તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ આશુ પટેલ:ડ્રગ્સના ‘બિઝનેસ’માં સ્ત્રીઓ પુરુષ સમોવડી!

આશુ પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેફી દ્રવ્યોના ખતરનાક ધંધામાં હવે મહિલાઓનો ઉપયોગ વધવા લાગ્યો છે અને ઘણી મહિલાઓ તો પોતે જ ડ્રગ્સ રેકેટ ચલાવતી થઈ ગઈ છે

કેફી દ્રવ્યોના ખતરનાક ધંધામાં હવે સ્ત્રીઓ પુરુષ સમોવડી બનવા લાગી છે. આ જાકુબીના ધંધામાં મહિલાઓનો ઉપયોગ વધવા લાગ્યો છે અને ઘણી મહિલાઓ તો પોતે જ ડ્રગ્સ રેકેટ ચલાવતી થઈ ગઈ છે. ડ્રગ્સ રેકેટમાં મહિલાઓ પકડાય એવા કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે. જૂન, 2021ના બીજા સપ્તાહમાં મુંબઈમાં કેકમાં ડ્રગ મિક્સ કરીને સેવન કરાતું હોવાની વાત બહાર આવી હતી. મુંબઈના મલાડ ઉપનગરના ઓર્લેમ વિસ્તારમાં માદક પદાર્થયુક્ત, ડ્રગ્સયુક્ત કેક બનાવતી બેકરી પર દરોડા પડાયા. એ પછી ચોંકાવનારી વાત બહાર આવી હતી કે એ ડ્રગમિશ્રિત કેક અને પેસ્ટ્રી વેચનારી ગેંગની લીડર એક કોલેજિયન યુવતી હતી! એ ડ્રગ સપ્લાયર યુવતી માદક પદાર્થમિશ્રિત ખાસ કેક નંગદીઠ ચારસોથી એક હજાર રૂપિયામાં વેચતી હતી. કેકમાં ડ્રગ મિક્સ કરીને વેચાતું હોય એવો આ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે. કેક, પેસ્ટ્રી અને અન્ય બેકરી ઉત્પાદનોમાં ડ્રગ મિક્સ કરવાનો આઈડિયા તે વીસ વર્ષીય કોલેજિયન યુવતીનો હતો. અને એ કેક, પેસ્ટ્રી અને અન્ય બેકરી ઉત્પાદનોમાં કેટલા પ્રમાણમાં ડ્રગ મિક્સ કરવું એ પણ તે યુવતી જ નક્કી કરતી હતી. તે કોલેજિયન યુવતીએ મુંબઈની અનેક કોલેજીસમાં પણ કેક અને પેસ્ટ્રીના માધ્યમથી ડ્રગ્સ સપ્લાય કર્યા હોવાની માહિતી પોલીસને મળી રહી છે (મુંબઈના સંખ્યાબંધ કોલેજિયન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ડ્રગ્સનું સેવન કરતાં થઈ ગયાં છે). જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં અન્ય એક કિસ્સો બહાર આવ્યો હતો, જેમાં એક ઝામ્બિયન યુવતી એકવીસ કરોડ રૂપિયાના હેરોઈન સાથે મુંબઈ એરપોર્ટમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓના હાથમાં ઝડપાઈ ગઈ હતી. ઝુલિયાના મુતાલે નામની તે યુવતી જોહનિસબર્ગથી વાયા દોહાની ફલાઈટમાં મુંબઈ આવી હતી. ડીઆરઆઈના અધિકારીઓને પાકી માહિતી મળી હતી તેના આધારે તેમણે તેની તલાશી લીધી ત્યારે તેની બેગમાં ખાસ પ્રકારની જગ્યા બનાવીને છુપાવાયેલું એકવીસ કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું હતું. મુંબઈમાં ગયા વર્ષે એક ડ્રગ રેકેટ પકડાયું હતું. એ પછી તપાસમાં બહાર આવ્યું હતું કે એમાં ઘણી બધી મહિલાઓ સામેલ હતી. પોલીસને સ્ત્રીઓ પર શંકા ન જાય એ માટે ડ્રગ્સની હેરાફેરી માટે મહિલાઓનો ઉપયોગ થતો હોય છે. મુંબઈ એરપોર્ટમાંથી સમયાંતરે વિદેશી મહિલાઓ ડ્રગ્સ સાથે પકડાતી રહે છે. 