી. એ ઘટના જોકે જુદી હતી. તે બાર ગર્લ અંધેરીની એક હોટેલમાં ક્વોરન્ટાઈન કરાઈ હતી એ વખતે તેને એક યુવાન મળવા આવતો હતો. યુવાનની પત્નીને આ ખબર પડતાં તેણે બાર ગર્લને કોલ કરીને ગાળો આપી હતી. એ વખતે એ બાર ગર્લને ખબર પડી કે તેનો ફ્રેન્ડ તો પરિણીત છે. એ પછી બે દિવસ બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. ડાન્સબાર અને બાર ગર્લ્સ વિશે સમયાંતરે કોઈને કોઈ વિવાદ સર્જાતો રહે છે. મોટાભાગની બાર ગર્લ્સ કોઈને કોઈ મજબૂરીને કારણે બાર ગર્લ બની હોય છે. મોટાભાગની બાર ગર્લ્સ પોતાની ઓળખ છુપાવતી હોય છે. અને મોટાભાગની બાર ગર્લ્સનાં નામ પણ નકલી હોય છે. કોઈ પોતાને ચાંદની તરીકે ઓળખાવતી હોય છે, કોઈ પોતાને શર્વરી તરીકે, કોઈ ઉર્વશી તરીકે ઓળખાવતી હોય તો કોઈ પોતાને રૂપાલી તરીકે ઓળખાવતી હોય છે. પણ તેઓ પોતાની અસલી ઓળખ છુપાવવાની કોશિશ કરતી હોય છે અને જ્યારે કોઈ પોલીસ બાર પર રેડ કરે ત્યારે બાર ગર્લ્સને મીડિયાની સામે આવવું પડે ત્યારે તે રૂમાલ કે દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવતી હોય છે. ઘણી બધી બાર ગર્લ્સનાં કુટુંબને ખબર પણ નથી હોતી કે તેમની દીકરી બાર ગર્લ તરીકે કામ કરે છે. બાર ગર્લ્સને પુરુષો તરફથી પણ અન્યાય થતો હોય છે અને સમાજ તરફથી પણ અન્યાય થતો હોય છે. કોઈ યુવતી બાર ગર્લ છે એવું બહાર આવે ત્યારે સમાજ તેની સાથે અછૂતની જેમ વર્તાવ કરતો હોય છે. કેટલી બધી બાર ગર્લની દર્દનાક અને કરુણ જીવનકથાઓ હોય છે. બે દાયકા અગાઉ મેં કેટલીક બાર ગર્લ્સની મુલાકાતો લઈને એક સ્ટોરી તૈયાર કરી હતી ત્યારે એમાંની મોટાભાગની બાર ગર્લ્સ વાત કરવા તૈયાર ન હતી, પરંતુ કેટલીક બાર ગર્લ્સ સાથેની વાત પરથી સમજાયું હતું કે તેમની સાથે સતત કેટલો અન્યાય થતો રહેતો હોય છે. એમ છતાં ઘણી બાર ગર્લ્સ પોતાનાં સપનાંનો ભોગ આપીને, પોતાનાં શરીરનો ભોગ આપીને, જાત અને જીવન ઘસીને કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બનતી હોય છે. મુંબઈમાં ડાન્સબાર પર પ્રતિબંધ મૂકવા માટે સમયાંતરે કોશિશો થતી રહેતી હતી. એ સમયમાં એક તબક્કે ડાન્સબારમાં બાર ગર્લને નોકરી પર રાખવાની મનાઈ ફરમાવાઈ, ડાન્સબાર પર પ્રતિબંધ મૂકાવાયો. એ વખતે થ્રી સ્ટાર અને એના ઉપરની એટલે કે ફોર સ્ટાર, ફાઈવ સ્ટાર, ફાઈવ સ્ટાર ડિલક્સ અને ફાઈવ સ્ટાર સુપર ડિલક્સ હોટેલ્સમાં ડાન્સ કરનારી યુવતીઓને પરમિશન હતી. એ પછી એ મુદ્દે ડાન્સબાર એસોસિએશનના પ્રેસિડેન્ટ વર્ષા કાળેએ કોર્ટમાં જઈને કાનૂની લડાઈ આપી હતી અને કોર્ટે છેવટે બાર ગર્લ્સની ફેવરમાં ચુકાદો આપ્યો હતો કે અમુક જગ્યાએ અમુક હોટેલોમાં નૃત્ય માટે, ડાન્સ માટે પરમિશન આપવી અને અમુકમાં ન આપવી એ ભેદભાવ છે. એ વખતે સરકારી વકીલે દલીલ કરી હતી કે થ્રી સ્ટાર અને એનાથી ઉપરની ફોર સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટેલોમાં ડાન્સ થાય એ વાત અલગ છે. ત્યારે કોર્ટે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે સરકાર બાર ગર્લ્સનાં શોષણને અટકાવવાની કોશિશ કરી રહી છે, પણ તેનો રસ્તો ખોટો છે. મુંબઈમાં ડાન્સબાર બંધ થઈ ગયા પછી ઘણી બાર ગર્લ્સ જે માત્ર ડાન્સ કરીને પૈસા કમાતી હતી તેમને નાછૂટકે પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલાવું પડ્યું હતું. દેહવિક્રયની દિશામાં વળી જવું પડ્યું હતું. ઘણી બધી બાર ગર્લ્સ દુબઈ અને અન્ય દેશોમાં જતી રહી હતી. {

અન્ય સમાચારો પણ છે...