તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- વિરલ વસાવડા
જગતની પ્રત્યેક ચીજમાં ચૈતન્ય ધબકી રહ્યું છે. જે પદાર્થ જડ છે એ વાસ્તવમાં સુષુપ્ત ચેતન છે અને જે ચીજ ચેતન છે એ જાગૃત થયેલું જડ છે...! તરત ન સમજાય એવી અનેક બાબતો આપણા ઉપનિષદોમાં છે, જેનું સાચું અર્થઘટન થાય તો એક નવું જ વિશ્વ આપણી સમક્ષ ઊઘડે. આપણી આસપાસ વહેતા ચૈતન્યના આંદોલનો જો પકડી શકાય તો જગતમાંથી કદાચ નફરત, ઘૃણા, દગા, ફટકાને કાયમનો જાકારો આપી શકાય. જડ જણાતી વનસ્પતિમાં જીવ છે એવું જગદીશચંદ્ર બસુ વર્ષો અગાઉ સાબિત કરી ગયા, પણ રહસ્યનો એક વધુ પડદો ઊંચકાયો છે અને એ છે આ વનસ્પતિ દ્વારા થતું કમ્યુનિકેશન! છોડ એકબીજા સાથે વાતો તો કરે જ છે, પોતે નિષ્ણાત સંગીતકાર હોય એમ અદ્્ભુત સંગીત પણ પ્રકૃતિમાં વહેતું મૂકે છે અને આ સંગીતને બાકાયદા રેકોર્ડ પણ કરી શકાયું છે...!
પાંચ ઇન્દ્રિય ધરાવતો માણસ વનસ્પતિ પાસે ટૂંકો પડે એમ કહીએ તો નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે વનસ્પતિ પાસે બીજી 15 ઇન્દ્રિયો છે, એવું સાબિત થઇ ચૂક્યું છે. એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ અનુભવી શકે છે અને મેગ્નેટિક ફીલ્ડને પણ. હવામાં રહેલા અને જમીનમાં દટાયેલા સંખ્યાબંધ રાસાયણિક દ્રવ્યોને પણ એ આસાનીથી માપી શકે છે. ઓર તો ઓર, આ વનસ્પતિ પોતાની પાડોશી વનસ્પતિ સાથે સંવાદ સાધી શકે છે એવું હવે તેલ અવિવ યુનિવર્સિટીના સંશોધકો પણ માની રહ્યાં છે. એમણે કરેલો પ્રયોગ મોંમાં આંગળા નખાવી દે એવો છે.
એક વૃક્ષના થડ પર ઈયળો જામી. ધીમેધીમે વૃક્ષ ખવાતું ગયું. ‘ક્ષયગ્રસ્ત’ આ વૃક્ષે વહેતા મૂકેલા સિગ્નલ્સ પકડીને બાજુના વૃક્ષે પોતાનામાં એવા રાસાયણિક દ્રવ્યો ઉત્પન્ન કરી લીધા કે જે ઈયળ માટે ઝેરી સાબિત થાય! તમાકુ, મકાઈ કે ટમેટાં જેવા છોડ પોતાના ‘જાતભાઈઓ’ જ નહીં, વનસ્પતિની બીજી પ્રજાતિ સાથે પણ સંવાદ કેળવી શકે છે. મુશ્કેલીના સમયે તેઓ હવામાં જ રાસાયણિક દ્રવ્યો વહેતા મૂકીને પાડોશીને બચાવી લેવાનો પ્રયાસ કરે છે.
મજાની વાત એ છે કે વનસ્પતિના મૂળમાં સેરોટોનિન, ડોપામાઈન અને ગ્લુટામેટ જેવા ન્યુરોટ્રાન્સમીટર પણ મળી આવ્યાં છે. માણસના શરીરમાં રહેલા સ્નાયુના કોષોને હલનચલન કરવા માટે લેક્ટોઝ અને માયોસિન જોઈએ, જે પણ તેમના મૂળમાં હાજરી પૂરાવી ચૂક્યાં છે. મતલબ, તેમનું મૂળ જ તેમનું મગજ છે. આ ક્ષેત્રમાં અત્યંત ઉચ્ચ સ્તરની ઈલેક્ટ્રિકલ ગતિવિધિ પણ નોંધાઈ છે.
સૌથી આશ્ચર્યજનક બાબત તો હવે આવે છે. પ્રકૃતિને પોતાનું સંગીત છે, એવું અમસ્તું નથી કહેવાતું. જુદા-જુદા છોડ સાથે યુ-1 પ્રકારના ડિવાઈસ અને ઇલેક્ટ્રોડઝ લગાવીને તેમના દ્વારા વહેતા સંગીતને રેકોર્ડ પણ કરાયું છે. તુલસીનો છોડ કેવો પ્રખર સંગીતકાર છે, એ જાણવું હોય તો એનું અદ્્ભુત ‘ઓરકેસ્ટ્રા’ સાંભળજો! ધરતીમાંથી, માટીમાંથી કેવો સુરીલો ધ્વનિ પ્રસ્ફૂટ થાય છે એ સાંભળશો, ત્યારે પ્રકૃતિને સલામ કરશો. ખાજવણી (નેટલ)ના છોડની તો વાત જ ન પૂછશો! મોઝાર્ટની સિમ્ફનીને ટક્કર મારે એવું અદ્્ભુત પરફોર્મન્સ આ છોડમાંથી વહે છે! અને સંગીત પણ કેવું! માની ન શકો કે આ સંગીત કોઈ છોડમાંથી આવી રહ્યું છે! જાણે ઓરિજિનલ વાદ્યો એકસાથે વાગતાં હોય અને કોઈ કુશળ મ્યુઝિશિયન કોન્સર્ટ કંડક્ટ કરતો હોય એવું લાગ્યા વિના ન રહે. જુદા-જુદા છોડનું સંગીત પણ જુદું. આ બધા જ રેકોર્ડિંગ્ઝ ઓનલાઈન સાંભળી શકાય એટલા સહજ ઉપલબ્ધ છે. જીવની ગતિ 84 લાખ યોનિઓમાં છે, એવું આપણા ગ્રંથો કહે છે. એમાંની એક ગતિનું નામ છે સ્થાવર ગતિ. મતલબ જીવે વૃક્ષ, વનસ્પતિરૂપે જન્મ લેવો પડે. વિજ્ઞાન પોતાની રીતે વિચારે એ સાચું, પણ ધીમે ધીમે એને પણ ‘સમજાઈ’ રહ્યું છે અને પોતે બાંધેલી ધારણાઓને નવેસરથી બાંધવી પડે એ સ્વીકારી ચૂક્યું છે. પોતાની રસોઈ જાતે ‘રાંધતી’ વનસ્પતિ કષ્ટ પડે આહકારો કરે અને ખુશ થાય ત્યારે કર્ણપ્રિય સંગીત રેલાવે ત્યારે એ સમજમાં આવે. આટલું સાબિત થયાં પછી અને આવું સંગીત સાંભળ્યાં પછી ગરુડપુરાણ સાચું હોય એવું નથી લાગતું? visu.vasavada@gmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.