18 ફેબ્રુઆરી, 2021ના દિવસે એક સાઉથ આફ્રિકન યુવતી ત્રણ કિલો હેરોઈન સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના હાથમાં ઝડપાઈ ગઈ હતી. ડિસેમ્બર, 2020માં અડધો કિલો હેરોઈન સાથે એક યુવતીની ધરપકડ થઈ હતી. તેનાં શૂઝમાં છુપાવેલું અડધો કિલો હેરોઈન જપ્ત થયું હતું. એ અગાઉ 24 નવેમ્બર, 2020ના દિવસે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા છ કરોડ રૂપિયાનાં કોકેઈન સાથે એક મહિલાની મુંબઈ એરપોર્ટમાં ધરપકડ કરાઈ હતી. એ જ રીતે 6 માર્ચ, 2019ના દિવસે પણ મુંબઈ એરપોર્ટ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ વીસ વર્ષીય બ્રાઝિલિયન યુવતીની ધરપકડ કરી હતી. એની પાસે સાત કરોડ રૂપિયાનું 1 કિલો, 18 ગ્રામ કોકેઈન જપ્ત કરાયું હતું. રેબેકા નામની તે યુવતી બ્રાઝિલના સાઉપાઉલો શહેરમાંથી ડ્રગ્સ લઈને આવી હતી. મુંબઈ અને દિલ્હી તો ડ્રગ્સ માટેનાં હબ ગણાય છે, પરંતુ હવે હૈદરાબાદ, લખનઉ, કાનપુર, બેંગ્લુરુ જેવાં શહેરોમાં પણ અવારનવાર ડ્રગ્સ રેકેટ્સ પકડાતાં રહે છે. એવાં શહેરોમાં પણ ડ્રગ્સના કારોબારમાં મહિલાઓનો ઉપયોગ વધવા લાગ્યો છે. જૂન, 2021ના શરૂઆતના દિવસોમાં જ હૈદરાબાદ એરપોર્ટ પરથી યુગાન્ડાની વતની એવી એક મહિલા બાર કિલો ડ્રગ્સ સાથે પકડાઈ ગઈ હતી. છેલ્લે ઉત્તર પ્રદેશની એક યુવતીના એક કિસ્સા સાથે વાત પૂરી કરીએ. નવેમ્બર, 2017માં ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાની શબનમ અલી નામની 34 વર્ષીય યુવતીના પતિની તબિયત બગડી ગઈ હતી. એ વખતે તેણે એક સંબંધીને વિનંતી કરી હતી કે મારો પતિ હોસ્પિટલમાં છે. તેની સારવાર માટે મને આર્થિક મદદ કરો. તે સંબંધીએ તેને કહ્યું હતું કે હું તને પૈસા તો આપી શકું એમ નથી, પણ તું એક નાનકડું પેકેટ એક જગ્યાએ પહોંચાડી આપ તો તને તને પૈસા અપાવીશ. શબનમે એ પેકેટ લઈને કોઈ એક ઘરે પહોંચાડ્યું. તેને મોટી રકમ મળી. એ પછી શબનમ ડ્રગ પેડલર તરીકે આગળ વધતી ગઈ. ડ્રગ્સનાં પેકેટની ડિલિવરી કરતાં-કરતાં તેને વધુ લાલચ જાગી એટલે તેણે તેની પોતાની એક ગૅન્ગ બનાવી જેમાં તેણે પોતાનાં જેવી જરૂરતમંદ યુવતીઓને સામેલ કરી. અને તેણે ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં પોતાનું નેટવર્ક વિકસાવ્યું. એ પછી 28 જુલાઈ, 2020ના દિવસે શબનમ પંદર લાખ રૂપિયાના ડ્રગ સાથે ઝડપાઈ ગઈ ત્યારે તેની આ ‘કથા’ બહાર આવી હતી.{

અન્ય સમાચારો પણ છે...