જુનાગઢમાં એક વેઇટરને અમે પૂછ્યું કે ‘એકી કરવાનું કઈ બાજુ?’ તો તે અમેરિકાથી આવેલા આ બુધ્ધુને જોઈ રહ્યો. ત્યાં રાજકોટથી આવેલા એક વિદ્વાને જણાવ્યું કે ‘વોશરૂમ આ તરફ છે, સર! તમે જૂનો વર્ડ બોલ્યા તે આ ભાઈ સમજ્યા નહીં.’ તે યાદ રાખીને અમે ગાંધીનગરના એક ચપરાસીને પૂછ્યું કે બાથરૂમ કયાં છે તો તે પણ અમેરિકન બુધ્ધુને જોઈ રહ્યો. ઓહ, નોટ બાથરૂમ બટ વોશરૂમ! એક હોટલમાં હાથ લૂછવાના કાગળના નેપકિન માગ્યા તો કોઈ સમજ્યું નહીં. હવે ગુજરાતીમાં નેપકિન ઇઝ ટિસ્યુપેપર! ઇંગ્લેન્ડમાં બોલાતી અંગરેજી અને અમેરિકાની અંગરેજીમાં ફરક છે, જેમકે અમેરિકાનું એલિવેટર તે ઇંગ્લેન્ડની લિફ્ટ. અને અમેરિકાની કૂકી એટલે ઇંગ્લેન્ડની બિસ્કિટ! તેમ હવે અમેરિકાની અંગરેજી કરતાં ગુજરાતની અંગરેજીમાં પણ ફરક છે!
વધુમાં, આ વખતની ગુજરાત ટ્રિપમાં ગુજરાતી ભાષામાં પેઠેલા અંગરેજી શબ્દોમાં પેધી ગયેલા ગુજરાતી મીનિંગોનો ભેટો થયો, જેમકે ‘રેડી!’ રેડી એટલે તૈયાર, રાઈટ! પણ ડોક્ટર પૂછે કે કેમ છે તબિયત, તો તમે કહો કે બિલકુલ રેડી! વળી તમે વધુ બોલકા હોવ તો બોલો રેડી એન્ડ કંપલેટ! કંપલેટ શબ્દ પણ સર્વ વાતે સુખી એવા અર્થમાં વપરાતો થયો છે. તમારો ભત્રીજો તમને કોઈ આઈટેમ બતાવે ને તમે કહો વાહ! ને ભત્રીજો કહે અંકલ, રેડી છે ને! મતલબ નાઇસ છે ને!
ખબર નહીં કોણ ગુજરાત સરકારનાં વિવિધ ખાતાંની જાહેર સૂચનાઓનાં પાટિયાં લખે છે ને કોણ ભાંગની પકોડી ગલોફે ગોઠવીને તેનાં ગુજરાતી ભાષાંતર કરે છે. ગગનવાલા ગાંધીનગરમાં રહે છે ને ગાંધીનગરની અલકમલકની જાહેરાતોનાં પાટિયાં વાંચી અરણ્યરુદન કરે છે, જેમકે ‘ચ રોડ ઉપર જવા માટે ડાબી બાજુ વળો.’ ડાબી બાજુ વડો! વડો? અથવા કશેક રોડવર્ક ચાલતું હોય તો પાટિયું કહે કે ‘કામ પ્રગતિમાં છે,’ યાને વર્ક ઇન પ્રોગ્રેસ, મતલબ સંભાળીને જાઓ રોડવર્ક ચાલે છે. તો તે જ લખો ને, કે ‘સંભાળીને જાઓ, રોડવર્ક ચાલે છે!’ તે જ રીતે તમે કશીક અરજી કરી હોય તેનો નિકાલ ન આવે ને તમે પુછાવો તો જવાબ મળે, ‘કામ પ્રક્રિયામાં છે.’ મતલબ કે તમે જે માગો છો તે મળે કે કેમ તેની વિચારણા ચાલે છે. કોઈ નેટિવ ગુજરાતી માડૂ કશુંયે પ્રગતિમાં છે અથવા પ્રક્રિયામાં છે એવું બોલે નહીં. પણ દવાખાનાંઓમાં, જાહેર પાટિયાંઓમાં, અને છાપાંની હેડલાઇનોમાં આવા ભમરાળા પ્રયોગો થતા રહે છે. જેમકે છાપાંઓમાં પત્રકારો બેફામ રીતે ‘સમીકરણ’ અને ‘રાજકારણ’ વાપરતા હોય છે. ગુજરાતીમાં સમીકરણ શબ્દ અજુગતો લાગે છે ને પત્રકારો રાજકારણ કદી સાચી રીતે વાપરતા નથી. ‘રાજકારણ’ તે ‘પોલિટિક્સ’નો ભોળોભાલો તરજુમો છે. શરદ પવાર રાજકારણ કરે છે લખવું હાસ્યાસ્પદ કહેવાય, કેમકે શબ્દોના એકથી વધુ અર્થ હોય છે, અભિધાર્થ, લક્ષણાર્થ અને વ્યંજનાર્થ; ને તે દરેક અર્થની પાછી છાયાઓ હોય છે. તે દરેક અર્થ અને તેમની છાયાને લક્ષમાં લઈને તમે જે લખતા હોવ ત્યાં જે ફિટબેસતું આવે તે લેવાનું હોય છે. પોલિટિક્સનો અર્થ રાજકારણ તો ખરો, પણ પોલિટિક્સ એટલે રાજરમત પણ થાય, અને શરદ પવાર રાજરમત ખેલે છે એમ કહેવું કાનને રુચે છે.
જાહેર ખબરો મોટાભાગે અંગ્રેજીમાં લખાય છે ને પછી જુદીજુદી ભાષાઓમાં તેના તરજુમા તે તે ભાષાનાં સામયિકોમાં છપાવાય છે. તેવા તરજુમા લગભગ હંમેશાં શબ્દશ: તરજુમા હોય છે, જે કાનને કે આંખને વરવા લાગે છે. જેમકે એક જાહેરખબર કહે છે કે ‘અજાણ્યા સ્રોતમાંથી આવતા કોલ્સની અવગણના કરો.’ અજાણ્યા નંબરના કોલ્સ લેવા નહીં તેમ કહેવાને બદલે આવું કોણ બોલે છે? સીધા ગૂગલ ટ્રાન્સલેટમાંથી ઉતારો કરેલ હોય એવું નથી લાગતું? આ પાઠમાળાનો તરજુમો નથી, સર, તમારે અમુક વાત તમા વાચકોને કે ઉપભોક્તાઓને કહેવી છે. તે વાત કહો, વાત! શબ્દો નહીં, વાત. વર્ડ ટુ વર્ડ નહીં પણ કોન્સેપ્ટ ટુ કોન્સેપ્ટ ભાષાંતર કરો.
અને છેલ્લાં અમુક વર્ષોથી પરભાષી રાષ્ટ્રીય છાપાંઓની ગુજરાતની આવૃત્તિઓ પ્રસિદ્ધ થાય છે જેમાં અંગરેજી વિભાગોને ગુજરાતી ગાંધી ટોપી પહેરાવવાની ચાંપલાશ પ્રગતિમાં છે. જેમકે એક અંગરેજી પેપરના બિઝનેસ વિભાગનો તરજુમો કરાય છે, ‘ધંધો.’ પરંતુ અહીં ‘બિઝનેસ’નું સાચું ગુજરાતી છે, ‘ધંધાપાણી’, કે ‘વેપારધંધા.’ કાનને રુચે કે આંખને સોહે એવું ગુજરાતી લખો, માણારાજ, નહીંતર ડાબી બાજુ વડો! જય જય ગરવી ગુજરાત!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.